શરદ પવારનો કેન્દ્ર સરકારને ઝટકો: ઝેડ-પ્લસ સિક્યુરિટી લેવાની ના પાડી

નવી દિલ્હી: નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી-એસપી)ના વડા શરદ પવારે આજે ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી ઝેડ-પ્લસ શ્રેણીની સુરક્ષા લેવાનો ઈન્કાર કરીને કેન્દ્ર સરકારને મોટો ઝટકો આપ્યો છે.
થોડા દિવસો પહેલા ગૃહ મંત્રાલયે તેમને ઝેડ-પ્લસ સુરક્ષા આપવાનો નિર્ણય લીધો હતો, જેમાં તેમની સુરક્ષા માટે સીઆરપીએફના 58 કમાન્ડો તેમની સુરક્ષા માટે તહેનાત કરવાના હતા.
શરદ પવારે શું કહ્યું?
સૂત્રોના જણાવ્યા અનુસાર શરદ પવારે એવું કહ્યું છે કે તેઓ પહેલાં તપાસ કરશે કે તેમની સામે કયા પ્રકારના જોખમની ધારણા બાંધવામાં આવી છે, અને તે પછી જ તેઓ સુરક્ષા લેવાનું વિચારશે.
આ પણ વાંચો: Z+ Security આપવા અંગે શરદ પવારે આપ્યું નિવેદન, કારણ આ જ…
તેમણે આ મામલે ગૃહ મંત્રાલયના કેટલાક અધિકારીઓ પાસેથી માહિતી પણ માગી છે. હાલમાં શરદ પવારે આજે ઝેડ-પ્લસ સુરક્ષા લેવાનો ઇનકાર કર્યો છે, અને તમામની નજર આ મામલે તેમની આગામી કાર્યવાહી પર છે.
આ પહેલાં પણ સુરક્ષા અંગે જણાયા છે ઉદાસીન
તમને જણાવી દઈએ કે શરદ પવાર ઝેડ-પ્લસ સુરક્ષાને લઈને પોતાની ઉદાસીનતા આ પહેલાં પણ વ્યક્ત કરી ચૂક્યા છે. તાજેતરમાં જ જ્યારે તેમને આ સુરક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે પવારે પણ ઝેડ-પ્લસ સિક્યોરિટી મેળવવા અંગેના તેમના જવાબમાં તેણે આ પાછળનું કારણ જણાવ્યું હતું.
પવારે કહ્યું હતું કે તેમને આપવામાં આવેલી ઝેડ પ્લસ સુરક્ષા તેમની હિલચાલ વિશે ‘પ્રમાણિત માહિતી’ મેળવવાનો એક માર્ગ હોઈ શકે છે કારણ કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક છે.
આ પણ વાંચો: …તો હું આંદોલનમાં જોડાઇશઃ શરદ પવારે પુણેે આંદોલનમાં જોડાવાની ચીમકી આપી
કેન્દ્ર સરકારને ટોણો
મીડિયા દ્વારા ઝેડ-પ્લસ સુરક્ષા મેળવવા અંગે પૂછવામાં આવેલા પ્રશ્ર્ન પર શરદ પવારે કહ્યું હતું કે તેઓ આ પગલા પાછળનું કારણ નથી જાણતા. જોકે તેમણે ચોક્કસપણે કેન્દ્રના નિર્ણય પર શંકા વ્યક્ત કરી હતી. શરદ પવારે વધુમાં કહ્યું હતું કે, ગૃહ મંત્રાલયના એક અધિકારીએ મને એવું કહ્યું હતું કે સરકારે ત્રણ વ્યક્તિને ઝેડ-પ્લસ સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે અને હું તેમાંથી એક હતો. મેં જ્યારે પૂછ્યું કે બીજા બે કોણ છે ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે આરએસએસના વડા મોહન ભાગવત અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ છે.
કદાચ ચૂંટણી નજીક આવી રહી છે એટલે..
તેમણે કટાક્ષ કર્યો કે કદાચ ચૂંટણીઓ નજીક આવી રહી હોવાથી આ (મારા વિશે) પ્રમાણિત માહિતી મેળવવાનો એક માર્ગ હોઈ શકે છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ના સશસ્ત્ર કર્મચારીઓની એક ટીમ પવારના ઝેડ-પ્લસ સુરક્ષા કવચનો ભાગ હશે. સત્તાવાર સૂત્રોએ અગાઉ જણાવ્યું હતું કે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જોખમનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને પવાર માટે મજબૂત સુરક્ષા કવચની ભલામણ કરવામાં આવી હતી.