મહારાષ્ટ્ર કોંગ્રેસમાંથી વધુ એક દિગ્ગજ નેતા પાર્ટીને રામરામ કરી શકે અને…
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી (LokSabha Elections 2024)ને લઈ મહારાષ્ટ્રમાં સીટ શેરિંગ (Maharashtra NDA Seat Sharing) માટે લગભગ તમામ પક્ષની સહમતી આવી ગઈ છે. મહારાષ્ટ્ર ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ને 28, એકનાથ શિંદેની શિવસેનાને 14 અને અજિત પવારની એનસીપીને પાંચ તેમજ એક સીટ રાજ ઠાકરેની મનસેને મળી રહી છે. જોકે શિંદેસેનાના પ્રવક્તાએ આ વહેંચણી અંગે સમંત થયા નથી, જ્યારે બીજી બાજુ મહાવિકાસ આઘાડીમાં કોંગ્રેસના નેતાઓનો પણ અલગ અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા પક્ષમાંથી છેડો ફાડીને શિંદે કેમ્પમાં જોડાઈ શકે છે.
મહારાષ્ટ્રની મહાયુતિમાં થયેલી બેઠકોની વહેંચણીને લઈ એકનાથ શિંદેની શિવસેનાના પ્રવક્તા અને નેતા સંજય શિરસાટે દાવો કર્યો હતો કે અમે 14 નહીં, પણ 16 બેઠક લઈ રહ્યા છીએ. કેટલીક બેઠકોને લઈ થયેલા વિવાદ પર શિરસાટે જણાવ્યું હતું કે નાશિક, સિંધુ દુર્ગ રત્નાગિરી અને દક્ષિણ મુંબઈની બેઠકો પણ અમારી છે અને અમે તે લઈને રહીશુ. મહાયુતિ સિવાય કોંગ્રેસની વાત કરીએ તો કોગ્રેસ પાર્ટીથી નારાજ સંજય નિરુપમના શિવસેનામાં પરત ફરવાને લઈ સંકેત પણ આપ્યો હતો. જો નિરુપમ શિવસેનામાં પરત ફરે છે તો તેને આ ખાસ બેઠકો આપી શકાય છે, એવું તેમણે જણાવ્યું હતું.
મહાવિકાસ અઘાડીની સીટ શેરિંગને લઈ સંજય નિરુપમ હાલ કોંગ્રેસથી નારાજ છે. તેણે પોતાની જ પાર્ટી પર નિશાન સાધતા કોંગ્રેસને એક સપ્તાહનો સમય આપ્યો છે. પાર્ટીને અલ્ટીમેટમ આપતા જણાવ્યું હતું કે હવે આ વખતની ચૂંટણીની લડાઈ આરપારની રહેશે. એક સપ્તાહમાં તેઓ સ્વતંત્રત રીતે પોતાનો નિર્ણય લેશે. આ બધાની વચ્ચે તેના શિંદેસેનામાં પરત ફરવાના સંકેત મળી રહ્યા છે.
સંજય શિરસાટે ઉત્તર પશ્ચિમ બેઠક પરથી ગોવિંદાના લડવા પર પણ ઈનકાર કર્યો હતો. આ સાથે જ તેણે સંજય નિરુપમના પરત ફરવાને લઈ સંકેત આપતા જણાવ્યું હતું કે તેઓ એક જૂના શિવસૈનિક છે. જો તેઓ અમારી સાથે થશે, તો તેમની ઘરવાપસી થશે અને તેઓ અમારી ઉત્તર પશ્ચિમ બેઠકના ઉમેદવાર હશે. ત્યાં જ કલ્યાણમાં એકનાથ શિંદેના નામની જાહેરાતને લઈ શિરસાટે કહ્યું હતું કે તેમના નામને લઈ કોઈ વિવાદ નથી. સમય આવતા નામની જાહેરાત કરવામાં આવશે.