NEET-UGના પરિણામમાં અમદાવાદ-રાજકોટ કંઈક આ રીતે ઝળક્યા
અમદાવાદઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ 18મી જુલાઈના રોજ NEET કેસ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન મળેલી સૂચનાઓને અનુસરીને NEET UGનું શહેર અને કેન્દ્ર મુજબનું પરિણામ 20મી જુલાઈ શનિવારના રોજ ફરીથી જાહેર કરવામાં આવ્યુ હતું. આ પરિણામમાં અમદાવાદ અને રાજકોટના નામ ઝળક્યા છે, જોકે આ આખો મામલો વિવાદોથી ઘેરાયેલો છે, આથી ગુજરાતના અમુક વિદ્યાર્થીઓના પરિણામો મામલે પણ વિવાદ થશે.
NTA દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં ગુજરાતનાં અનેક સેન્ટરના ચોંકાવનારા પરિણામ આવ્યા છે. અમદાવાદ શહેરનાં કુલ 21 સેન્ટરમાથી 10 સેન્ટરનાં પરિણામ પર નજર કરવામાં આવે તો ચાર વિદ્યાર્થીઓને 700થી વધુ ગુણ મળ્યા છે. જ્યારે અમદાવાદના દિલ્હી પબ્લિક સ્કુલ (DPS) બોપલના સેન્ટરમાં 12 વિદ્યાર્થીઓને 700 કરતા વધુ ગુણ મળ્યા હોવાનું બહાર આવ્યું છે. આ જ રીતે રાજકોટમાં એક જ પરીક્ષા કેન્દ્ર પર 12 વિદ્યાર્થીઓને 700થી વધારે માર્ક આવ્યા છે.
મળતી માહિતી મુજબ સુપ્રિમ કોર્ટ દ્વારા NEETના પરિણામને લઈને આદેશ કરવામાં આવ્યા બાદ શહેર અને સેન્ટર પ્રમાણે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાં 21 સેન્ટર પરથી આ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 10 સેન્ટરના પરિણામનું એનાલિસિસ કરતા આ સેન્ટર પરથી 41 વિદ્યાર્થીને 700 કે તેના કરતા વધુ ગુણ આવ્યા હતા જ્યારે વિવાદાસ્પદ રહેલા ગોધરા સેન્ટર પરનું પરિણામ નબળું આવ્યું હતું. ગોધરા સેન્ટર પર માત્ર 2 વિદ્યાર્થી જ 600 ગુણ પ્રાપ્ત કરી શક્યા હતા, તેમ એક અહેવાલ જણાવે છે.
આ પણ વાંચો: NEET-UG 2024 મામલે આજે સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વની સુનાવણી
ધોરણ-12 સાયન્સ પછી મેડીકલ (MBBS)માં પ્રવેશ માટે 5મીમેના રોજ દેશના 571 અને વિદેશનાં 14 શહેરનાં 4751 કેન્દ્ર પર NEET-UGની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં 24 લાખથી વધુ વિદ્યાર્થી હાજર રહ્યાં હતા. જેમાં ગુજરાતમાંથી પણ અંદાજે 85 હજાર વિદ્યાર્થી હાજર રહ્યાં હતા. લોકસભાની ચૂંટણીના પરિણામના દિવસે જાહેર થયેલા NEET-UGના રિઝલ્ટથી અનેક શંકા-કુશંકાઓ ઉભી થઈ હતી. આ મામલો ખૂબ જ ગરમાયો હતો અને સુપ્રીમ કોર્ટે એનટીએને ઝાટકી હતી. વિપક્ષે પણ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા.
અમદાવાદના 21 પૈકી 10 સેન્ટરના પરિણામ પર નજર
અમદાવાદના 41 વિદ્યાર્થી 700 કે તેના કરતા વધુ ગુણ લાવ્યા છે. જેમાં શાયોના ઈન્સ્ટિટ્યૂટ સેન્ટર પર પાંચ વિદ્યાર્થી, એશિયા ઈંગ્લિશ સ્કૂલ સેન્ટરના બે, પોદ્દાર ઈન્ટરનેશનલ સ્કૂલ સેન્ટરના નવ, સિલ્વર ઓક કોલેજ સેન્ટરના ત્રણ, શાંતિ એશિયાટીક સેન્ટરના સાત, શ્રી નારાયણ સ્કૂલ સેન્ટરના ત્રણ અને DPS બોપલ સેન્ટરના 12 વિદ્યાર્થીને 700 કે તેથી વધુ ગુણ આવ્યા છે.
આખો વિવાદ એક બે કૉચિંગ સેન્ટરના વિદ્યાર્થીઓ જ ટૉપ પર આવતા અને તેમને અધધ માર્ક્સ મળતા શરૂ થયો હતો. નીટ અને જેઈઈ આ બે પરીક્ષાઓ માટે ઘણા આખા શહેરો કૉચિંગ ક્લાસમાં ફેરવાઈ ગયા છે. સખત મહેનત કરી પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ નિરાશ થયા છે અને રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે.