લાડકી

વેર- વિખેર -પ્રકરણ -૯૫

ના અંકલ, એકલા રહીને કે પુસ્તકો વાંચીને જીવનને ન સમજી શકાય… અન્ય વ્યક્તિ સાથેના આદાનપ્રદાનમાં કે ઘણીવાર પીડા સહન કરીને જિંદગી વધુ સારી રીતે જાણી-માણી શકાય છે

કિરણ રાયવડેરા

‘આવો ગાયત્રીબહેન,’ લખુકાકાએ ગાયત્રીને આવકાર આપતાં કહ્યું. કબીર પણ સાથે હતો. ગાયત્રીને ઘરની અંદર દોરતાં એણે પૂછયું:
‘કાકા, ઘરનાં બધાં કેમ છે?’

‘શું કહું સાહેબ, કાલ રાતનાં બધાં મૂંગાં બેઠાં છે. કોઈ કંઈ બોલતું નથી.’
કબીર હસી પડ્યો: ‘કાકા, ઘરનો વડો ઘરની સુખશાંતિ માટે લોહીપાણી એક કરતો હોય, પણ જો બદલામાં ઘરના સભ્યો એનું લોહી પીવા માંડે તો તો અન્યાય કહેવાય… જગમોહન સાથે બધાંએ મળીને આ જ કર્યું છે.’

‘સાચી વાત છે સાહેબ, તમે તો આવું બોલી શકો… અમે તો નાના માણસ…’ લખુકાકાનો અવાજ તરડાઈ ગયો.

‘અરે, હું ફક્ત બોલીશ જ નહીં, એ લોકોને સળિયા પાછળ નાખી દઈશ. જો મારા મિત્રને હેરાન કર્યો છે તો…’ ગળામાં ભરાયેલા ડૂમાને કારણે કબીર આગળ બોલી ન શક્યો. લખુકાકા સામે ઢીલા પડવું નહોતું એટલે એ આગળ વધી ગયા.

‘શું થયું અંકલ?’ ગાયત્રીએ પાછળ આવતાં પૂછ્યું.

‘ગાયત્રી, દરેક માણસ ઓછેવત્તે અંશે સ્વાર્થી હોય એ હું માનું છું. ઘણી વાર સારા માણસોને પણ ખબર નથી પડતી કે એ લોકો સ્વાર્થી બની ચૂક્યા હોય છે. પણ તમે તમારા સુખની ચિંતા કરો કે એના માટે વલખાં મારો એનો વાંધો નથી પણ એ સુખ પ્રાપ્ત કરવા બીજાને દુ:ખી કરવાનો તમારો કોઈ અધિકાર નથી.’
‘તમારી વાત સાચી છે, અંકલ, કાકુએ આ પરિવાર માટે કેટલું કર્યું છે….કાકુ સાથે બધાંએ મળીને આવો જ અન્યાય કર્યો છે.’ ગાયત્રીની આંખો છલકાઈ ઊઠી :
‘અને અંકલ, ઘરના સભ્યોને પણ વરસોથી સ્વાર્થમાં રાચતા રહેવાની એવી ટેવ પડી ગઈ હોય કે બધાને આ ઘરેડ નોર્મલ લાગે. કોઈ એક વ્યક્તિ પર અન્યાય થઈ રહ્યો છે એવું કોઈને સૂઝે નહીં.’
‘ગાયત્રી, હું તારી વાત કરું છું. તારે કંઈક કરવું પડશે…હા, હું જેટલા દિવસ છું એટલા દિવસ તો જરૂર તને મદદ કરીશ. જો કે જગમોહન સંપૂર્ણપણે નિર્દોષ છે એવું હું નહીં કહું.’ ગાયત્રી સામે જોઈને કબીર બોલ્યો.

‘અંકલ, કાકુને હું કહી ચૂકી છું કે ઘરના સૌ સ્વાર્થી થવા માંડ્યા ત્યારે તમે તમારા કોચલામાં ભરાઈને અતડા અને અલિપ્ત થઈ ગયા. એટલે બંને વચ્ચે ખાઈ વધતી ચાલી.’
‘સારું થયું ગાયત્રી, હું પરણ્યો નહીં એટલે આ પળોજણમાંથી બચી ગયો.’
‘ના અંકલ, જીવનને એકલા રહીને કે પુસ્તકો વાંચીને ન સમજી શકાય. અન્ય વ્યક્તિ સાથેના આદાનપ્રદાનમાં કે વિનિમયમાં જ જીવનની વધુ નજીક અવાય છે. ઘણી વાર પીડા સહન કરીને જિંદગી વધુ સારી રીતે માણી શકાય છે.’
‘અરે વાહ, છોકરી, તારી ઉંમર કેટલી?’ કબીર આભો બની ગયો.

‘૨૩ વર્ષની, પણ મારા પિતા શિક્ષક હતા અને દરેક શિક્ષક પોતાની ઉંમર, એમની સમજ એમના સંતાનો સાથે જોડાઈ જાય…’ પિતાના નામનો ઉલ્લેખ કરતાં જ ગાયત્રીની આંખો સજળ થઈ ઊઠી.
‘શાબાશ દીકરી, તારા જેવી સમજદાર અને બુદ્ધિમંદ છોકરી હોય તો પરણવામાં સલામતી ખરી. તારાં માતા-પિતાને ધન્ય છે. બેટા, આઈ એમ રિયલી ઈમ્પ્રેસ્ડ. હવે જગમોહનને વાંધો નહીં આવે.’
‘ગાયત્રી ચૂપ રહી.

‘અરે , ચાલો ચાલો… ઘણાં કામ બાકી છે. આપણે તો જીવનની ફિલસૂફી ડહોળવા માંડ્યાં. હજી તો અસલી ખૂનીને પકડવાનો છે.’ કબીરે કાંડા ઘડિયાળમાં જોયું. સાંજના પાંચ વાગ્યા હતા.
‘કાકા….’ કબીરે બૂમ મારી: કાકા, બધાં ક્યાં છે?’

‘ઘરમાં ફક્ત રેવતીબહેન, જમાઈ અને જયભાઈ છે. બાકીનાં બધાં હોસ્પિટલ ગયાં છે. છ વાગ્યા સુધી આવી જશે એમ કહેતાં હતાં.’
‘ઠીક છે, આવે એટલે બધાંને કહેજો કે સાડા છ વાગ્યે જગમોહનના બેડરૂમમાં મળે. ગાયત્રી, તું થોડી વાર આરામ કર.’
લખુકાકા અને ગાયત્રીને તાકીદ કરીને કબીર વિચારમાં પડ્યો. કોણ હશે એ ત્રીજી વ્યક્તિ? કોણે જગમોહનની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હશે?

સવારના ઊઠીને કબીરે તો કમિશનર રવિ શ્રીવાસ્તવને ફોન કરીને ત્રીજી બુલેટ મળી ગઈ એ માહિતી આપી દીધી હતી. સવારના કબીરે ઇરાદાપૂર્વક ઘરના સભ્યો સાથે ચર્ચા કરવાનું ટાળ્યું હતું. રાતના જ એણે બધાને વિચારવા માટે મસાલો આપી દીધો હતો.

ગાયત્રીને જામીન મળતાં વાર ન લાગી. ગાયત્રીએ જગમોહનની રક્ષા માટે ગોળી છોડી હતી અને એ બુલેટ જગમોહનને વાગી જ નહોતી એ પુરવાર થઈ જતાં ગાયત્રીને સહેલાઈથી જામીન મળ્યા હતા. ગાયત્રી કમાલની છોકરી છે. મા, પત્ની કે દીકરી સ્વરૂપે આવી વ્યક્તિ કોઈને મળે તો એનું જીવન ધન્ય થઈ જાય.

સાડા છ વાગ્યે લખુકાકાએ કબીરના વિચારોમાં ખલેલ પાડી :
‘સાહેબ, બધા આવી ગયાં છે.’

‘તમે એમને બેસાડો… ગાયત્રીને પણ બોલાવી લ્યો. હું આવું છું.’
કબીર જ્યારે જગમોહનના બેડરૂમમાં દાખલ થયો ત્યારે ત્યાં બધાં હાજર હતાં. ગાયત્રી દેખાતી નહોતી.

‘સોરી અંકલ,’ ગાયત્રીએ પાછળથી ટહુકો કર્યો અને રૂમમાં દાખલ થઈ. ગાયત્રીને જોઈને પ્રભા, રેવતી, પૂજા, વિક્રમના ચહેરા પર પ્રસન્નતા છવાઈ ગઈ.
‘કરણ, તેં શું વિચાર્યું?’ કબીરે અચાનક કરણને પ્રશ્ર્ન કર્યો.

‘કઈ બાબત… અંકલ, હું કંઈ સમજ્યો નહીં…’ અચાનક થયેલા આ પ્ર્શ્નથી કરણ મૂંઝાઈ ગયો હતો.

‘તારી ગર્લફ્રેન્ડ બાબત, કરણ. જો હું તારો બાપ નથી એટલે તને પ્રેમપૂર્વકે કે પછી વઢીને નહીં સમજાવું. પણ આટલું સ્પષ્ટ છે કે જે છોકરી પોતાના સાસરે આવતા પહેલાં આવી ‘ફી’ માગે એ આગમન બાદ શું કરશે?’

કરણ નીચું જોઈ ગયો. અચાનક એને યાદ આવ્યું કે આજે આખો દિવસ એણે રૂપા સાથે વાત નહોતી કરી.

‘હં… તો હવે બોલો. કાલે રાતના તમે બધાએ આત્મનિરીક્ષણ તો કર્યું હશે. જો હૃદય પલળી ગયું હોય અને પશ્ર્ચાત્તાપ કરવો હોય તો ગુનો કબૂલી શકો છો.’
કોઈ કંઈ બોલ્યું નહીં.

‘વિક્રમ, જગમોહનની સ્થિતિમાં કોઈ સુધારો?’ કબીરે પૂછ્યું.

‘ના, પણ ડોક્ટરે કહ્યું કે સુધારો ભલે ન જણાય પણ સાથે સ્થિતિ વધુ બગડી પણ નથી. એ સારી નિશાની ગણાય.’ વિક્રમે જવાબ આપ્યો.
‘ગુડ…’ કબીરે એકાક્ષરી પ્રતિભાવ આપ્યો.

‘અંકલ’, વિક્રમે જ વાતની શરૂઆત કરી,
‘અમને લાગે છે કે અમે પપ્પા સાથે અન્યાય કર્યો છે. એમને દુ:ખી કર્યા છે, સાચે જ આજે જ્યારે પપ્પા જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે ત્યારે ડર લાગે છે કે એમને કંઈ થઈ જશે તો સોરી કહેવાનો મોકો પણ નહીં મળે.’ વિક્રમની આંખોમાં આંસુ તગતગતાં હતાં.

‘રિયલી અંકલ, વિક્રમભાઈ સાચું કહે છે. હું કાલે આખી રાત સૂઈ ન શક્યો.’ કરણનો અવાજ પણ તૂટતો હતો.

‘એ તો કોઈ માણસ મરવા પડ્યો હોય ત્યારે એના ગુણો જ યાદ આવે. માણસ મરી જાય પછી એમનાં સત્કર્મો યાદ રહે ને જો એ બચી જાય તો ફરી ઝઘડા શરૂ…’ જતીનકુમાર બોલ્યા, પણ પછી બધાંની ધારદાર નજર એના પર મંડાઈ છે એ ખ્યાલ આવતાં ઉમેર્યું: મારા જેવું બનવું જોઈએ. માણસ જીવિત હોય કે મૃત, આપણો વ્યવહાર બદલાવો ન જોઈએ.

‘જતીનકુમારની વાત સાચી છે. એમણે અજાણતાં જ સાચી વાત કહી દીધી છે. હા, પણ વ્યવહાર પાછો જતીનકુમાર જેવો ન હોવો જોઈએ. એની વે, હું ગુનાની કબૂલાત બાબત પૂછતો હતો.’
‘આ પણ એક ગુનો જ છે ને…’ કરણનો અવાજ ધીમો હતો. પપ્પાની ગેરહાજરીમાં કરણ પણ પીગળી રહ્યો હતો એ જોઈને ગાયત્રીને ખુશી થઈ.

‘હું ખૂનના ગુનાની વાત કરું છું…’ કબીરે દોહરાવ્યું.

‘કાકુ, તમે કહો છો કે કુમાર બુરખો પહેરીને અંદર આવ્યો હતો.’ ગાયત્રીએ વાત શરૂ કરી:
‘જો એવું હોય તો એણે મકાનની બહાર બે સુરક્ષાકમીઓને બેહોશ કરવાની શું જરૂર પડી?’

‘તું કહેવા શું માગે છે, ગાયત્રી?’

એ જ કે, એવું ન બની શકે કે કાકુની હત્યાનો પ્રયાસ કોઈ બહારની વ્યક્તિએ જ કર્યો હોય. આઈ મીન , કુમાર ઉપરાંત કોઈ બહારની વ્યક્તિ. કેમકે એક વાર કુમાર મકાનમાં સફળતાપૂર્વક દાખલ થઈ ગયો એ પછી એને કોઈને બેહોશ કરવાની જરૂર જ નહોતી.’ ગાયત્રીએ વાત પૂરી કરી.

‘ધેટ ઈઝ એ પોઇન્ટ…’ કબીરે સૂર પુરાવ્યો.

‘અરે ભ’ઈસાબ, અમે તો ક્યારનાય કહીએ છીએ કે અમે ખૂની નથી.’ જતીનકુમાર બોલી ઊઠ્યા:
‘અમને અમારી ખબર છે. આ બે દીકરાને અને સાસુમાને તમે પૂછી જુઓ. લાવ, હું જ પૂછી લઉં… ભાઈઓ, તમે પપ્પાનું ખૂન કરવાનો ઇરાદો સેવ્યો હોય, પણ સાચ્ચે એમના પર ગોળી છોડી છે?’

વિક્રમ અને કરણ ફટાક કરીને જતીનકુમાર તરફ ધસવા ઊભા થઈને ગયા, પણ કબીરે એમને અટકાવ્યા. જતીનકુમાર તરફ ફરીને કબીર બોલ્યો:
‘જતીનકુમાર, હવે તમે એક પણ શબ્દ બોલશો તો હથિયાર ચોરવાના ગુના માટે તમને એરેસ્ટ કરાવી દઈશ.’
‘ઓ.કે… ઓ.કે… ભૂલ થઈ, કબીરભાઈ…’ જતીનકુમાર શિયાંવિયાં થઈને પોતાની જગ્યાએ બેસી ગયા. એ જ વખતે કબીરનો સેલ રણકવા માંડ્યો.

આમે છેડે કમિશનર રવિ શ્રીવાસ્તવ હતા:
‘કબીર, તું હોસ્પિટલ પહોંચ. મારા માણસોએ જણાવ્યું છે કે કોઈએ જગમોહન પર ફરી હુમલો કરવાની કોશિશ કરી છે. ! ’
*
…હોસ્પિટલમાં કોઈએ જગમોહન પર ફરી હુમલો કરવાની કોશિશ કરી છે….!

એ ખબર કમિશનર રવિ શ્રીવાસ્તવને આપ્યા ત્યારે કબીર લાલ જેવા અનુભવી રિટાયર્ડ પોલીસ કમિશનરના મોઢામાંથી પણ ‘હૈં …?’ નીકળી ગયું . કમિશનરની તાકીદ મુજબ હોસ્પિટલ પહોંચવા કબીર દોડ્યો એની પાછળ અન્ય કુટુંબીજનોનું ધાડું
દોડ્યું.

‘ભ’ઈસાબ, તમે આમ દોડાદોડી શેના કરો છો? આ રીતે તો બધાને સહિયારો હાર્ટઍટેક આવી જશે…’ જતીનકુમારને હાંફ ચડી ગઈ હતી. ગાડીમાં વિક્રમ અને કરણની વચ્ચે ગોઠવાતાં એ બોલ્યા.
‘અંકલ, વાત શું છે એ તો કહો…’ વિક્રમે પૂછયું.

‘વિક્રમ, રવિ શ્રીવાસ્તવનો ફોન હતો. હોસ્પિટલમાં કોઈએ જગમોહનને મારવાની કોશિશ કરી છે.’
‘વ્હોટ?’ બધા એકસાથે ચીસ પાડી ઊઠયા. ગાડીમાં ડ્રાઈવર જાદવ ઉપરાંત કબીર, વિક્રમ, કરણ અને જતીનકુમાર હતા. ગાયત્રી, પ્રભા, રેવતી અને પૂજાને ઘરમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું હતું.

‘જોયું… જોયું… ને, મિ. કબીર લાલ, હું તો ક્યારનો કહેતો હતો કે ખૂની કોઈ બહારની વ્યક્તિ છે. એક તમે છો જે ઘરની વ્યક્તિને ફાંસીને માંચડે લટકાવવા માગો છો.’ જતીનકુમાર હાંફી ગયા હોવા છતાંય ખુશ જણાતા હતા.

‘જતીનકુમાર, ઘરની વ્યક્તિ જો સંડોવાયેલી હોય તો એનો અર્થ એ નથી કે દરેક હુમલો એ પોતે જ કરે. કોઈ પણ ભાડૂતી મારાને રોકી એ હુમલો કરાવી શકે…’ કબીરે દાંત ભીંસીને જવાબ આપ્યો.

‘અહીં તો કંઈ બોલવું પાપ છે. ભગવાન આ માણસને બચાવે અને અમને આ માણસથી બચાવે…’ જતીનકુમાર આસ્તેથી બોલ્યા.

‘અંકલ,’ વિક્રમ બોલ્યો, ‘જય હોસ્પિટલમાં જ હશે. હું એને ફોન કરીને પૂછી જોઉં?’

‘યસ, ગો અહેડ!’ કબીરે પરવાનગી આપી. વિક્રમે જયને ફોન જોડ્યો.

‘યસ, જિજાજી, હું તમને જ ટ્રાય કરતો હતો. અહીં કંઈક બન્યું હોય એવું લાગે છે. આ લોકો મને પપ્પાની કેબિનમાં જવા દેતા નથી.’ જય અસહાય લાગતો હતો.

‘જય, તું ત્યાં જ રહેજે કદાચ કોઈએ પપ્પા પર ફરી ઍટેક કરવાનો પ્રયાસ કર્યો છે. અમે ત્યાં જ પહોંચીએ છીએ.’ વિક્રમે સૂચના આપીને લાઈન કાપી નાખી. જય સાથે થયેલી વાતચીત વિક્રમે કહી સંભળાવી.
‘વિક્રમ, આ જય કેવો?’ કબીરે સ્વાભાવિકતાથી પૂછયું.

‘અંકલ, સીધો છોકરો છે… કામથી કામ, કોઈની વાતમાં પંચાત કરે નહીં કે ન માથું મારે…’

‘કામથી કામ એ વાત સાચી પણ કામમાં જ્યારે મોટું નુકસાન થાય ત્યારે તો બીજાની જિંદગીમાં માથું મારવા આવી જાય…’ જતીનકુમારે ટહુકો કર્યો.

‘મને ખબર છે કે જયને પિસ્તાલીસ લાખની જરૂર છે કેમ કે એણે શેરબજારમાં નુકસાની વેઠવી પડી છે. હવે જો રૂપિયા તાત્કાલિક ન મળ્યા તો દેવાળું ફૂંકવાનો વારો આવે… ખરું ને…’ કબીરે જતીનકુમાર સામે આંખ મીંચકારીને કહ્યું.

‘તમારી ઈન્ફોર્મેશન સાચી, પણ તમને એ ખબર છે કે જયના પિતાએ પણ હજી છ મહિના પહેલાં જ નુકસાની કરી હતી અને ત્યારે પણ મારા દિલાવર શ્વસુરે જ એમને બચાવ્યા હતા…’ જતીનકુમારે પણ સામે આંખ મીંચકારી.

‘ઓહ, એ વાતની મને નહોતી ખબર… વિક્રમ, શું આ વાત સાચી છે?’ કબીરે વિક્રમની ઊલટતપાસ શરૂ કરી.

‘હા, અંકલ, મારા સસરા વિનાયકભાઈએ પપ્પા પાસેથી રૂપિયા ઉધાર લીધા હતા એ વાત મને પપ્પાએ કરી હતી, પણ એ કેટલી રકમ હતી એ વિશે પપ્પાએ કોઈ ફોડ પાડ્યો નહોતો.’ જતીનકુમાર સામે વિક્રમ આગઝરતી આંખે જોઈ રહ્યો.

‘આમ કોપાયમાન ન થાઓ પ્રભુ, મારે પોલીસને બધી માહિતી તો આપવી જ જોઈએ ને…’ વિક્રમના ખભા પર હાથ જતીનકુમારે રાખવાનો પ્રયાસ કર્યો પણ વિક્રમે ગુસ્સાથી એમના હાથને ખસેડી દીધો.
કરણથી રહેવાયું નહીં: ‘જમાઈબાબુ, આપણે હોસ્પિટલ આવે ત્યાં સુધી ચૂપચાપ બેસીએ તો કેવું રહેશે?’
(ક્રમશ:)

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker