ઈન્ટરવલ

નાટકમાં જાતને શોધવાની કોશિશ કરતો દર્શક

લીલી પટેલ

આજે વિશ્ર્વ રંગભૂમિ દિવસ. રંગદેવતાને પ્રણામ…

રંગભૂમિની ગઈકાલની વાત કરું તો મેં જૂની રંગભૂમિનાં નાટકો કર્યાં જ નથી. ૧૯૬૦માં હું અમદાવાદથી મુંબઈ આવી. પહેલા આઠ વર્ષ તો હું શાસ્ત્રીય નૃત્ય શીખતી રહી, કારણ કે ફિલ્મોમાં કામ કરવાના અભરખા હતા. એ સમયમાં કુશળ નૃત્યાંગના અભિનેત્રી બની શકે (વૈજ્યંતીમાલા, પદ્મિની વગેરે) એવી માન્યતા હતી. ઘણા વર્ષ નૃત્યની તાલીમ લીધા પછી ૧૯૬૭માં મેં પહેલું નાટક કર્યું ‘કોઈનું મીંઢળ કોઈના હાથે.’ જો કે, આ નાટક જૂની રંગભૂમિનું નહોતું કહેવાયું અને નવી રંગભૂમિનું પણ નહોતું કહેવાયું. કારણ એવું હતું કે જૂની રંગભૂમિમાં પડદા પર અલગ વાર્તા હોય અને એ સમયે ઓટોમેટીક સેટિંગની વ્યવસ્થા નહોતી એટલે જ્યારે સેટ બદલવાનો હોય ત્યારે વાર લાગતી. એટલે પાછળ બીજી વાત ચાલે, જેમકે ‘કોઈનું મીંઢળ કોઈના હાથે’માં પાછળ વણઝારા વાવની વાત ચાલતી અને આગળ ગંગા ગોરાણીની વાત ચાલે. આગળ જે ભાગ ભજવાતો હોય એમાં વધારે ગીત હોય, જેને વન્સમોર મળે. જૂની રંગભૂમિનાં નાટકોમાં જે કથા રહેતી એમાં સમાજને જ્ઞાન આપવા સાથે ગમ્મત કરાવે એવી રહેતી. કોઈ વાત સમજાવી જનતાની આંખ ઉઘાડવાનો ઉદ્દેશ રહેતો. વાત એમ હતી કે એ જમાનામાં જનતા વધુ શિક્ષિત નહોતી. એટલે સીધું ને સટ વાત કરીએ તો એમને તરત સમજાઈ જતી.

ભવાઈમાં અમે એવું જ કરતા: કજોડાનો વેશ, ચમત્કાર ત્યાં નમસ્કાર વગેરે. એ વખતે માઈક જેવી કોઈ વ્યવસ્થા પણ નહોતી એટલે સંવાદ બોલતી વખતે કે ગીત ગાતી વખતે અવાજ બુલંદ રહેતો. જૂની રંગભૂમિમાં તો નાટક કંપનીઓ ચાલતી હતી. ગામડે ગામડે ફરી એ લોકો નાટકો કરતા હતા. જૂની રંગભૂમિનાં નાટકોમાં વાર્તા એક એકથી ચડિયાતી રહેતી. નાટક જોતી વખતે દર્શક પોતાની જાતને નાટકના કોઈ પાત્ર સાથે કે પોતાના જીવનને નાટકની કથા સાથે સરખાવી જોતો. પોતાનું પ્રતિબિંબ શોધતો, જેમકે કોઈ નાટકમાં નાયકની વીતકકથા જોઈ ‘મેં મારા છોકરાને ન પરણાવ્યો એટલે આવું થયું – તેવું થયું’ એવું આશ્ર્વાસન મેળવતો. ટૂંકમાં નાટકની વાર્તા સાથે પ્રેક્ષક પોતાના જીવનને જોડી દેતો. રંગભૂમિનું આ સૌથી મોટું યોગદાન હતું.

પરિવર્તન એ જગતનો નિયમ છે. સમય બદલાય એમ માણસના વિચાર બદલાય અને સામાજિક પરિવર્તન આવે એ સ્વાભાવિક છે. નાટક હોય કે ફિલ્મ, એમાં જે તે સમયમાં આવેલા બદલાવ તો નજરે પડ્યા વિના ન રહે. મારી શરૂઆત ‘કોઈનું મીંઢળ કોઈના હાથે’ નાટકથી થઈ અને પછી હું નવી રંગભૂમિમાં ગોઠવાઈ ગઈ. નવી રંગભૂમિમાં ઘણા બદલાવ નજરે પડ્યા. સેટિંગ્સ બદલાયા અને ખાસ તો આગળનો પડદો અને પાછળનો પડદો એ પદ્ધતિની એક્ઝિટ થઈ ગઈ. એક જ સ્ટોરી સળંગ ચાલે એવાં નાટકો થવાં લાગ્યાં. એ સમયની નાટકોની કથાની ગુણવત્તા બહુ ઊંચી રહેતી. ‘જીગર અને અમી’, ‘ઘૂંઘટ’, ‘વેલીને આવ્યા ફૂલ’, ‘ધન્ય સૌરાષ્ટ્ર ધરણી’ વગેરે નાટકોની કથા પર પ્રેક્ષકો ઓવારી જતા હતા. એ સિવાય ઐતિહાસિક નાટકો પણ ભજવાતાં. છત્રપતિ શિવાજી મહારાજ કે પછી જાડેજાઓની વાર્તા પરથી નાટક તૈયાર થતાં હતાં. પુસ્તક નહીં વાંચતા વર્ગને આવાં નાટકો જોવાથી રાજાઓના, યોદ્ધાઓના જીવન વિશે જાણવા મળતું અને એમનાં જીવનમાંથી પ્રેરણા મળતી તો ક્યારેક એમાંથી કોઈ વાત જીવનમાં ઉતારવાની કોશિશ કરતા.

આજે તો રંગભૂમિનું કલેવર ધરમૂળથી બદલાઈ ગયું હોય એવું લાગે છે. આપણે આ લોકમાં નહીં પણ પરલોકમાં – વિદેશમાં વસતા હોઈએ એવું ક્યારેક લાગે છે. નાટકમાંથી ગીત -સંગીતની તો લગભગ બાદબાકી થઈ ગઈ છે અને વાર્તા પણ ઘણી આધુનિક બની ગઈ છે. અમારા સમયમાં આર્ટિસ્ટને પૈસાનો બહુ મોહ નહોતો. કામ મળે- કદર થાય- નામ મળે તો એ રાજી રાજી થઈ જતો. આજે પરિસ્થિતિ સમૂળગી બદલાઈ ગઈ છે. ગઈ કાલના નાટકની વાર્તા અને એની રજૂઆતમાં અને આજે જે ભજવાય છે એમાં આસમાન – જમીન જેવો તફાવત નજરે પડે છે. અગાઉ નાટકની સ્ક્રિપ્ટનું વજન સૌથી વધારે હતું. એક એક સંવાદ મહત્ત્વ ધરાવતો અને પ્રેક્ષકોને સ્પર્શી જતો એટલે જ પહેલી સીટથી છેલ્લી સીટ સુધી એને તાળીઓથી વધાવી લેવામાં આવતા. સંવાદ કઈ રીતે બોલવો, કયા શબ્દ પર શું કામ ભાર આપવો એ કલાકારને સમજાવવામાં આવતું અને એટલે જ સંવાદ ધારી અસર ઊભી કરી શકતો.

એક ઉદાહરણ આપું: ‘તું નહીં, તારો પૈસો બોલે છે’ ડાયલોગમાં ‘તું અને પૈસો બોલે છે’ એના પર ભાર આપવામાં આવતો જેને કારણે પ્રેક્ષક એનો ભાવાર્થ સમજી જતો.

નાટકમાં પ્રણયના સંવાદ એકદમ અર્થપૂર્ણ રહેતા. મારા ‘જીગર અને અમી’ નાટકના સંવાદના ઉદાહરણ પરથી આખી વાત સમજાઈ જશે. એમાં હું અને ઝંખના (દેસાઈ) હતાં. નાટકમાં એક એવું દ્રશ્ય આવે છે જેમાં એની સુહાગ રાત વખતે એ મને પૂછે છે કે ‘હે લીલી બહેન, લીલી બહેન, (એ નાટકમાં મારા પાત્રનું નામ લીલી જ હતું) તમે પરણ્યા ત્યારે પહેલી રાત કેવી ગઈ હતી?’ જવાબમાં હું કહું છું કે ‘અરેરે! તું સાંભળીને અચંબો પામીશ. પરણ્યાની પહેલી રાત્રે હું એમની (પતિની) રાહ જોઈને બેઠી હતી ત્યાં હાથમાં મોટો દંડુકો લઈ મારા પતિ આવ્યા. એમના દીદાર જોઈ હું તો બી ગઈ અને પલંગ પરથી ઊભી થઈ એક ખૂણામાં ઊભી રહી ગઈ. પતિ પ્રેમ નહીં કરે, મારપીટ કરશે એવો ભય મને ઘેરી વળ્યો. મારા ચહેરા પર ગભરાટ જોઈ ‘એમનું’ મોઢું સહેજ મલકાયું અને તરત બોલ્યા કે ‘તું ગભરાઇશ નહીં. હું તને મારવા નથી આવ્યો. મેં એક પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી હું વકીલ બની પહેલો કેસ કોર્ટમાં ન જીતું ત્યાં સુધી પતિ અને પત્ની વચ્ચે એટલે કે અમારા બંને વચ્ચે આ દંડૂકો રહેશે.’ .વર્ક ઈઝ વર્શિપ (જીવનમાં કર્તવ્યને પ્રાધાન્ય)ની ભાવનાની એકદમ સરળ પણ અત્યંત પ્રભાવી અને પ્રતીકાત્મક રજૂઆત પ્રેક્ષકોના દિલ સુધી પહોંચી જતી.

‘ઘૂંઘટ’ નામનું એક નાટક કરેલું, જેમાં કોઠા પર નાચનારી બાઈ એક ગાંડા માણસ સાથે કેવું માયાળુ વર્તન કરી એના જીવનમાં બદલાવ લાવી દે છે અને એના પોતાના જીવનમાં પણ પરિવર્તન આવે છે એ વાત હતી. આ નાટક પરથી ગુલશન નંદાએ કથા – પટકથા લખી અને ‘ખિલૌના’ નામની હિન્દી ફિલ્મ બની હતી, જેમાં પાગલ માણસનો રોલ સંજીવ કુમારએ કર્યો હતો. આવા બોધ આપતા, જીવનમાં માર્ગદર્શન આપતી કથા ધરાવતાં નાટકો એ સમયે બનતા અને એટલે જ લોકોનો આવકાર મળતો હતો.

એક રસપ્રદ વાત એ છે કે મારા સમયમાં લોકો ફિલ્મો બહુ જ ઓછી જોતા, એમની રુચિ નાટકો માટે વધુ હતી, કારણ કે તેમાં મનોરંજનની સાથે તેમને કશુંક પામવા મળતું. બીજી એક વાત પર ધ્યાન દોરવું છે કે અમારાં નાટકોની ભાષામાં કોઈ અપશબ્દ વપરાતો નહીં. વિલન હોય કે વેમ્પ ક્યારેય ગંદી ગાળ એના મોઢામાંથી ન નીકળે, જેને પ્રેક્ષકો અપનાવી સમાજમાં તેનો ખોટો
ઉપયોગ કરે. નાટકોનાં સંવાદો અને ગીતો એટલાં લોકપ્રિય થતાં કે અનેકવાર કોઈ કલાકાર લોકપ્રિય સંવાદ અધૂરો બોલી પ્રેક્ષક સામે જુએ એટલે એ સંવાદ ઓડિયન્સ કોરસમાં પૂરો કરે. નાટકો માટે એ હદે લગાવ હતો કે લાકડીના ટેકે અને વ્હિલ ચેરમાં બેસી નાટક જોવા આવ્યા હોય એ મેં જોયું છે. નાટકના સંવાદ અને ગીતોની લોકપ્રિયતાની ચરમસીમા તો એ હતી કે આંખે કંઈ ન દેખી શકતા લોકો ડાયલોગ અને ગીત સાંભળવા થિયેટરમાં આવતા મેં જોયા છે. કથાનું તત્ત્વ અને સત્ત્વ પ્રેક્ષકોને થિયેટર સુધી ખેંચી લાવતું હતું.

આજે પ્રેક્ષક બદલાઈ ગયો છે. વેસ્ટર્નાઈઝડ શૈલીની કથા અને એ પ્રકારની રજૂઆત એમને આકર્ષે છે. આજે જો હિરોઈન ‘પગ ઘૂંઘરું બાંધ મીરાં નાચી થી’ ગાઈને સ્ટેજ પર નૃત્ય કરે તો એને પગની લાત ખાવી પડે. પ્રેક્ષકને એ ન રુચે. સમય બદલાય એની સાથે સમજણ અને સમાજ પણ બદલાયા વિના રહે નહીં.

રંગભૂમિની આવતી કાલ માટે હું ખૂબ આશાવાદી છું. મને ભવિષ્ય ઉજળું લાગે છે.બધાને સારું લગાડવા હું નથી કહી રહી, પણ મને આસપાસના વાતાવરણમાં જે ફરક આવતો દેખાઈ રહ્યો છે એના આધારે કહું છું. ફોડ પાડીને કહું. આપણું જીવન ટ્રેડ સાઇકલ જેવું હોય છે. ભાગ્ય ક્યારેક રૂઠે તો પછી રીઝે પણ ખરું. સૂર્યોદય પછી સૂર્યાસ્ત થાય એ ખરું પણ ફરી સૂર્યોદય થયા વિના રહેતો નથી.

પહેલાના સમયમાં જો શરીર વધી ગયું હોય કે બેઠાડુ જીવન હોય તો ખીચડી – ભાત જેવો હલકો ખોરાક આરોગવાને પ્રાધાન્ય આપવામાં આવતું. આજે એ જ વાત ડાયેટિંગ સ્વરૂપે જોવા મળે છે.

આજે જુવાનિયાઓ હોટેલમાં જમવા જઈએ ત્યારે ગુણકારી મકાઈનો રોટલો અને પંજાબી દાળ ખાવાની ઈચ્છા રાખતા થઈ ગયા છે. એમને હવે પીઝા અને ફાસ્ટ ફૂડ માટે આકર્ષણ ઘટી રહ્યું હોય એવું મને લાગે છે. જૂના પછી નવું આવે અને નવા પછી ફરી જૂનું આવવાનું જ છે. આજે જે નાટકો અને ફિલ્મો બને છે એમાં જે જૂની કથાવસ્તુ લઈને આવે છે એને સારો આવકાર મળે છે. આજની પેઢીમાં અનુકંપા ભારોભાર છે એ મેં જોયું છે અને અનુભવ્યું સુધ્ધાં છે એટલે જ મને તો રંગભૂમિની આવતી કાળ બહુ ઉજળી દેખાય છે.

આશરે ૧૨૬૧ શબ્દો
ફોટા ત્યાં છે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Baby Raha with Mommy Alia at Kareena Kapoor’s House: Cuteness Overloading May’s Money Makers: 5 Zodiac Signs Set for Financial Success Craving Revenge? Here’s a Gripping Thriller You Can Stream Now! આગામી 22 દિવસ રાજા જેવું જીવન જીવશે લોકો, જોઈ લો તમારી રાશિ તો નથી ને?