અકોલામાં કાર અકસ્માતમાં બે બાળકી સહિત છ જણનાં મોત: ત્રણ જખમી

અકોલા: અકોલામાં ફ્લાયઓવર ઉપર બે કાર સામસામે ટકરાતાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં બે બાળકી સહિત છ જણે જીવ ગુમાવ્યા હતા, જ્યારે ત્રણ ગંભીર રીતે ઘવાયા હતા.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ મૃતકોમાં અમરાવતી ટીચર મતદાર ક્ષેત્રના વિધાનપરિષદના સભ્ય (એમએલસી) કિરણ સરનાઈકના સગાંનો પણ સમાવેશ થાય છે.
અકોલા-વાસીમ હાઈવે પર પાતુર ઘાટ નજીકના ફ્લાયઓવર પર શુક્રવારની બપોરે આ ઘટના બની હતી. એમએલસીનો ભત્રીજો રઘુવીર સરનાઈક (28), તેની બહેન અને પરિવારના અન્ય ત્રણ સભ્ય એસયુવીમાં અકોલા જઈ રહ્યા હતા, જ્યારે સામેની દિશામાંથી આવેલી કારમાં પણ ચાર જણ હતા.
આપણ વાંચો: સુરેશ રૈનાના મામાના દીકરાનું હિટ ઍન્ડ રન અકસ્માતમાં મૃત્યુ
પૂરપાટ વેગે દોડતી બન્ને કાર સામસામે ટકરાઈ હતી. આ ઘટનામાં એમએલસીનાં પાંચ સગાંમાંથી ત્રણનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે બે ગંભીર રીતે ઘવાયા હતા. અકસ્માતગ્રસ્ત બીજી કારમાં હાજર ત્રણ જણે પણ આ ઘટનામાં જીવ ગુમાવ્યા હતા, જ્યારે એક જખમી થયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે નવ મહિનાની બાળકી અસ્મિરા અજિંક્ય અમલે સહિત એક વર્ષની બાળકીનું પણ મૃત્યુ થયું હતું. અકસ્માતમાં જખમી ત્રણને સારવાર માટે અકોલાની ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજમાં દાખલ કરાયા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે અકોલા ગ્રામીણ હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. (પીટીઆઈ)