ડિયર હની,
સાસરિયામાં કેટલાક રીત-રિવાજ ઘણીવાર વણલખ્યા નિયમ બની જતા હોય છે. આજે ય કેટલીક જ્ઞાતિઓમાં વહુઓ લાજ કાઢે એ રિવાજ છે અને નિયમ પણ છે, પણ આધુનિક યુગમાં એનું પ્રમાણ ઘટતું જાય છે.
જોકે, મને બરાબર યાદ છે કે, તું પરણીને આવી ત્યારે અમારા ઘરમાં ડ્રેસ પહેરવાની છૂટ ન હતી અને તું તો તારા ઘેર ડ્રેસ જ પહેરતી હતી. મારા ઘેર આવી ત્યારે ઘરમાં પણ સાડી પહેરવી પડતી હતી અને એ તારા માટે અગવડ હતી. એમાં ફાવતું નહોતું.
મને ય ઘણીવાર એવું થતું કે, મહિલાઓ સાડી પહેરી ઘરના કામ કેમ કરી શકતા હશે, પણ એ ટેવાઈ ગયા હોય, ઘણાં વર્ષોથી એ રીતે કામ કરતા આવતા હોય અને એમણે ય પોતાના ઘરમાં એ રીતે જ મહિલાઓને કામ કરતી જોઈ હોય એટલે એમને આ પ્રથાનો વિરોધ કરવાનો ખ્યાલ જ આવતો નહોતો.
એક પ્રસંગ કહું. અમે અમારી સંસ્થાના ઉપક્રમે જસદણ પાસેના એક ગામે ગયા હતા. તું પણ સાથે હતી. અને ત્યાં રોપા વિતરણ હતું. એક ઘેર ગયા એ જ્ઞાતિમાં લાજનો રિવાજ. બધી મહિલાએ લાજ કાઢી જ હોય. આપણા માટે ત્યાં ખાટલા ઢાળવામાં આવ્યા. અને પછી ચા કે ઠંડું ઓફર કરવામાં આવ્યા. ત્યારે મને વિચાર આવ્યો કે આ મોકો છે કે મર્યાદાના નામે ખોટી પ્રથા ચાલે છે એ અટકાવીએ.
મેં કહ્યું કે, એક શરતે તમારી મહેમાનગતિ સ્વીકારીએ જો તમે લાજ ના કાઢો. મારી વાતથી ત્યાં સોપો પડી ગયો.
એકાદ મહિલાએ એવું કહ્યું કે, આવી શરત ના હોય. તમેં તો અમારા મહેમાન છો. મેં ય જીદ કરી, પણ એ કામ ના કરી શકી. પછી ફોટો પડાવવાની વેળા આવી. એ પતિ-પત્ની મારી ને તારી સાથે ફોટો પડાવવા ઊભા રહ્યા. વળી, કહ્યું કે, અહીં તો લાજ ના કાઢો. ફોટોમાં તમારું મોઢું ય નહિ દેખાય. થોડી રકઝક પછી એમણે સાડીનો પાલવ માથા સુધી ખેંચ્યો અને એ ય કેટલા સંકોચ સાથે…!
આપણા ઘરમાં તારી જેઠાણી પણ સાડી જ પહેરતી હતી ઘરમાં. તેં એકવાર કહેલુંય ખરા કે, આ સાડીમાંથી છોડાવ ને …મેં બાને વાત કરવાનો પ્રયત્ન કરેલો ત્યારે બાએ કહેલું કે, તારા પપ્પા ઘરમાં હોય અને વહુ ડ્રેસ પહેરીને ફરે એ સારું ના લાગે. પછી મેં તને બીજો ઉપાય સૂચવેલો કે, તું અને ભાભી એટલે કે તારી જેઠાણી બંને સંપીને બાને વાત મૂકો તો કદાચ ઉકેલ નીકળી જશે. પછી તો એવું થયું કે, આપણા પિતરાઈભાઈઓને ત્યાં ભાભીએ ડ્રેસ પહેરવા લાગી….જાણે પરિવર્તનનો પવન ફૂંકાયો. તમે બંને દેરાણી-જેઠાણીએ બાને કહ્યું કે, જુઓ ફલાણા ભાઈ ને ત્યાં વહુ ડ્રેસ પહેરવા લાગી છે. અમને ય છૂટ આપો. બાને તમારી વાત પહેલા પસંદ તો નહોતી પડી, પણ ધીમે ધીમે એ સમજી ગયા કે હવે છૂટ આપવી જોઈએ. અને છૂટ મળી. તું ઘરમાં ડ્રેસ પહેરવા લાગી ત્યારે કેટલી આઝાદી ફિલ કરતી હતી એ તારા ચહેરા પર સ્પષ્ટ ઝળક્તું હતું! મને પણ એ રૂપમાં જોવી ગમતી હતી.
એકવાર શતાયુ એવા આપણા વરિષ્ઠ લેખક – પત્રકાર નગીનદાસ આપણા ઘેર આવ્યા ત્યારે કહેતા હતા કે, મેં એવો સમય જોયો છે કે, ગામમાં વહુઆરુ નીકળે તો એમને ચપ્પલ પહેરવાની મનાઈ હતી. ખુલ્લા પગે ચાલતી મહિલાઓ મેં જોઈ છે, પણ સમય હવે બદલાયો છે. અને આજે હું કોઈ છોકરીને સ્કૂટર કે કાર ચલાવતી જોઉં છું તો રાજી થાઉં છું…. કેટલીક સમસ્યાનો ઉકેલ સમય પાસે હોય છે….’
નગીનબાપાની વાત ખરી, પણ ઘણીવાર એવું બને છે કે, ખોટી પ્રથાઓ સામે અવાજ ઉઠાવાય તો વાતનું વતેસર પણ થતું હોય છે. એના કરતાં સમજાવટથી કામ લેવાય તો રસ્તો જરૂર નીકળે છે, કારણ કે, આવી વાતને લઈને બે પેઢી વચ્ચેનો જનરેશન ગેપ આડો આવે છે. સાસુ પોતાની વહુ પર રૂવાબ ઝાડે છે, કારણ કે એની સાસુએ પણ એવું જ કરેલું.
જોકે, મારી બા એવાં નથી. એ બીમાર પડ્યાં ત્યારે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં ને ત્યાં તો ફરજિયાત ગાઉન પહેરાવાતું હતું. ત્યારે બાને બહુ સંકોચ થતો હતો, પણ તને ડ્રેસની છૂટ આપ્યા બાદ એ ય થોડા સમય બાદ ગાઉન પહેરતાં થયાં હતાં.
પરિવર્તન અમુક વાર અપવાદરૂપ ઝડપથી આવે, પણ મોટાભાગે ધીમા પગલે આવતું હોય છે.
સામાજિક બાબતો એ ટેકનોલોજી નથી. આપણને ૨-ૠ ટેકનોલજીથી ૫-ૠ સુધી પહોંચવામાં બહુ વાર ના લાગી અને હવે ૬-ૠની વાત શરૂ થઇ ગઈ છે.
અલબત્ત, ઘર-પરિવારમાં એટલી ઝડપથી બદલવા આવતો નથી, પણ એકવાર પરિવર્તન આવવાનું શરૂ થાય પછી એની ઝડપ વધે છે અને ગાડી ટોપ ગિયરમાં પડતાં વાર લાગતી નથી.
આજે જુઓ કે ઘરમાં છોકરીઓ અને વહુઆરુઓ ડ્રેસ તો શું શોર્ટ પહેરવા લાગ્યા છે. હા, કેટલાક પરિવાર કે જ્ઞાતિઓમાં હજુ ય બંધન છે, પણ એ બંધન તૂટતા વાર નહિ લાગે.
શિક્ષણ વધે એમ પરિવર્તન પણ આવતું હોય છે. સમય જ એનો ઉપાય છે.
તારો બન્ની.