લોકસભા ચૂંટણી: મહારાષ્ટ્રની 5 બેઠક માટે નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ સમાપ્ત
હવે પાંચ બેઠક પર ચૂંટણી મેદાનમાં 97 ઉમેદવાર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મહારાષ્ટ્રમાં પાંચ બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારીપત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ શનિવારે સમાપ્ત થઈ ગઈ છે અને હવે પાંચ બેઠક પર કુલ 97 ઉમેદવારો મેદાનમાં છે, જેનું રાજકીય ભવિષ્ય દાવ પર લાગેલું છે. 19મી એપ્રિલે આ પાંચ બેઠક પર મતદાન થવાનું છે. મુખ્ય ચૂંટણી અધિકારી એસ ચોકલિંગમે શનિવારે આ માહિતી આપી હતી.
શનિવારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે 13 ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાંથી પોતાના નામ પાછા ખેંચી લીધા હતા.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના આ પૂર્વ મંત્રી હૉસ્પિટલમાં દાખલ
રાજ્યમાં સૌથી વધુ ઉમેદવારો રામટેકની બેઠક પર 28 છે, જ્યારે બીજા નંબરે નાગપુરની બેઠક પર 26 ઉમેદવારો મેદાનમાં છે. ભંડારા-ગોંદિયામાં 18, ચંદ્રપુરના 15 અને ગઢચિરોલી-ચિમુરની બેઠક પર કુલ 10 ઉમેદવાર મેદાનમાં છે.
અન્ય ત્રણ બેઠકો જ્યાં પ્રથમ તબક્કામાં મતદાન થશે તેમાં રામટેક (અનુસૂચિત જાતિ), ભંડારા-ગોંદિયા અને ગઢચિરોલી-ચિમુર (અનુસૂચિત જનજાતિ)નો પણ સમાવેશ થાય છે. પ્રથમ તબક્કાની તમામ પાંચ બેઠકો રાજ્યના વિદર્ભ ક્ષેત્રની છે. રામટેકમાં મુખ્ય મુકાબલો કૉંગ્રેસ અને મુખ્યપ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના વચ્ચે થશે, જ્યારે બાકીની ચાર બેઠકો પર મુખ્ય લડત સૌથી જૂની પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણી 2024: મહાયુતિ ગઠબંધનમાં એનસીપીની 6 બેઠકો શરતોને આધીન
પ્રથમ તબક્કામાં જે ઉમેદવારોનું રાજકીય ભાવિ નક્કી થવાનું છે તેમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, રાજ્યના પ્રધાન સુધીર મુનંગટીવાર, સુનીલ મેધે (બધા ભાજપ) અને કૉંગ્રેસના પ્રશાંત પડોલે, કે. નામદેવ તેમ જ વિકાસ ઠાકરે વચ્ચે રહેશે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં માયાવતીની પાર્ટી બસપાએ પણ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. કૉંગ્રેસના ભક્તિ બર્વેની ઉમેદવારી રદ કરવામાં આવી હતી, કેમ કે તેમણે ઉમેદવારીપત્રક ભર્યાના બીજા દિવસે જાતી પ્રમાણપત્ર રદ કરવામાં આવ્યું હતું.
મુંબઈમાં એક પત્રકાર પરિષદને સંબોધતા ચોકલિંગમે કહ્યું હતું કે આ પાંચ મતવિસ્તારમાં કુલ 95,54,667 મતદારો છે, જેમાં 48,28,142 પુરૂષો, 47,26,178 સ્ત્રીઓ અને 347 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે. આ માટે કુલ 10,652 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર કોંગ્રેસમાંથી વધુ એક દિગ્ગજ નેતા પાર્ટીને રામરામ કરી શકે અને…
ચોકલિંગમે જણાવ્યું હતું કે 1 માર્ચથી રાજ્યમાં કુલ 342.29 કરોડ રૂપિયાની રોકડ, દારૂ, ડ્રગ્સ અને મફતની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે, જ્યારે આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ત્યારથી 557 લાયસન્સ વગરના હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે અને 27,685 લોકો સામે કેસ નોંધવામાં આવ્યા છે અને ક્રિમિનલ પ્રોસિજર કોડ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.