શૅરબજારમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે ઠગાઈ કરનારા ત્રણ જણ પકડાયા
મુંબઈ પોલીસે મધ્ય પ્રદેશના કૉલ પર કરી કાર્યવાહી: ત્રણ લાખથી વધુ લોકોના મોબાઈલ ડેટા મળ્યા
![In pursuit of attractive returns in the stock market 6 crore fraud with 43 investors](/wp-content/uploads/2024/04/Jignesh-MS-2024-04-11T201605.965.jpg)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બનાવટી લિંક મોકલાવીને ‘પ્રોફિટ બુલ’ નામની એપ્લિકેશન ડાઉનલૉડ કરવા ફરજ પાડ્યા પછી રોકાણકારો સાથે લાખો રૂપિયાની કથિત ઠગાઈ કરવા પ્રકરણે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. શૅરબજારમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચ આપનારા મધ્ય પ્રદેશના કૉલ સેન્ટર પર મુંબઈ પોલીસે કાર્યવાહી કરતાં ત્રણ લાખથી વધુ લોકોના મોબાઈલ ડેટા મળી આવ્યા હતા.
માટુંગા પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ રામ બહાદ્દુર રામ સિંહ ભદોરિયા (62), અંકિત ઉર્ફે રાજકુમાર શ્રીરામ શિંદે (30) અને સંજય ભગવાનદાસ બૈરાગી (28) તરીકે થઈ હતી. કોર્ટે તેમને 15 એપ્રિલ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
પોલીસના જણાવ્યા મુજબ માટુંગા પૂર્વમાં રહેતા ચંદ્રશેખર આનંદરાવ તાવરે (56)એ નોંધાવેલી ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. તાવરે સાથે ફેબ્રુઆરી, 2024માં 8.33 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. તાવરેના મોબાઈલ ફોન પર આરોપીએ કૉલ કરી શૅરબજારમાં રોકાણ સંદર્ભે માહિતી આપી હતી. બાદમાં તાવરેને મોબાઈલમાં પ્રોફિટ બુલ ઍપ ડાઉનલૉડ કરવાની ફરજ પાડી હતી.
આપણ વાંચો: 300 રોકાણકારો સાથે 26 કરોડની ઠગાઈ: કંપનીના બે ડિરેક્ટર સહિત ત્રણની ધરપકડ
શરૂઆતમાં તાવરેએ રોકેલી રકમ પર સારું વળતર મળ્યું હોવાનું સંબંધિત ઍપ પર દર્શાવાયું હતું. લાલચમાં આવી ફરિયાદીએ કુલ 8.33 લાખ રૂપિયા રોક્યા હતા. જોકે બાદમાં રૂપિયા કઢાવવાનો પ્રયાસ કરતાં ફરિયાદીને વિવિધ કારણો બતાવી વધુ રોકાણ કરવાનું કહેવામાં આવ્યું હતું. શંકા જતાં તાવરેએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
તાવરેએ જે બૅન્ક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા તેની વિગતોને આધારે પોલીસે મુંબઈ ઍરપોર્ટ ખાતે છટકું ગોઠવી મધ્ય પ્રદેશના વતની ભદોરિયાની ધરપકડ કરી હતી. તેની પાસેથી ચાર ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, ત્રણ મોબાઈલ ફોન અને પાંચ સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યાં હતાં.
તેણે આપેલી માહિતી પરથી પોલીસે ઈન્દોરના વિજયનગરથી શિંદે અને બૈરાગીને તાબામાં લીધા હતા. આરોપીઓની પૂછપરછ પછી અધિકારીઓેએ સ્થાનિક પોલીસની મદદથી ઉજ્જૈનના મહાનંદાનગર ખાતે ધમધમતા કૉલ સેન્ટર પર કાર્યવાહી કરી હતી. કૉલ સેન્ટરમાંથી 16 મોબાઈલ ફોન, 15 સિમ કાર્ડ, લૅપટોપ, રાઉટર જપ્ત કર્યાં હતાં. લૅપટોપની તપાસ કરતાં ત્રણ લાખથી વધુ લોકોના મોબાઈલ નંબરના ડેટા મળી આવ્યા હોઈ પોલીસ તેની તપાસ કરી રહી છે.