વરલીના હિટ એન્ડ રન કેસમાં પોલીસને મળી મોટી સફળતા: ફરાર મિહિર શાહની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વરલીમાં રવિવારે વહેલી સવારે સ્કૂટર પર જઇ રહેલા નાખવા દંપતીને બીએમડબ્લ્યુ કારની અડફેટે લીધા બાદ ફરાર થયેલા મિહિર શાહને પોલીસે આજે ઝડપી પાડ્યો હતો. અકસ્માતમાં કાવેરી નાખવાનું મૃત્યુ થયું હતું, જ્યારે તેનો પતિ પ્રદીપ ઘવાયો હતો.
એકનાથ શિંદે જૂથના પાલઘરના ઉપ નેતા અને મિહિરના પિતા રાજેશ શાહ તથા તેના ડ્રાઇવરની વરલી પોલીસે ધરપકડ કરી હતી. સોમવારે કોર્ટે રાજેશ શાહના જામીન મંજૂર કરાયા હતા, જ્યારે બિડાવતને 11 જુલાઇ સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.
મિહિર શાહ શનિવારે રાતે તેના મિત્રો સાથે જુહુમાં બારમાં ગયો હતો. મોડી રાતે મિહિર તેના ડ્રાઇવર સાથે બીએમડબ્લ્યુ કારમાં મરીન ડ્રાઇવ આવ્યો હતો. એ સમયે ડ્રાઇવર કાર હંકારી રહ્યો હતો. પાછા ફરતી વખતે મિહિરે સ્ટિયરિંગ સંભાળ્યું હતું. વહેલી સવારે વરલીના ડો. એની બેસન્ટ રોડ પર મિહિરે નાખવા દંપતીના સ્કૂટરને પાછળથી ટક્કર મારી હતી.
આ પણ વાંચો: વર્લીમાં થયો હિટ એન્ડ રન કેસ, એકનું મોત
કારની ટક્કર એટલી જોરદાર હતી કે કાવેરી નાખવા અને પતિ પ્રદીપ બીએમડબ્લ્યુના બોનટ પર પટકાયાં હતાં. પ્રદીપ બાદમાં જમીન પર પડી ગયો હતો, જ્યારે કાવેરીની સાડીનો છેડો ટાયરમાં વીંટળાઇ જતાં તે બોનેટ અને બંપર વચ્ચે ફસાઇ પડી હતી.
મહિલા બોનટ પર ફસાઇ ગઇ હોવાનું જોયા છતાં મિહિરે કાર પૂરપાટ વેગે હંકારી મૂકી હતી અને દોઢ કિલોમીટરનું અંતર કાપ્યા બાદ તેણે સી-લિંક નજીક અચાનક બ્રેક મારી હતી. મિહિર અને ડ્રાઇવર કારમાંથી બહાર આવ્યા હતા. તેમણે બોનેટ-બંપર વચ્ચે ફસાયેલી મહિલાને નીચે ઉતારી રસ્તા પર મૂકી હતી. બાદમાં ડ્રાઇવર રાજઋષી કાર ચલાવવા બેઠો હતો. તેણે કારને રિવર્સમાં લીધી હતી અને મહિલા પર કાર ચડાવ્યા બાદ ત્યાંથી તેણે કાર હંકારી મૂકી હતી.