આમચા મહારાષ્ટ્ર પોલિટિકલ સર્કસ આ બધી ગરબડ-ગેરસમજ વચ્ચે કોણ મારશે બાજી?
લોકસભા ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ તો થઈ ગયો, પણ અહીં મહારાષ્ટ્રનું ચિત્ર સાવ ધૂંધળું અને અસ્પષ્ટ છે
કવર સ્ટોરી -વિજય વ્યાસ
લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને આખા દેશમાં જબરદસ્ત રાજકીય ચહલપહલ જોવા મળી રહી છે. સામાન્ય લોકોમાં ચૂંટણી માટે એટલો ઉત્સાહ દેખાતો નથી, પણ રાજકારણીઓ સક્રિય છે. રાજકીય દાવપેચ ચાલી રહ્યા છે, સોગઠાં ગોઠવાઈ રહ્યાં છે, એકબીજાને પછાડવાની નવી નવી ચાલ વિચારાઈ રહી છે-યોજાઈ રહી છે. મતદારોને લોભાવીને પોતાના તરફ વાળવા માટે જાતભાતના ખેલ થઈ રહ્યા છે તેના કારણે રાજકીય રીતે ઉત્તેજનાનો માહોલ છે તેમાં બેમત નથી.
લોકસભાની ચૂંટણી છે એટલે દેશનાં બધાં રાજ્યોમાં રાજકીય ઉત્તેજના હોય જ, પણ સૌથી વધારે ઉત્તેજના કદાચ મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં લોકસભાની ૪૮ બેઠકો છે. ૮૦ લોકસભા બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશ પછી દેશમાં લોકસભાની બેઠકોની રીતે મહારાષ્ટ્ર સૌથી મોટું રાજ્ય છે. જો કે રાજકીય ઉત્તેજનાનું કારણ મોટું રાજ્ય કે વધારે લોકસભા બેઠકો નથી પણ મહારાષ્ટ્રનું રાજકારણ છે.
દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં બે કે બહુ બહુ તો ત્રણ મોટા રાજકીય પક્ષ વચ્ચે જંગ છે જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપ અને કૉંગ્રેસ એ બે પક્ષ સિવાય એકનાથ શિંદેની શિવસેના અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના, શરદ પવારની એનસીપી અને અજિત પવારની એનસીપી મળીને છ તો મોટા રાજકીય પક્ષો છે. બીજા ફાસફૂસિયા પણ ચૂંટણી પર પ્રભાવ પાડી શકે એ પક્ષોને પણ ગણતરીમાં લો તો રાજકીય પક્ષોનો આંકડો ૧૦ને પાર કરી જાય.
આ કારણે મહારાષ્ટ્રનું રાજકારણ સર્કસ જેવું બની ગયું છે અને સર્કસ જોવામાં બધાંને મજા આવતી હોય છે, થ્રીલ થતી હોય છે તેથી મહારાષ્ટ્રમાં સૌથી વધારે થ્રીલ છે. મહારાષ્ટ્રમાં આ વખતે કોઈની સ્પષ્ટ લહેર દેખાઈ નથી રહી. તેના કારણે કોણ બાજી મારી જશે એ કોઈ છાતી ઠોકીને કહી શકે તેમ નથી. તેના કારણે આ થ્રીલ બેવડાઈ ગઈ છે.
મહારાષ્ટ્રમાં પરંપરાગત રીતે બે મોરચા રહેતા. એક મોરચો ભાજપ-શિવસેનાનો હિંદુવાદી મોરચો ને બીજો કૉંગ્રેસ-એનસીપીનો સેક્યુલર મોરચો. બીજા નાના નાના પક્ષો ‘જિસ કી તડ મેં લડ્ડુ ઉસ કી તડ મેં હમ’ કરીને ગોઠવાઈ જતા. આ સ્થિતિ છેક ૨૦૧૯ની લોકસભા ચૂંટણી લગી રહી અને આ બંને મોરચાનો પ્રભાવ જ પરિણામો પર રહેતો. ૨૦૧૪ની ચૂંટણી સુધી એનસીપી-કૉંગ્રેસ હાવી રહેતાં જ્યારે ૨૦૧૪ તથા ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપ-શિવસેના છવાઈ ગયેલાં.
૨૦૧૪ની લોકસભા ચૂંટણી ભાજપ અને શિવસેના સાથે મળીને લડ્યાં ત્યારે બંનેએ ૪૮માંથી ૪૨ બેઠક જીતી હતી. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પણ બંને સાથે મળીને લડ્યાં ત્યારે ૪૧ બેઠક જીતી હતી. ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણી વખતે ભાજપ અને શિવસેનાની સામે એનસીપી અને કૉંગ્રેસનું જોડાણ હતું. બીજા નાના નાના પક્ષો હતા, પણ તેમનું એવું વજન નહોતું. આ વખતે સ્થિતિ અને સિનારિયો અલગ છે. ભાજપ અને શિવસેના સાથે નથી ,પણ સામસામે છે. શિવસેના અને એનસીપી બંનેમાં ભંગાણ પડી ચૂક્યાં છે તેથી રાજકીય સમીકરણો બદલાઈ ગયાં છે.
ભાજપ મહારાષ્ટ્રમાં સૌથી મોટો પક્ષ છે તેમાં બેમત નથી પણ ભાજપ પાસે એકલા હાથે મહારાષ્ટ્રમાં વિપક્ષોનો સફાયો કરવાની તાકાત નથી. આ કારણે ભાજપે એકનાથ શિંદે અને અજિત પવાર જેવા સત્તાના ભૂખ્યા લોકોના પગ પકડવા પડ્યા છે. ભાજપ પોતે પણ સત્તાનો ભૂખ્યો તો છે જ. આ કારણે શિંદે પાસે ભાજપ
કરતાં અડધાથી પણ ઓછા ધારાસભ્યો હોવા છતાં શિંદેને મુખ્યમંત્રી બનાવવા પડ્યા એ ભાજપ માટે અત્યંત અપમાનજનક સ્થિતિ હતી. આ અપમાન ઓછું હોય તેમ ભાજપે અજિત પવારને પડખામાં લઈને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા ( કે બનાવવા પડ્યા !)
સામાન્ય લોકોમાં ભાજપની છાપ એક મજબૂત રાજકીય પક્ષની હતી ,પણ મહારાષ્ટ્રમાં ભાજપે સત્તા માટે કરેલા ભવાડા પછી આ છાપ રહી નથી. અલબત્ત, લોકોના મનમાં શું છાપ પડી છે એ ખબર નથી. ભાજપની સત્તાભૂખને લોકોએ રાજકીય મજબૂરી ગણીને માફ કરી દીધી છે કે દાઢમાં રાખ્યો છે એ નથી મીડિયાને ખબર પડતી કે નથી ભાજપના નેતાઓને સમજાતું. આ કારણે ભાજપ એકલા હાથે લડવાનું જોખમ ઉઠાવી નથી રહ્યો.
કૉંગ્રેસ મહારાષ્ટ્રમાં પણ ડૂબી રહેલું જહાજ છે, પણ દેશનાં ઘણાં રાજ્યોમાં હજુ કૉંગ્રેસ પાસે કેટલાક એવા નેતા છે કે જે પોતાની તાકાત પર જીતાડી શકે છે. કર્ણાટક અને તેલંગાણામાં સત્તા કબજે કરીને બંને રાજ્યના કૉંગ્રેસીઓએ આ વાત સાબિત કરી છે. મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ પાસે એવા મજબૂત નેતા છે કે પછી બધી પતી ગયેલી પાર્ટીઓ છે તેની આ લોકસભા ચૂંટણીમાં કસોટી થવાની છે.
એકનાથ શિંદેએ શિવસેનામાં અને અજિત પવારે એનસીપીમાં સત્તાને ખાતર ભંગાણ પાડી દીધાં અને સત્તા ભોગવી પણ રહ્યા છે ,પણ પ્રજા એમના ભંગાણના તર્કને સ્વીકારે છે કે પછી ગદ્દારી માને છે એ કળી શકાતું નથી. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારને લોકો સહાનુભૂતિને પાત્ર માને છે કે પછી પતી ગયેલી પાર્ટી માને છે એ પણ ખબર પડતી નથી. પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડી (વીબીએ) અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) સહિતના નાના પક્ષો કેવો દેખાવ કરશે એ ખબર નથી ,પણ આ પક્ષો કૂદાકૂદ બહુ કરી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં સીધી રીતે ચૂંટણીના કોઈ મુદ્દા નથી, પણ અંદરખાને ચૂંટણીને અસર કરી શકે એવાં ઘણાં પરિબળો છે. મનોજ જરાંગેએ ઊભું કરેલું મરાઠાઓને અનામત માટેનું આંદોલન એવો જ મુદ્દો છે. એકનાથ શિંદે સરકારે વિધાનસભામાં મરાઠા અનામત માટેનો ઠરાવ પસાર કરી દીધો, પણ જરાંગેને મરાઠાઓ માટે ઓબીસી કેટેગરીમાં જ અનામત જોઈએ છે. ધનગર જ્ઞાતિને અનામતનો મુદ્દો પણ ચગેલો છે પણ આ બધા મુદ્દાઓની ખરેખર શું અસર થશે એ કળી શકાતું નથી.
મહારાષ્ટ્રના રાજવી પરિવારો પણ ચૂંટણીમાં સક્રિય છે. છત્રપતિ શિવાજી મહારાજના વંશજ શાહુ મહારાજ ઉપરાંત નાગપુરના ભોસલે રાજવીઓના વંશજ પણ ભાજપની વિરુદ્ધ છે. વિજયસિંહ મોહિતે-પાટીલ અને રામરાજે નાઈક-નિમ્બાલકર રાજવી પરિવારોના કારણે ભાજપની સામે થઈ ગયા છે પણ તેમની અસર વર્તાશે કે નહીં એ ખબર પડતી નથી.
ભાજપે શિવસેનામાં ભંગાણ પાડીને મહારાષ્ટ્રના રાજકારણને નવી દિશામાં લઈ જવાનો પ્રયાસ કર્યો. ભાજપનો ઉદ્દેશ પોતે ભવિષ્યમાં એકલા હાથે બહુમતી મેળવીને સરકાર રચે એ છે , પણ અત્યારે જે રીતે ભાજપ અને સાથી પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીના મુદ્દે પણ ખેંચતાણ ચાલી રહી છે એ જોતાં ભાજપનો ઉદ્દેશ ફળ્યો નથી એ સ્પષ્ટ છે. ઉદ્ધવ ઠાકરેએ પણ આખી જિંદગી ભાજપથી દબાયેલા રહેવાના બદલે સ્વતંત્ર થઈ જવાનો બોલ્ડ નિર્ણય લઈને વિચારધારાની રીતે સાવ સામા છેડાના કોંગ્રેસ અને એનસીપી સાથે હાથ મિલાવ્યો ,પણ ઉદ્ધવની બોલ્ડનેસ પણ બેકફાયર થઈ ગઈ. ઉદ્ધવની શિવસેના, શરદ પવારની એનસીપી અને કૉંગ્રેસ વચ્ચે પણ બેઠકોની વહેંચણીના મુદ્દે ખેંચતાણ છે જ.
આ બધાં કારણે મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી ટોટલી અનપ્રીડેક્ટિબલ- સદંતર કળી ન શકાય એવી બની ગઈ છે. આ વખતનો જંગ કંઈક અલગ જ છે ને કદાચ પરિણામો પણ અલગ હશે એવું અત્યારે તો લાગી રહ્યું છે.