સુરેશ રૈનાના મામાના દીકરાનું હિટ ઍન્ડ રન અકસ્માતમાં મૃત્યુ
શિમલા: ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને આઇપીએલના એક સમયના નંબર-વન બૅટર સુરેશ રૈનાનો પરિવાર અત્યારે શોકગ્રસ્ત છે. તેના ફૅમિલીની એક યુવાન વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થયું છે.
એવો અહેવાલ મળ્યો છે કે રૈનાના મામાના દીકરાનું અકસ્માતમાં મૃત્યુ થયું છે. સૌરભ કુમાર હિટ ઍન્ડ રનનો શિકાર થયો છે.
આ કરુણ ઘટના હિમાચલ પ્રદેશમાં કાંગરા જિલ્લામાં મંગળવારે રાત્રે 11.30 વાગ્યે બની હતી. પ્રાથમિક અહેવાલમાં એવું પણ જણાવાયું હતું કે આ ઍક્સિડન્ટમાં 19 વર્ષના શુભમ નામના ટીનેજરનું પણ મૃત્યુ નીપજ્યું હતું.
કાંગરા જિલ્લામાં ગગ્ગાલ ઍરપોર્ટ નજીક ગગ્ગાલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વિસ્તારમાં આ જીવલેણ ઘટના બની હતી.
સૌરભ કુમાર સ્કૂટર પર જઈ રહ્યો હતો ત્યારે ટેક્સી સાથેની ટક્કરમાં અકસ્માત સર્જાયો હતો જેમાં સૌરભનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ટેક્સીચાલક આ ઘટના બાદ નાસી ગયો હતો, પોલીસે તેને મંડી વિસ્તારમાંથી પકડી લીધો હતો.
રૈનાના મામા (સૌરભના પિતા) એક ફૅક્ટરીમાં કામ કરે છે અને શુભમ તેમની સાથે કામ કરતો હતો.
37 વર્ષના સુરેશ રૈનાની કરીઅર શાનદાર હતી. 2005થી 2018 દરમ્યાન તેણે 300થી વધુ ઇન્ટરનૅશનલ મૅચમાં કુલ 8,000થી વધુ રન બનાવ્યા હતા. આઇપીએલમાં તેણે 205 મૅચમાં 5,528 રન બનાવ્યા હતા જે તમામ બૅટર્સમાં પાંચમા સ્થાને છે.