લોકસભા ચૂંટણી 2024: નહીં ચલેગા: રાજ ઠાકરેને શિંદે સેના સોંપવા સામે કાર્યકર્તાઓનો વિરોધ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ અને ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિની બેઠકોની વહેંચણી અંગે ચાલી રહેલી ચર્ચા વખતે અચાનક આ ત્રણ પક્ષની મહાયુતિમાં મનસે નામના ચોથા ખૂણાનો ઉમેરો થયો. મનસેની એન્ટ્રી પછી બેઠકોની વહેંચણીની ચર્ચા અટકી પડી હોવાનું જણાઈ રહ્યું છે.
હજી સુધી રાજ્યમાં અજિત પવાર અને શિંદે સેના કેટલી બેઠકો પરથી લડશે તે નક્કી થઈ શકતું નથી. આ બધાની વચ્ચે એવા અહેવાલો વહેતા થયા હતા કે રાજ ઠાકરેને શિંદે સેનાનું અધ્યક્ષપદ સોંપવામાં આવશે, આ અહેવાલો સામે હવે શિંદે સેનાના કાર્યકર્તાઓનો વિરોધ જોવા મળી રહ્યો છે.
આપણ વાંચો: રાજ ઠાકરે બનશે શિવસેના સુપ્રીમો? મહારાષ્ટ્ર નવનિર્માણ સેના શિવસેનામાં વિલીન થાય તેવી શક્યતા
રાજ ઠાકરે દિલ્હીમાં અમિત શાહને મળ્યા બાદ થયેલી ચર્ચામાં એકનાથ શિંદેની શિવસેનાનું નેતૃત્વ રાજ ઠાકરેને સોંપીને શિંદેને પક્ષમાં મહત્ત્વનું પદ આપવામાં આવે એવી ફોર્મ્યુુલા ઘડી કાઢવામાં આવી છે. વાસ્તવમાં ઉદ્ધવ ઠાકરેનો સામનો કરવા માટે ઠાકરે અટક ધરાવતી વ્યક્તિ અત્યંત મહત્ત્વની હોવાનો મત અમિત શાહે વ્યક્ત કર્યો હતો. બીજી તરફ ‘મૂળ શિવસેના’ રાજ ઠાકરેના હાથમાં સોંપવામાં આવે તો નૈસર્ગિક ન્યાય કર્યો હોવાની લાગણી રાજ્યના મરાઠીભાષીઓમાં જશે એવી ગણતરી આ બધાની પાછળ હોવાનું કહેવાઈ રહ્યું છે.
સત્તાવાર રીતે ભાજપ કે રાજ ઠાકરેની મનસે દ્વારા આવા કોઈ ચર્ચા કે નિર્ણય અંગે એકેય શબ્દ બહાર પાડવામાં આવ્યો નથી, પરંતુ શિંદે સેનાના ‘ડોંગર, ઝાડી…’થી પ્રખ્યાત થયેલા શહાજી બાપુ પાટીલે પોતાની આગવી અદામાં વિરોધ નોંધાવતાં કહ્યું હતું કે શિવસેનાના અધ્યક્ષ તો એકનાથ શિંદે જ રહેવા જોઈએ. આવી કોઈપણ હિલચાલનો અમે વિરોધ કરીએ છીએ અને જરૂર પડશે તો મોવડીમંડળ સમક્ષ અમારું વલણ સ્પષ્ટ કરીશું.
અહીં ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેના પક્ષને લોકસભાની ઉમેદવારી આપવાને બદલે રાજ્યસભા અને વિધાન પરિષદની ઉમેદવારી આપવાની વાતો પણ કાને આવી રહી છે તેનાથી મહાયુતિનું ચિત્ર અત્યારે સૌથી વધુ અસ્પષ્ટ હોવાનું લાગી રહ્યું છે. વાસ્તવમાં 12 એપ્રિલે લોકસભાની ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસ પહેલાં બધું ચિત્ર સ્પષ્ટ થઈ જશે એવું અત્યારે લાગી રહ્યું છે.