એકસ્ટ્રા અફેર

મસાલા પણ સલામત ના હોય તો ખાઈશું શું ?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતની ટોચની બે બ્રાન્ડના મસાલા વિવાદમાં ફસાયા છે. આ બંને બ્રાન્ડના મસાલ પર ત્રણ દેશોમાં પ્રતિબંધ મુકાયો છે જ્યારે યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ સહિતના દેશોમાં તપાસ શરૂ કરાઈ છે. આ બંને બ્રાન્ડના મસાલામાં કાર્સિનોજેનિક્સનું પ્રમાણ વધારે હોવાના આક્ષેપ સાથે મલયેશિયા, હોંગકોંગ અને નેપાળે પ્રતિબંધ મૂકી દીધો છે. કેન્સર થવાની સંભાવના પેદા કરતાં જંતુનાશક કે કેમિકલ્સને કાર્સિનોજેનિક્સ કહેવાય છે તેથી આ મસાલા પર પ્રતિબંધની વાતે ભારતીયોને પણ ફફડાવી દીધા છે કેમ કે મસાલામાં કેન્સર થાય એવા કેમિકલ્સ હોય પછી બાકી જ શું રહ્યું ?

નેપાળમાં ભારતીય મસાલા પર પ્રતિબંધ મુકાયો તેના માટે એવું કારણ અપાયું છે કે, ભારતીય બ્રાન્ડના કેટલાક મસાલામાં કેમિકલ ઇથિલિન ઓક્સાઈડ નામના જીવલેણ જંતુનાશકનું પ્રમાણ વધારે હતું. નેપાળના ફૂડ ટેક્નોલોજી અને ક્વોલિટી કંટ્રોલ વિભાગે આ બંને બ્રાન્ડના મસાલામાં ભેળસેળના આક્ષેપોને પગલે ટેસ્ટ કર્યા હતા. આ ટેસ્ટમાં કેમિકલ ઇથિલિન ઓક્સાઈડ નામના ઝેરી કેમિકલનું પ્રમાણ અત્યંત વધારે અને જોખમી હોવાનું સાબિત થતાં આ બંને બ્રાન્ડના વેચાણ, વપરાશ અને આયાત પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. આ બંને બ્રાન્ડના મસાલામાં રહેલા કેમિકલની તપાસ ચાલી રહી છે. અંતિમ રિપોર્ટ આવે ત્યાં સુધી આ પ્રતિબંધ ચાલુ રહેશે.

નેપાળ પહેલાં સિંગાપોર અને હોંગકોંગમાં પણ ભારતની બે ટોચની બ્રાન્ડના મસાલા પર પ્રતિબંધ મૂક્યો હતો. એપ્રિલ મહિનાની શરૂઆતમાં સિંગાપોર અને હોંગકોંગે આ બંને કંપનીઓનાં કેટલાંક ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો હતો. સિંગાપોર અને હોંગકોંગે બંને બ્રાન્ડના મસાલામાં બીજા એક જંતુનાશક ઈથિલિન ઓક્સાઇડની માત્રા મર્યાદા કરતાં વધી જવાને કારણે પ્રતિબંધ મૂક્યો હતો. હોંગકોંગમાં ચોક્કસ ગ્રૂપના ત્રણ મસાલા મિક્સમાં ઈથિલિન ઓક્સાઈડની ઊંચી માત્રા મળી આવી હતી. બીજી કંપનીના ફિશ કરી મસાલામાં પણ આ કાર્સિનોજેનિકસ જંતુનાશક મળી આવ્યું છે.

આ અહેવાલોના પગલે બ્રિટન, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ પણ ભારતીય મસાલામાં કાર્સિનોજેનિક્સના પ્રમાણની તપાસ શરૂ કરી છે. આ બંને કંપનીઓના મસાલા સામે વિદેશમાં જ નહીં ભારતમાં પણ તપાસ ચાલી રહી છે. મસાલા બનાવતી કંપનીઓ બેક્ટેરિયા અને ફૂગના કારણે મસાલા ના બગડે એટલા માટે જંતુનાશકોનો ઉપયોગ કરે છે. ફૂગ કે બેક્ટેરિયા થઈ જાય તો મસાલા ફેંકી દેવા પડે તેથી મસાલા લાંબા સમય સુધી સારા રહે અને બગડતાં અટકે એ માટે કંપનીઓ જંતુનાશકોનો ઉપયોગ પ્રિઝર્વેટિવ્સ અથવા સ્ટરિલાઇઝિંગ એજન્ટ તરીકે કરે છે.

ભારતમાં ક્યા જંતુનાશકોનો ઉપયોગ પ્રિઝર્વેટિવ તરીકે થઈ શકે એ નક્કી કરવા માટે સેન્ટ્રલ ઈન્સેક્ટિસાઈડ્સ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટી (CIB & RC) છે. આ કમિટીએ કુલ ૨૯૫થી વધુ પેસ્ટિસાઈડ્સ અથવા ઈન્સેક્ટિસાઈડ્સ એટલે કે જંતુનાશકોને ખાદ્ય પદાર્થોમાં ભેળવવાની છૂટ આપી છે. તેમાંથી ૧૩૯ જંતુનાશકો મસાલામાં વાપરી શકાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કોડેક્સ નામની સંસ્થા ફૂડ ક્વોલિટીના નિયંત્રણ માટે કામ કરે છે. કોડેક્સે કુલ ૨૪૩ જંતુનાશકોને ખાદ્ય પદાર્થોમાં ભેળવવાની છૂટ આપી છે અને તેમાંથી ૭૫નો ઉપયોગ મસાલામાં થઈ શકે છે. દરેક પેસ્ટિસાઈડ કેટલા પ્રમાણમાં મસાલામાં ઉમેરી શકાય તેનું ચોક્કસ પ્રમાણ નક્કી થયેલું છે પણ કંપનીઓ આ પ્રમાણના ધજાગરા ઉડાવીને લોકોને કેન્સરની ભેટ આપી રહી છે એવું આ પ્રતિબંધો પરથી લાગે છે.

ભારતના ખાદ્ય સુરક્ષા નિયમનકાર એટલે કે ભારતમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા પર નિયંત્રણનું કામ કરતી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ મોડા મોડા પણ જાગીને તમામ મસાલાના ટેસ્ટ શરૂ કર્યા છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સમગ્ર ભારતમાં મસાલાના ૧,૫૦૦ થી વધુ નમૂના લીધા છે અને તેની તપાસ કરી રહી છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે, આ બધા સેમ્પલ ટેસ્ટમાં પાસ નહીં થાય તો કંપનીઓના ઉત્પાદનોના લાઇસન્સ રદ થઈ શકે છે. કેન્દ્ર સરકારનું વલણ યોગ્ય છે કેમ કે લોકોને કેન્સરની ભેટ આપે એવા મસાલા તો ના જ ખાવા દેવાય ને ?

કેન્દ્ર સરકારે આવું વલણ લેવું પડ્યું કેમ કે આ મસાલામાં કેન્સરયુક્ત કેમિકલના મામલે વાડ જ ચીભડાં ગળતી હોય એવો ઘાટ છે. મતલબ કે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા જ શંકાના દાયરામાં છે. ઓથોરિટી સામે પણ એવા આક્ષેપ થયા જ છે કે, મસાલા અને બીજી આયુર્વેદિક ઔષધિઓમાં નક્કી કરેલાં ધોરણ કરતાં ૧૦ ગણા વધુ જંતુનાશકો ઉમેરવાની મંજૂરી ઓથોરિટી જ આપે છે. એફએસએસએઆઈએ આ વાતને ખોટી ગણાવી છે પણ આ આક્ષેપ સાચો હોય તો અત્યંત ગંભીર કહેવાય ને કેન્દ્ર સરકારે તાત્કાલિક આખી બોડીને જ સસ્પેન્ડ કરીને પોતાના હાથમાં સંચાલન લઈ લેવું જોઈએ.
હમણાં પતંજલિના રામદેવ અને બાલકૃષ્ણ દ્વારા આયુર્વેદના નામે ચલાવાતા લોલેલોલને મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલે જ છે ત્યાં હવે મસાલાઓની મગજમારી શરૂ થઈ તેના પરથી સ્પષ્ટ છે કે, ભારતમાં કંપનીઓને લોકોના આરોગ્યની કંઈ પડી નથી અને પૈસા કમાવવા માટે ગમે તે હદે જઈ શકે છે. લોકોને કેન્સર થાય કે બીજી કોઈ રીતે મરી જાય, કંપનીઓને કશાની પડી નથી, તેમનાં ઘર ભરાવાં જોઈએ.

ભારતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની વાત નવી નથી. મસાલામાં પણ જાત જાતની વસ્તુઓની ભેળસેળ કરાય છે એ સૌને ખબર છે પણ કેન્સર આપે એવાં કેમિકલ્સની ભેળસેળ તો લોકોનાં જીવન સાથે સીધાં ચેડાં છે. ભારતમાં લોકો મસાલા ખાધા વિના રહી શકતા નથી. દાળ-શાક નહીં પણ બીજી વાનગીઓમાં પણ હવે તો બજારના તૈયાર મસાલા જ વપરાય છે પણ આ મસાલામાં કેન્સર માટે જવાબદાર કેમિકલ્સ હોય તેનો મતલબ એ થાય કે લોકો ધીમું ઝેર ખાઈ રહ્યાં છે. આ ઝેર પાછું એવું છે કે લોકોને કલ્પના પણ ન આવે. સામાન્ય દાળ-શાક, કઢી કે ભાજી ખાવાથી કેન્સર થઈ જાય એવી કલ્પના કોને હોય ? અને તેનાથી બચવું હોય તો ખાવાનું બંધ કરવું પડે કે જે શક્ય નથી.

આ મુદ્દો અત્યંત ગંભીર છે અને તેને ગંભીરતાથી લેવો જોઈએ. બીજી ભેળસેળ તો સરકાર રોકી શકતી નથી પણ કમ સે કમ આ ઝેરની ભેળસેળ તો રોકવી જ જોઈએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress