નવી દિલ્હી: આ વર્ષે NEET-UG પરીક્ષા (NEET UG Examination)માં કથિત ગેરરીતી મામલે હાલ દેશભરમાં હોબાળો મચ્યો છે, સુપ્રીમ કોર્ટમાં આ પરીક્ષા રદ કરવા અંગે સુનાવણી ચાલી રહી છે. પરીક્ષાનું આયોજન કરતી નેશનલ ટેસ્ટીંગ એજન્સી(NTA)ની કાર્ય પદ્ધતિ પર પણ ગંભીર સવાલો ઉઠયા છે. એવામાં અહેવાલો મુજબ આગામી વર્ષોમાં સરકાર JEE-Mainની જેમ જ પર NEET–UG પરીક્ષાને કમ્પ્યુટર આધારિત ફોર્મેટમાં કંડક્ટ કરવા અંગે વિચારી રહી છે.
એક અહેવાલમાં કેન્દ્ર સરકારના એક અધિકારી ટાંકીને જણાવવામાં આવ્યું છે કે પરીક્ષાઓ ઑનલાઇન માધ્યમથી યોજવાની જરૂર છે, આ અંગે વિચાર કરવામાં કરવામાં આવી રહ્યો છે, પરંતુ હજી સુધી કોઈ ઔપચારિક નિર્દેશ આપવામાં આવ્યો નથી.
અહેવાલ મુજબ બીજા એક અધિકારીએ ઉમેર્યું હતું કે 2024 માં લગભગ 23 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે હાજર થયા હોવાથી આ થવા માટે મોટા પ્રમાણમાં આયોજનની જરૂર છે. દેશભરમાં લગભગ 4,000 કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવે છે અને તે બધાને કોમ્પ્યુટર અને સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ કરવું એક પડકાર હશે. જો કે, એ વાતનો ઈન્કાર નથી કરી શકાતો કે આ પરીક્ષાઓ જેઈઈ મેઈન્સની જેમ ઓનલાઈન લેવાનો વિચાર સારો રહેશે.
હાલમાં, NEET-UG ઑફલાઇન મોડ એટલે કે પેન અને પેપરની મદદથી હાથ ધરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓએ OMR શીટ પર મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન(MCQ) ઉકેલવાના હોય છે. જો પરીક્ષાનું ફોર્મેટ કોમ્પ્યુટર આધારિત કરવામાં આવે, તો ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કરવો પડશે અને સોફ્ટ આન્સર-શીટ પર જવાબો માર્ક કરવા પડશે.
આ વર્ષે 14 લાખ વિદ્યાર્થીએ કમ્પ્યુટર બેઝ્ડ મોડમાં JEE-Mains માટે પરીક્ષા આપી હતી, જે 570 કેન્દ્રોમાં હાથ ધરવામાં આવી હતી.