કથા કોલાજ : અમે પ્રેમમાં પડીને લગ્ન કર્યાં ને સહમતીથી છૂટાછેડા લીધા
-કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ : ૨)
નામ: સોનલ માનસિંહ, સ્થળ: સેન્ટર ફોર ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ, ન્યૂ દિલ્હી
સમય: ૨૦૨૪, ઉંમર: ૮૦ વર્ષ
આજે લોકો મને ભારતીય સંસ્કૃતિની વાહક, એક અદ્વિતીય નૃત્યાંગના, પબ્લિક સ્પીકર અને નારી ચેતનાની મશાલ તરીકે ઓળખે છે… મેં જે નૃત્ય નાટિકાઓ અથવા નૃત્યના કાર્યક્રમો કર્યા છે એ પણ નારી ચેતનાની વાતને કેન્દ્રમાં રાખીને કર્યા છે. ‘ઈન્દ્રધનુષ’, ‘માનવતા’, ‘મેરા ભારત’, ‘દ્રૌપદી’, ‘ગીત ગોવિંદ’, ‘સબરસ’, ‘ચતુરંગ’, ‘પંચક્ધયા’, ‘દેવી દુર્ગા’, ‘આત્માયન’, ‘સમન્વય’ જેવા અનેક કાર્યક્રમોની પરિકલ્પના તૈયાર કરીને મેં ભારતીય સંસ્કૃતિને દેશમાં અને વિદેશના અનેક સમારંભોમાં
રજૂ કરી. મેં જ્યારે દિલ્હીમાં પંચક્ધયાનું ડેમોસ્ટ્રેશન કરેલું ત્યારે એ વખતના પીએમ અટલબિહારી વાજપેયીનો ફોન આવેલો, ‘અરે સોનલજી! આજ તક હમ પંચક્ધયા કે બારે મેં કુછ નહીં જાનતે થે. શ્ર્લોક બોલતે થે, સીતા, મંદોદરી, અહલ્યા, તારા, દ્રૌપદી… પરંતુ, ઉનકી કહાનિયા સંઘર્ષ ઓર સંસ્કૃતિ મેં ઉનકે પ્રદાન કે બારે મેં કભી નહીં જાના. આપને તો હમેં અવગત કરાયા કી હમારે દેશ કી પંચક્ધયા કિતની સબલ ઓર પ્રેરણાદાયી હૈ!’ આવા તો અનેક અભિનંદનો મને મળ્યા છે કારણ કે, હું માત્ર નૃત્યનો વિચાર નથી કરતી. નૃત્યની સાથે જોડાયેલી કથા, સંગીત અને ભારતીય સંસ્કૃતિના સંદેશને પણ હું મારા પ્રેક્ષકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતી રહી છું. કદાચ એટલે જ મારા કાર્યક્રમો અન્ય નૃત્યાંગનાઓના કાર્યક્રમોથી જુદા અને કદાચિત વધુ રસપ્રદ પુરવાર થયા છે.
ભરતનાટયમ એક એવું નૃત્ય છે જેમાં ભાવભંગિમા, મુદ્રાઓ અને શારીરિક કલાત્મકતાનું મહત્ત્વ છે. હું જેમ જેમ ભરતનાટ્યમ શીખતી ગઈ એમ મને સમજાયું કે ભારતમાં અનેક નૃત્યશૈલીઓ છે અને એક જ નૃત્યશૈલી શીખવાને બદલે જો સાચે જ સાંસ્કૃતિક સમન્વય કરવો હોય તો એકથી વધારે નૃત્યશૈલીઓ શીખવી જોઈએ. મારું આરંગએત્રમ ૧૯૬૨માં મુંબઈના ‘રાજભવન’માં થયું. અનેક મહાનુભાવોની સામે મેં મારો પહેલો નૃત્ય કાર્યક્રમ રજૂ કર્યો ત્યારે જ નક્કી થઈ ગયું કે, હું એક સફળ અને લોકપ્રિય નૃત્યાંગના બનીશ. એ વખતે હું લલિત માનસિંહના સંપર્કમાં આવી. એ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં રિસર્ચ સ્કોલર તરીકે ભણતા હતા. એમના પિતાશ્રી માયાધર માનસિંહ બહુ જાણીતા ઉડિયા કવિ હતા. જેએનયુના એક ફેસ્ટિવલમાં અમે મળ્યા, એ પછી અમે એકબીજાને પસંદ કરવા લાગ્યા. અમે મિત્રો તરીકે મળતાં હતાં, પરંતુ હું એક ગુજરાતી પરિવારની પુત્રી હતી એટલે માતા-પિતાની આજ્ઞા વગર લગ્ન કરવાનો વિચાર અશક્ય હતો.
લલિતે એમના ઘરે વાત કરી, એટલે લલિતના પિતાજીએ મારા દાદાજીને પત્ર લખ્યો. લલિતના પિતાજી માયાધર માનસિંહને ૧૯૬૭માં પદ્મશ્રી પુરસ્કાર મળ્યો હતો. સમાજમાં એમનું ઘણું માન હતું. વળી લલિત પણ ખૂબ ભણેલા અને ભારતીય રાજદ્વારી સંસ્થાનમાં મોટી પદવી પર હતા. એમના તરફથી પત્ર મળ્યા પછી મારા દાદાજીએ એમને ઉત્તર પાઠવ્યો અને એમના લાંબા પત્ર વ્યવહાર પછી અમે એમના પરિવારને મળવા ઓડિસા ગયા. બે-ત્રણ દિવસના લાંબા પ્રવાસ પછી અમે એમને ગામ પહોંચ્યા. ત્રણેક દિવસ રહ્યા પછી દાદાજી અને મારો પરિવાર પરત નીકળવાની તૈયારી કરવા લાગ્યો ત્યારે લલિતના પિતાજીએ કહ્યું, સોનલને અહીં મૂકી જાઓ. એ બે-ચાર દિવસ અહીં રહેશે, અમારા પરિવારને મળશે, સૌને ઓળખશે તો વધુ સારી રીતે અમને સમજી શકશે અને અમે પણ એની પસંદ-નાપસંદ સારી રીતે જાણી શકીશું.’
જરા વિચારી તો જુઓ, ૬૦ના દશકમાં એક ગુજરાતી પરિવાર પોતાની કુંવારી દીકરીને એના થનારા સાસરે મૂકીને મુંબઈ પાછો ફરે! મારા દાદાજી ખૂબ જ સ્વતંત્ર વિચારના હતા, એ ખરું પરંતુ સાથે સાથે અમારો ઉછેર ખૂબ સંસ્કારી અને પરિવારની પ્રતિષ્ઠાનું સતત ખ્યાલ રાખવાના વિચાર સાથે થયો હતો. મારી બેન આરતી, હું અને મારો ભાઈ અનુજ, અમે સૌ એકબીજા સાથે ખૂબ નિકટ હતાં.
લલિત માનસિંહ સાથે મારા લગ્ન નક્કી થયાં ત્યારે મારા સસરાએ મને પૂછ્યું હતું, ‘તારે જીવનમાં શું કરવું છે?’ મેં એમને ઉત્તર આપ્યો હતો, ‘નૃત્ય’. એમણે આનંદથી મારી વાત સ્વીકારી એટલું જ નહીં, ઓડિસીના મહાન નૃત્યગુરૂ શ્રી કેલુચરણ મહાપાત્ર પાસે મને લઈ ગયા. અમે કેલુચરણજીના ઘરે ગયા, હું નાનકડી હતી. એમના ચરણ સ્પર્શ કરીને બાજુમાં ઊભી રહી. મારા સસરાએ કેલુચરણજીને કહ્યું, ‘આ મારી પુત્રવધૂ છે. તમારે એને નૃત્ય શીખવવાનું છે.’ કેલુચરણજી એમ કંઈ કોઈને શિષ્ય તરીકે સ્વીકારે નહીં. એમણે મને પૂછ્યું, ‘અત્યાર સુધી શું શીખી છે?’ મેં એમને થોડું નૃત્ય બતાવ્યું. કેલુચરણજીએ આનંદિત થઈને મને કહ્યું, ‘હું તને જરૂર શીખવીશ.’
એ દિવસથી મારી નૃત્ય સાધના ઓડિસી નૃત્યકલામાં શરૂ થઈ. ભરતનાટ્યમ્ શરીર અને વળોટની કલા છે. ભાવ અને મુદ્રાઓની કલા છે, જ્યારે ઓડિસીમાં લાસ્ય છે. ભરતનાટ્યમ્ કરતાં જુદા પ્રકારની એક નવી નૃત્યકલામાં મારું પ્રશિક્ષણ મને જીવનમાં આટલું બધું કામ લાગશે એવું મેં ત્યારે વિચાર્યું નહોતું. મારે માટે તો આ નૃત્યકલાની મારી સાધનામાં એક વધુ ચરણ ઉમેરાઈ રહ્યું હતું.
મેં એ પછી ગુરૂજીની મંજૂરી સાથે કાર્યક્રમોની શરૂઆત કરી. એ જ વખતે મારાં લગ્ન થયાં. લલિતની પદવી ઊંચી હતી અને એમનો કાર્યભાર ખૂબ વધારે હતો. અમે ટૂંક સમયમાં સમજી ગયા કે અમે એકબીજા માટે યોગ્ય જીવનસાથી નથી. એમના પ્રવાસો, વારંવાર થતી બદલી અને નવા શહેરમાં ઝડપથી ગોઠવાઈ જવાની મારી અણઆવડત અમને બંનેને નડવા લાગી. મારી નૃત્ય સાધનામાં વિક્ષેપ પડવા લાગ્યો એટલું જ નહીં એમની જીવનશૈલી સાથે સતત વિદેશ પ્રવાસ અને રાજદ્વારી પાર્ટીઓમાં હાજરી આપવાના પ્રસંગો બનતા રહેતા જેમાં મારા કાર્યક્રમોની તારીખો ગૂંચવાઈ જતી. લલિત ખૂબ સારા માણસ, મારા સારા દોસ્ત પણ ખરા, પરંતુ પતિ-પત્ની તરીકે અમે એકમેક સાથે નહીં રહી શકીએ એવો નિર્ણય અમે સાથે મળીને લીધો. જ્યારે આ નિર્ણયને મારા માતા-પિતાને જણાવ્યો ત્યારે એમને એ ગમ્યો નહીં. મારા દાદાજી ત્યારે આ દુનિયામાં નહોતા, એટલે મને સમજે કે સપોર્ટ કરે એવી એક વ્યક્તિ ઓછી થઈ ગઈ હતી. મારી માએ મને કહ્યું, ‘આવો કોઈપણ વિદ્રોહી નિર્ણય કરતાં પહેલાં બરાબર વિચાર કરી લેજે. હું તારા નિર્ણયમાં સહમત નથી.’ એ ગુસ્સામાં હતી. એણે મને કહ્યું કે, ‘છૂટાછેડા લેવાથી આપણા પરિવારની પ્રતિષ્ઠા પર આંગળી ચીંધાશે. હું તારો સાથ નહીં આપું…’
હું જગન્નાથ મંદિરમાં જઈને ખૂબ રડી. મેં કૃષ્ણને કહ્યું, ‘હવે જે થશે એ બધી તારી જવાબદારી. હું તો મારી જાતને તને સમર્પિત કરું છું. મારા સારા અને ખરાબનો નિર્ણય તારે જ કરવાનો રહેશે.’ એ પછી હું સાચે જ એવી રીતે જીવી છું. મારા દરેક કામમાં કૃષ્ણ સહભાગી છે, સહકાર્યકર છે, મિત્ર છે, સખા છે…
મા સાથેના મનદુ:ખ પછી મેં ખૂબ શાંતિથી વિચાર કર્યો. અંતે લલિત સાથે મળીને અમે સહમતીથી છૂટાછેડા લીધા. એ દિવસે હું લલિતને દિલ્હીની એક રેસ્ટોરન્ટમાં લંચ પર લઈ ગઈ. અમે સાથે જમ્યાં, મેં મારા માટે શ્યામ ગુલાબી રંગની એક ચમકતી ભડકતી સાડી લીધી… સાંજે સરસ તૈયાર થઈને મેં નૃત્ય કર્યું અને નક્કી કર્યું કે, મારું હવે પછીના જીવનમાં નૃત્ય સિવાય બીજા કશાયને પ્રાધાન્ય નહીં આપું. એવું નથી કે મને એ પછી પ્રેમ નથી થયો, પરંતુ મારા નૃત્યને ઓળંગીને મારા જીવનના પરિઘમાં દાખલ થઈ શકે એટલું મહત્ત્વ મેં એ પછી કોઈને નથી આપ્યું. જિંદગીએ ઘણી પરીક્ષાઓ લીધી છે, પણ એ દરેક પરીક્ષામાંથી પાર ઊતરવા માટે મારો એક હાથ કૃષ્ણએ અને બીજો હાથ નૃત્યએ પકડી રાખ્યો છે. (ક્રમશ:)