Tue Nov 10 2026

Logo

લાતુરમાં કુરિયર કંપનીની વૅનમાંના પાર્સલમાં બ્લાસ્ટથી ગભરાટ: કર્મચારી ગંભીર જખમી...

2026-10-31 18:08:00
Author: Yogesh C. Patel
લાતુરમાં કુરિયર કંપનીની વૅનમાંના પાર્સલમાં બ્લાસ્ટથી ગભરાટ: કર્મચારી ગંભીર જખમી...

પ્રતીકાત્મક તસવીર


લાતુર: લાતુરમાં કુરિયર કંપનીની પિકઅપ-વૅનમાંનાં પાર્સલ ઉતારતી વખતે એકાએક ધડાકો થતાં સ્થાનિક વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બ્લાસ્ટને કારણે એક કર્મચારી ગંભીર રીતે ઘવાયો હોઈ પોલીસ વધુ તપાસ કરી રહી છે.પોલીસના જણાવ્યા મુજબ ઘટના શનિવારની સવારે 9.30 વાગ્યાની આસપાસ બની હતી. કર્મચારીઓ વૅનમાંનાં પાર્સલ ઉતારી રહ્યા હતા ત્યારે અચાનક ધડાકો થયો હતો. ધડાકાના અવાજથી સ્થાનિક રહેવાસીઓમાં ભય ફેલાઈ ગયો હતો.

કહેવાય છે કે ધડાકાના અવાજ સાથે મોટી માત્રામાં ધુમાડો પણ નીકળવા લાગ્યો હતો. પાર્સલ ઉતારી રહેલો કર્મચારી બ્લાસ્ટને કારણે ગંભીર રીતે દાઝ્યો હતો. સારવાર માટે તને નજીકની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.દરમિયાન બ્લાસ્ટની માહિતી મળતાં જ શિવાજીનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે વૅનની બારીકાઈથી તપાસ કરી રહી હતી. ફોરેન્સિક નિષ્ણાતોની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે અમે દરેક પાસાંની તપાસ કરી રહ્યા છીએ. દિવાળી નજીક હોવાથી પાર્સલમાં ફટાકડા હોઈ શકે એવું જણાય છે. એ સિવાય જ્વલનશીલ રસાયણ અથવા બૅટરી સંબંધી ચીજો પણ હોઈ શકે, જેને કારણે ધડાકો થયો હશે. ફોરેન્સિક નિષ્ણાતો પણ ધડાકાના ચોક્કસ કારણની તપાસ કરી રહ્યા છે. (પીટીઆઈ)