ગુજરાતમાં ઓછું મતદાન થાય તો ભાજપને નુકસાનની સંભાવના, જાણો કેમ?
અમદાવાદ: ગુજરાતમાં 25 સીટો પર લોકસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે, એક તરફી મનાતી ચૂંટણીમાં કોંગ્રેસે જોરદાર કમબેક કર્યું છે. કોંગ્રેસે જે રીતે ભાજપને ફાઈટ આપી છે તે જોઈને તો ભાજપના નેતાઓ પણ દંગ રહી ગયા છે. ક્ષત્રિય આંદોલન કોંગ્રેસ માટે વરદાનરૂપ થાય છે કે કે તે તો આગામી 4 મી જુનના રોજ જાણી શકાશે પણ હાલની કાળઝાળ ગરમી ભાજપના ટોચના નેતૃત્વ માટે મોટી ચિંતાનો વિષય બની છે.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત, દમણ,દાદરા નગર હવેલીમાં મોટા ભાગના વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે મતદાનના દિવસે અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો પારો 42 ડિગ્રી સુધી જઈ શકે તેવી પણ સંભાવના વ્યક્ત કરી છે, હવે આ સ્થિતીમાં લોકો મતદાન કરવાનું ટાળે છે. જો કે ઈતિહાસ સાક્ષી કે ગુજરાતમાં ઓછું મતદાન ભાજપ માટે નુકસાન કારક રહ્યું છે. જાણકારોના મત પ્રમાણે, ઓછું મતદાન હંમેશાં સત્તાપક્ષને નુકસાન કરતું હોય છે.
ભાજપના નેતાઓ માટે મોટી ચિંતાનો વિષય એ છે કે એક તરફ રાજ્યમાં ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે, એક સમયની ભાજપની વફાદાર મતબેંક હાલ પાર્ટી તદ્દન વિમુખ બની છે, જ્યારે બીજી હકિકત એ પણ છે કે આ વખતે 2014 અને 2019 જેવી ભાજપતરફી લહેર જોવા મળતી નથી, અધુરામાં પૂરૂ હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી છે. આ જોતા મતદારો મતદાન કરવા બહાર ન નિકળે તેવું પણ બને.
સામાન્ય લોકોને સ્પર્શતા મુદ્દાઓ જેવા કે વધતી મોઘવારી, બેકારી, અને આવકની અસમાનતા જેવા મુદ્દાઓ પર ચર્ચા જ થઈ નથી તેથી લોકોને મતદાન માટેની પ્રેરણા જ રહી નથી. આમ પણ ગરમીના સમયે રાજ્યમાં રોડ શો તથા નેતાઓની ચૂંટણી સભાઓમાં ખુરશીઓ ખાલી જોવા મળી હતી.
આવતી કાલે 7મી મેના રોજ ત્રીજા ચરણમાં ગુજરાતની 25 સહિત 12 રાજ્યોની 94 બેઠકો માટે મતદાન થવાનું છે. જો ગુજરાતમાં ઓછું મતદાન થાય તો, કોંગ્રેસની સરખામણીમાં ભાજપને મોટું નુકસાન થવાની સંભાવના નકારી શકાતી નથી. આ ચૂંટણીમાં કોંગ્રેસે જે રીતે પડકાર આપ્યો છે તે જોતા સત્તાધારી ભાજપને ઓછું મતદાન ભાજપને કોઈ હિસાબે પાલવે તેમ નથી.
જેમ કે ગત બે લોકસભા ચૂંટણીઓ 2014 અને 2019માં થઈ હતી, આ બંને 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં મોદી મેજીકના કારણે એકંદરે, 60 ટકાથી વધુ મતદાન થયું હતું જેના પરિણામસ્વરૂપ ભાજપને તમામ 26 બેઠકો ઉપર જીત હાંસલ થઈ હતી, પણ ભૂતકાળમાં જ્યારે ઓછું મતદાન થયું ત્યારે ભાજપને જબરદસ્ત ફટકો પણ પડ્યો છે.
જેમ કે વર્ષ 1999ની ચૂંટણીમાં ગુજરાતમાં 47.03 ટકા વોટીંગ થયું હતુ અને 20 બેઠકો ઉપર ભાજપનો કેસરિયો લહેરાયો હતો, પણ 2004ની લોકસભાની ચૂંટણીમાં 45.16 ટકા મતદાન થયું હતું અને ભાજપને 14 બેઠકો ઉપર વિજય મળ્યો હતો. 2009માં 47.89 ટકા મતદાન થયું હતું અને ભાજપને 15 બેઠકો મળી હતી.
ખાસ તો સાંબરકાંઠા, બનાસકાંઠા, વલસાડ, અમરેલી, પાટણ, જામનગર, આણંદ, ભરૂચ સીટ જાતિગત સમીકરણોને જોતા જો આ સીટો પર મતદાન ઘટ્યું તો ચોક્કસ પણ ભાજપને નુકસાનની શક્યતા છે, તેથી આ સીટ ભાજપના નેતાઓ માટે હાલ માથાના દુખાવા સમાન બની છે.
લોકસભાની ચૂંટણીમાં મતદાન વધારવા માટે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા ખાસ તાકીદ કરવામાં આવી છે. રાજ્યમાં 50% થી ઓછું મતદાન થયું હોય તેવા મતદાન મથકો અને બૂથ ચૂંટણી પંચ દ્વારા ઓળખી કાઢવામાં આવ્યા છે. રાજ્યમાં 2991 બુથ પર મતદાન 50% થી ઓછું નોંધાયેલ છે. આ તમામ બુથ પર વધુ મતદાન કરાવવા માટે ચૂંટણીપંચ દ્વારા કલેકટરોને તાકીદ કરવામાં આવી છે. મે મહિનાની કાળઝાળ ગરમીમા કચ્છ અને સૌરાષ્ટ્રમાં મતદાન વધારવા ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.