છત્તીસગઢના બેમેતરામાં ભયંકર માર્ગ અકસ્માત: નવનાં મોત, 22થી વધુ ઘાયલ
અકસ્માત:
છત્તીસગઢના બેમેતરા જિલ્લામાં સોમવારે ટ્રક અને માલવાહક વાહન વચ્ચે થયેલી ટક્કર બાદ જોવા મળી રહેલો વાહનનો કાટમાળ. (એજન્સી)
રાયપુર : છત્તીસગઢના બેમેતરા વિસ્તારમાં મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં નવ લોકોના મોતની માહિતી મળી રહી છે જ્યારે બાવીસથી વધુ લોકો ઘાયલ હોવાના સમાચાર પણ છે. બોલેરો અને પીકઅપ વાહનોનાં ટક્કરથી આ અકસ્માત થયો હોવાનું કહેવાય છે. મૃત્યુ પામેલાઓમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માત રાત્રે 10 વાગ્યાની આસપાસ થયો હતો.
લોકો પરથરા ગામથી તીરૈયા છઠ્ઠીનાં કાર્યક્રમમાં ગયા હતા, જ્યાંથી પરત ફરતા સમયે બોલેરો અન્ય માલવાહક વાહનથી ટકરાતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘણા લોકોનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘાયલ લોકોને બેમેતરા જીલ્લા હૉસ્પિટલ અને સિંગર સ્વાસ્થ્ય
કેંદ્ર ખાતે તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા હતા. જેમાના 4 ગંભીરરીતે ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક રાયપુર ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતની જાણ થતા જ મોડી રાત્રે બેમેતરાનાં કલેકટર રણવીર શર્મા તથા એસપી રામકૃષ્ણ સાહુ હૉસ્પિટલ પહોચ્યા હતા. તેમજ સ્થાનિક ધારાસભ્ય દીપેશ સાહુએ પણ હોસ્પીટલ પહોંચી લોકોની સ્થિતિ જાણી હતી.