પતિ સાથેના ઝઘડા બાદ પત્નીએ દીકરીની કરી હત્યા: મૃતદેહ સાથે ચાર કિ.મી. સુધી ફરતી રહી
નાગપુર: પતિ સાથે ઝઘડો થયા બાદ રોષે ભરાયેલી પત્નીએ તેની ત્રણ વર્ષની દીકરીની હત્યા કરી હોવાની ઘટના નાગપુરમાં બની હતી. પુત્રીની હત્યા કર્યા બાદ મૃતદેહ સાથે તે ચાર કિલોમીટર સુધી રસ્તા પર ફરતી રહી હતી અને બાદમાં તેણે પોલીસને ઘટનાની જાણ કરી હતી.
એમઆઇડીસી પોલીસ સ્ટેશનની હદમાં સોમવારે સાંજના આ ઘટના બની હતી. આરોપી મહિલા ટ્વિંકલ રાઉત (23) અને તેનો પતિ રામ રાઉત (24) રોજગારની શોધમાં ચાર વર્ષ પહેલાં નાગપુર આવ્યાં હતાં. બાદમાં તેઓ એમઆઇડીસી વિસ્તારમાં હિંગણા રોડ પર આવેલી કંપનીમાં કામ કરતા હતા અને કંપનીના પરિસરમાં આવેલી રૂમમાં રહેતાં હતાં.
આ પણ વાંચો: કોલકાતામાં બાંગ્લાદેશી સાંસદનું હત્યા? ગૃહ પ્રધાનના દાવાથી ખળભળાટ
દરમિયાન અવિશ્ર્વાસને કારણે તેમની વચ્ચે વારંવાર ઝઘડા થવા લાગ્યા હતા. સોમવારે સાંજે ફરી તેમની વચ્ચે ઝઘડો થતાં તેમની દીકરી રડવા લાગી હતી. આથી ટ્વિંકલ દીકરીને લઇ ઘરની બહાર નીકળી ગઇ હતી અને વૃક્ષ નીચે ગળું દબાવીને તેની હત્યા કરી હતી. બાદમાં તે દીકરીના મૃતદેહ સાથે ચાર કિ.મી. સુધી રસ્તા પર ફરતી રહી હતી.
રાતે આઠ વાગ્યે પોલીસની પેટ્રોલિંગ વેનને જોતાં તેણે ઘટનાની જાણ પોલીસને કરી હતી. બાળકીને હોસ્પિટલમાં લઇ જવાતાં તેને મૃત જાહેર કરાઇ હતી. આ ઘટના બાદ પોલીસે ગુનો દાખલ કરીને ટ્વિંકલની ધરપકડ કરી હતી. (પીટીઆઇ)