Heat Alert: આ બે દિવસ ઘરથી બહાર નીકળવાનું ટાળો, હવામાન ખાતાએ કરી Heatwaveની આગાહી…
મુંબઈઃ છેલ્લાં કેટલાય સમયથી હવામાં વધી ગયેલા આદ્રર્તાના પ્રમાણને કારણે ઉકળાટમાં વધારો થયો છે. દરમિયાન મુંબઈમાં રવિવારે અને સોમવારે હીટવેવની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. આ બંને દિવસતાપમાન 38થી 38 અંશ સેલ્સિયશનો આંકડો પાર કરે એવી પૂરેપૂરી શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે.
મુંબઈગરો છેલ્લાં કેટલાય દિવસથી ઉકળાટ અને અકળાવી નાખનારા હવામાનનો સામનો કરી રહ્યા છે. વધારે પડતી ગરમી અનુભવાઈ રહી હોવાને કારણે પરસેવાના રેલા ઉતરી રહ્યા છે. હવામાન વિભાગના કોલાબા સેન્ટર પર શુક્રવારે 32.6 અને સાંતાક્રુઝ ખાતે 35.4 અંશ સેલ્સિયશ તાપમાનની નોંધ કરવામાં આવી હતી.
દરમિયાન રવિવાર અને સોમવાર એમ બે દિવસ મુંબઈમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે સાથે જ થાણે, રાયગઢ જિલ્લામાં શનિવાર, રવિવાર અને સોમવાર એમ ત્રણ દિવસ માટે હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.ગરમીથી બચવા શું કરશો?
આ સમયે નાગરિકોએ વિશેષ કાળજી રાખવી પડશે અને શક્ય હોય તો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જો કોઈ કામ માટે ઘરની બહાર નીકળવું જ પડે એમ હોય તો ગરમીથી પોતાની જાતને બચાવવા માટે છત્રી, ગોગલ્સ, સ્કાર્ફ, ટોપીનો ઉપયોગ કરો. દર થોડા સમયે પાણી પીવાનું રાખો. જો હીટ સ્ટ્રોક આવે કે તબિયત ખરાબ થાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક સાધો. લૂ કે વધારે તડકો લાગે તો તરત જ છાંયડામાં જઈને બેસી જવું જેવી વિવિધ તકેદારીઓ રાખવાની ભલામણ નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે.