ગુજરાતમાં સરેરાશ 55 ટકા મતદાન: અંતિમ આંકડાઓ બદલી શકે છે સિનારિયો?
ગાંધીનગરઃ ગુજરાતમાં એકંદરે મતદાન 55 ટકા થયાનું જાહેર થયું છે.આ મતદાનની ટકાવારી સરેરાશ છે અને મોડી રાત સુધીમાં સતાવાર આંકડાઓ આવશે તેવું પણ જણાવાયું છે ત્યારે, ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં થયેલી લોકસભાની 25 બેઠક અને વિધાનસભાની 5 બેઠકની પેટા ચૂંટણીના પરિણામ ચોંકાવનારા હોય તો જરા પણ નવાઈ નહીં રહે.
છેલ્લી બે-બે ટર્મથી વિપક્ષ કોંગ્રેસને એક પણ બેઠક જીતવાની તક પૂરી ના પાડનાર ભાજપ આ વખતે લોકસભા ચૂંટણીમા મોદીને ગુજરાતમાં ‘હેટ્રિક’અપાવશે ? તેવો સવાલ મંગળવાર બપોરથી ચર્ચાવો શરૂ થઈ ગયો હતો.આનું સ્પસ્ટ કારણ હતું કે, બપોરના ત્રણ વાગ્યા સુધીના લોકસભાની કેટલીક બેઠકોના મતદાનના આંકડાઓ ઓછા મતદાનની ચાડી તો ખાતા જ હતા,સાથે શહેરી વિસ્તાર મતદાન પ્રત્યે ઉદાસીન રહ્યાની લાગણી પણ આંકડાઓમાં છ્લકાતી હતી. શક્ય છે ગરમી પણ એક કારણ હોય.
બીજું ક્ષત્રિય સમુદાયનું આંદોલન ગુજરાતમાં જે રીતે પ્રસર્યું તેનાથી ઘણી ખરી અસર સૌરાષ્ટ્રમાં વર્તાઇ હોવાના અણસાર મતદાન પરથી મળે છે. વડોદરાના ક્ષત્રિય સમુદાયના વિસ્તારોમાં 60 ટકા વોટિંગ થયું છે. તો રાજકોટ ,સુરેન્દ્રનગર,જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર જેવી બેઠકોમાં 5 વાગ્યા સુધી 50 ટકા જેટલું પણ વોટિંગ દેખાતું ન હતું.
ગુજરાતમાં લોકસભા સીટ પર સૌથી વધુ વોટિંગ બનાસકાંઠા માં સામે આવ્યું તો સૌથી ઓછું વોટિંગ મહાત્મા ગાંધી ભૂમિ પોરબંદરમાં સામે આવ્યું છે. આ બેઠક પરથી કેન્દ્રિય મંત્રી ડો મનસુખ માંડવિયા ચૂંટણી લડી રહ્યા છે. આવું જ કઈક રાજકોટ બેઠક પર થયું છે. મતદાનના કલાક પહેલા રાજકોટના લોકસભા બેઠકના આંકડા માત્ર 46 ટકા હતા. અહીં ક્ષત્રિય સમાજ વિરૂદ્ધ નિવેદન ઉચારનારા કેન્દ્રઇય મંત્રી પરસોત્તમ રૂપાલા ઉમેદવાર છે. સામે લેઉવા પાટીદાર અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી ચૂંટણી લડી રહ્યા છે.
ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા ઠાકોર,ચૌધરી,પટેલ અને અન્ય જ્ઞાતીનું પ્રભુત્વ ધરાવે છે. બનાસકાંઠામાં સવારથી જ ઊંચું મતદાન કોંગ્રેસનાં ગેની બહેન ઠાકોરની તરફેણમાં હોવાનું ચિત્ર ઊપસે છે. અહી,કોંગ્રેસ-ભાજપ નહીં પણ ઠાકોર વિરુદ્ધ ચૌધરી વાળું મતદાન થયું છે. અને રબારી,મુસ્લિમ, સહિત ઈતર જ્ઞાતિઑ પણ કોંગ્રેસ તરફી મતદાન કર્યું હોય તો નવાઈ નહીં.આ કદાચ પહેલી વાર બન્યું હશે કે બનાસકાંઠા લોકસભા પર ગુજરાત ભરમાંથી સૌથી વધુ મતદાન થયું હોય.
હવે,ચોથી જૂને દેશભરના ચૂંટણી પરિણામો આવશે ત્યારે, ભાજપ અને તેના સાથી પક્ષો અને ઈન્ડિયા એલાયન્સ કેવો ચમત્કાર કરે છે તે જોવાનું રહ્યું. પણ આ ચૂંટણીમાં એક છોકક્સા ચમત્કાર ગુજરાત બતાવે તો નવાઈ નહીં.