Mon Nov 16 2026

Logo

19 નવેમ્બરે 6 કલાક માટે ‘થંભી’ જશે મુંબઈનું આકાશ! એરપોર્ટના બંને રનવે બંધ, તમામ ફ્લાઈટના શેડ્યૂલમાં થશે ફેરફાર

2026-10-31 18:01:29
Author: Mumbai Samachar Team
19 નવેમ્બરે 6 કલાક માટે ‘થંભી’ જશે મુંબઈનું આકાશ! એરપોર્ટના બંને રનવે બંધ, તમામ ફ્લાઈટના શેડ્યૂલમાં થશે ફેરફાર

મુંબઈ: મુંબઈથી હવાઈ મુસાફરી કરનારા લોકો માટે મહત્વના સમાચાર છે. 19 નવેમ્બરે મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (સીએસએમઆઈએ) છ કલાક માટે સંપૂર્ણપણે બંધ રહેશે. સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી એરપોર્ટના બંને રનવે પર એક પણ વિમાનનું ટેકઓફ કે લેન્ડિંગ થઈ શકશે નહીં. ચોમાસા બાદ રનવેના આવશ્યક સમારકામ અને સુરક્ષા ચકાસણી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયગાળામાં મુંબઈથી આવતી-જતી ફ્લાઈટ્સના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવશે.

એરપોર્ટના મુખ્ય રનવે 09/27 અને બીજા રનવે 14/32ને એકસાથે બંધ રાખવામાં આવશે. મુંબઈ જેવા વ્યસ્ત એરપોર્ટ પર બંને રનવે છ કલાક માટે બંધ રહેવાની આ કામગીરીનું આયોજન અગાઉથી કરવામાં આવ્યું છે. મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (એમઆઈએએલ)ના જણાવ્યા અનુસાર, ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને ભેજને કારણે રનવેની સપાટી તથા અન્ય સુવિધાઓ પર થતી અસરની તપાસ અને જાળવણીની આવશ્યકતા છે.

આ છ કલાક દરમિયાન રનવેની સપાટીની તપાસ અને જરૂરી સમારકામ ઉપરાંત લાઇટિંગ સિસ્ટમ, રનવે માર્કિંગ અને પાણીના નિકાલની વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કરવામાં આવશે. ચોમાસા દરમિયાન રનવે પર પાણી ભરાવાની શક્યતા અને અન્ય માળખાકીય અસરને ધ્યાનમાં રાખીને આ કામગીરી હાથ ધરાશે. તેનો મુખ્ય હેતુ વિમાનોની અવરજવર સુરક્ષિત અને સરળતાથી ચાલુ રહે તે સુનિશ્ચિત કરવાનો છે.

આ કામગીરીને કારણે ફ્લાઇટ્સનું સંચાલન ખોરવાય નહીં તે માટે એરપોર્ટ પ્રશાસને એરલાઇન્સ અને સંબંધિત એજન્સીઓ સાથે લગભગ છ મહિના અગાઉથી સંકલન શરૂ કર્યું હતું. આ સમયગાળા માટે નોટિસ ટુ એરમેન (એનઓટીએએમ) પણ જાહેર કરવામાં આવી છે. એરલાઈન્સને પોતાની ફ્લાઈટના સમયપત્રકમાં જરૂરી ફેરફાર કરવા જણાવાયું છે.

એરપોર્ટ ઓથોરિટીએ 19 નવેમ્બરે મુસાફરી કરવાના હોય તેવા પ્રવાસીઓને એરપોર્ટ જતાં પહેલાં પોતાની ફ્લાઈટનો સમય તપાસી લેવાની અપીલ કરી છે. ફ્લાઈટના પ્રસ્થાન કે આગમનના સમયમાં ફેરફાર થઈ શકે છે. તેથી એરલાઈનની વેબસાઈટ, એપ અથવા ગ્રાહક સેવા મારફતે તાજી માહિતી મેળવી લેવાની સૂચના આપી છે. મુંબઈ એરપોર્ટ પર દરરોજ મોટી સંખ્યામાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનું સંચાલન થાય છે. આવી સ્થિતિમાં બંને રનવેને એકસાથે છ કલાક બંધ રાખવાનો નિર્ણય ઉડ્ડયન વ્યવસ્થાની દૃષ્ટિએ મહત્વનો સાબિત થશે પણ તેને કારણે પ્રવાસીઓને ભારે હાલાકી થવાની શક્યતા છે.

વધુ જુઓ...