ઈન્ટરવલ

રાજકારણીઓથી લઈ કર્મચારીઓના વિવાદ સુધી

ગુજરાત ડાયરી -મનોજ મ. શુકલ

ગેનીબહેન ઠાકોર, બિપિન પટેલ (ગોતા), જયેશ રાદડિયા, આનંદીબેન પટેલ, ઋષિકેશ પટેલ

આ વંચાતું હશે તે દિવસની પૂર્વ સંધ્યાએ ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ હશે.મતદાનની ટકાવારી,કોણ જીતશે, કોણ હારશે કે અન્ય વિગતોની ચર્ચા હવે પછી કરશું.અહીં પૂર્ણ થયેલી ચૂંટણી અંગે એટલું ચોક્કસ કહી શકાય કે આ ચુંટણીમાં કોઈ પક્ષ પાસે ખાસ મુદ્દો નહોતો.અગાઉ ૨૦૧૪ની ચૂંટણીમાં મોંઘવારીનો મુદ્દો અગ્રીમ સ્થાને હતો,૨૦૧૯માં પુલાવાના હુમલાનો મુદ્દો ગાજેલો પણ ૨૦૨૪માં કોઈ ખાસ મુદ્દો પ્રચારમાં ચમકતો હોય તેવું દેખાયુ નથી.આને કારણે ચૂંટણી અંગે જે વાતાવરણ બંધાવું જોઈએ તે બંધાયું નહોતું એવી એક સર્વમાન્ય છાપ બંધાઇ છે. ભા.જ.પ.દ્વારા અમુક જગ્યાએ આક્રમક પ્રચાર થયો તો અમુક જગ્યાએ સામાન્ય પ્રચાર કરાયો. કોંગ્રેસ દ્વારા પક્ષીય કક્ષાએ જોરદાર કે આક્રમક પ્રચાર કોઈ જગ્યાએ ન દેખાયો.જોકે કોંગ્રેસના અમુક ઉમેદવારોએ વ્યક્તિગત હેસિયતથી આક્રમક પ્રચાર જરૂર કર્યો.બનાસકાંઠાના ગેનીબહેન ઠાકોર એમાં પ્રથમ ક્રમે આવે.અહીં એ પણ નોંધવું જોઈએ કે સ્ટાર પ્રચારકોનુ લાંબુ લચક લીસ્ટ જાહેર થયું હોવા છતાં એમાંનાં ખાસ કોઈ મહાનુભાવો ગુજરાતમાં ફરક્યા નહીં. એ કારણે પણ પ્રચાર નિરસ રહ્યો અને ચૂંટણીનો કોઈ માહોલ જામ્યો નહીં.

બીજી બાજુ ભારતીય જનતા પક્ષની શિસ્તની અસ્મિતાને લૂણો લાગ્યો હોય એવા સમાચાર બહાર આવ્યા છે.જેની ઉપર ભા.જ.પ.એ સંપૂર્ણ વર્ચસ્વ મેળવી લીધું છે એવા સહકાર ક્ષેત્રમાં પક્ષમાં બળવો થયો છે એવું અત્યારે તો લાગે છે.વાત એવી છે કે ઇફ્કોમાં ગુજરાતનાં પ્રતિનિધિ તરીકે એક સહકારી આગેવાનને મોકલવાના છે.આ માટે પક્ષ તરફથી અમિત શાહનાં માનીતા અને પક્ષના સહકાર સેલના વડા બિપિન પટેલ(ગોતા)ને સત્તાવાર ઉમેદવાર જાહેર કરાયા છે.તેમ છતાં પક્ષના જેતપુરના ધારાસભ્ય અને સહકારી આગેવાન જયેશ રાદડિયા તેમજ મોડાસાના સહકારી આગેવાન પંકજ પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી છે. આને કારણે ભા.જ.પ.ના સહકાર ક્ષેત્રમાં બળવો થવાની શરૂઆત થઈ ગઈ હોવાનુ નજરે પડે છે. જયેશ રાદડિયા સૌરાષ્ટ્રના સહકારી આગેવાન છે તો પંકજ પટેલ મોડાસાના સહકારી આગેવાન છે અને સહકારી ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવે છે.આ ચૂંટણીમાં ૧૮૦ વ્યક્તિઓ મતાધિકાર ધરાવે છે.આ સંજોગોમાં બળવાખોર ઉમેદવારોને બેસાડી દેવામાં ન આવે તો પરીણામ અણધાર્યું અને આંચકાજનક આવે એવું બને હોં

ભા.જ.પ.માં અશિસ્ત છે એમ સરકારી કર્મચારીઓમાં પણ અશિસ્ત છે તેનાં દર્શન હમણાં જ ગુજરાતનાં પાટનગર ગાંધીનગરે કર્યા.વાત જાણે એમ બની કે સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગમાં નાયબ સેક્શન અધિકારી તરીકે ફરજ બજાવતા નીતિન મોદી બીજી એપ્રિલે સચિવાલયથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે ગાંધીનગરનાં ધ-૬ થી ગ-૬ વચ્ચેનાં રસ્તા પર તેમનાં વાહનથી એકદમ નજીકથી નિકુલ અજિતભાઇ ગઢવીએ પોતાના વાહનથી ઓવર ટેક કરતા બન્ને વચ્ચે બોલાચાલી થતાં ગઢવીએ મોદીની ગાડીનો કાચ લોખંડનાં પાનાથી તોડીને નીતિન મોદી ઉપર હુમલો કર્યો હતો.આ ઘટના પછી મોદીએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈને સેક્ટર -૨૧ના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ગયા તો તેઓને આરોપી સાથે સમાધાન કરવાનુ કહેવામાં આવ્યું હતું. સમાધાન પણ થયું પણ સમાધાનની શરતોમાંથી ગઢવી ફરી જતાં મોદીએ તપાસ કરતા નિકુલ ગઢવી પોલીસ ખાતામાં જ નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું.એ પછી મોદીએ સખત જહેમત કરીને પોલીસકર્મી ગઢવી સામે ફરિયાદ નોંધાવી હતી. પાટનગરમાં, સરકારની સામે સરકારી ઓફિસરની ફરિયાદ નોંધવામાં પોલીસ ખાતું ગલ્લાંતલ્લાં કરતું હોય તો સામાન્ય માણસની શું સ્થિતિ હશે એ કલ્પના કરવી રહી! વળી,પોલીસકર્મી અશિસ્ત દાખવીને પોતાની સત્તાનો કેવો અને કેટલો દુરુપયોગ કરી શકે છે એ પણ આ કિસ્સામાં જોઈ શકાય છે હોં!

પોલીસકર્મીની અશિસ્ત ઉપરાંત આરોગ્ય ક્ષેત્રે ગુજરાત સરકાર દ્વારા દાખવવામાં આવતી બેદરકારી પણ ચિંતા કરાવે એવો વિષય છે. આજકાલ ગુજરાતમાં યુવાનોનાં ઓચિંતા થતાં અવસાનની સંખ્યા સતત વધતી જાય છે. અખબારોના પાને દરરોજ એકાદ-બે યુવાનોના ઓચિંતા નિપજતા મૃત્યુના સમાચાર છપાતા રહે છે. યુવાન કે યુવતી લગ્નમાં ગયા હોય,ગરબે રમતા હોય, ક્રિકેટ રમતા હોય ત્યાં ઢળી પડતાં હોય છે અને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવે ત્યારે તેને મૃત્યુ પામેલા જાહેર કરવામાં આવે છે.

આ સિલસિલો સતત ચાલતો રહેતો હોવા છતાં આ અંગે ગુજરાત સરકાર જરાય ચિંતા કરતી નથી એ સૌથી મોટી ચિંતાનો વિષય છે.થોડા મહિના પહેલા ઉત્તર પ્રદેશનાં ગવર્નર શ્રીમતી આનંદીબહેન પટેલે ગુજરાતમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં આ વિષય અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને યુવાનોના અપમૃત્યુ અંગે સર્વે કરાવવા અને ઉપાય કરવા સૂચવ્યું હતું. આનંદીબેન પટેલનું કિંમતી સૂચન ગુજરાત સરકાર માટે તો ‘શેઠની શીખામણ ઝાંપા સુધી’ જેવી સાબિત થઈ છે હોં!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…