બાંગ્લાદેશમાં સત્તાપલટોઃ શેખ હસીનાને ભારે પડ્યું જમાત-એ-ઈસ્લામી, પક્ષનો દબદબો કેટલો જાણો?
ઢાકા: બાંગ્લાદેશમાં ભડકેલી હિંસાના લીધે સ્થિતિ નિયંત્રણ બહાર ગઈ છે. દેશવ્યાપી કર્ફ્યુની જાહેરાત હોવા છતાં પ્રદર્શનકારીઓ સોમવારે બાંગ્લાદેશના ઘણા વિસ્તારોમાં દેખાવો માટે એકઠા થયા હતા. પ્રદર્શનકારીઓ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. આ દરમિયાન આંદોલનકારીઓ અને શાસક પક્ષના સમર્થકો વચ્ચે ઘર્ષણ શરૂ થયું, જેણે હિંસાનું રૂપ લીધું હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં બાંગ્લાદેશ સરકાર દ્વારા કટ્ટરપંથી પાર્ટી જમાત-એ-ઈસ્લામી પર લાદવામાં આવેલા પ્રતિબંધને કારણે વિદ્યાર્થીઓનું આ પ્રદર્શન હિંસામાં ફેરવાઈ ગયું હતું.
પ્રદર્શનકારીઓ એટલા ઉશ્કેરાઈ ગયા કે સરકારી મિલકતોને આગ લગાવી દીધી અને પ્રધાનમંત્રી આવાસમાં ઘૂસી ગયા હતા. વીડિયોમાં પ્રદર્શનકારીઓ પ્રધાનમંત્રી આવાસમાં પ્રવેશ્યા બાદ મસ્તી કરતા જોવા મળ્યા હતા જે જેણે શ્રીલંકામાં બનેલી ઘટનાની યાદ અપાવી દીધી હતી. એટલું જ નહીં, કેટલાક લોકોએ બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા કહેવાતા શેખ મુજીબની પ્રતિમા પર ચડીને હથોડી ચલાવતા પણ જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: બાંગ્લાદેશની વણસેલી પરિસ્થિતિને લઈને BSF એક્ટિવ મોડમાં : વિદેશ પ્રધાન કરી રહ્યા છે બેઠકો
જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધ:
ઉલ્લેખનીય છે શેખ હસીના સરકારે તાજેતરમાં જ જમાત-એ-ઇસ્લામી, તેની વિદ્યાર્થી પાંખ અને તેની સાથે સંકળાયેલા અન્ય સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધનો કદમ બાંગ્લાદેશમાં કેટલાંક સપ્તાહના સુધી ચાલેલા હિંસક વિરોધ પ્રદર્શન બાદ લેવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે સરકારની આ કાર્યવાહી બાદ આ સંગઠનો શેખ હસીના સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે.
બાંગ્લાદેશ સરકારે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધ મૂકીને સરકારે કટ્ટરપંથી પાર્ટી પર આંદોલનનો ફાયદો ઉઠાવવાનો અને લોકોને હિંસામાં ફસાવવાનો આરોપ મૂક્યો હતો. શેખ હસીનાની પાર્ટી અવામી લીગના નેતૃત્વમાં 14 પક્ષોના ગઠબંધનની બેઠકમાં જમાત-એ-ઈસ્લામી પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કથિત રીતે આ બેઠક દરમિયાન સહયોગી પક્ષોએ પણ કટ્ટરપંથી પક્ષ પર પ્રતિબંધ મૂકવાની અપીલ કરી હતી.
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં પ્રચંડ વિરોધ વચ્ચે શેખ હસીના લંડન વાયા ભારત જવા રવાના
શું છે જમાત-એ-ઇસ્લામી?
જમાત-એ-ઇસ્લામી એક રાજકીય પક્ષ છે, જેને બાંગ્લાદેશમાં કટ્ટરવાદી માનવામાં આવે છે. આ રાજકીય પક્ષ પૂર્વ પીએમ ખાલિદા ઝિયાના સમર્થક પક્ષોમાં સામેલ છે. જમાત પર પ્રતિબંધ મૂકવાનો તાજેતરનો નિર્ણય ‘રાજકીય હેતુઓ માટે ધર્મનો દુરુપયોગ’ કરવા બદલ 1972માં પ્રારંભિક પ્રતિબંધના 50 વર્ષ પછી આવ્યો છે. જમાત-એ-ઈસ્લામીની સ્થાપના બ્રિટિશ શાસન હેઠળ અવિભાજિત ભારતમાં 1941માં થઈ હતી. 2018માં બાંગ્લાદેશ હાઈકોર્ટના નિર્ણય બાદ ચૂંટણી પંચે જમાતનું રજીસ્ટ્રેશન રદ કર્યું હતું. આ પછી જમાત ચૂંટણી લડવા માટે ગેરલાયક બની ગઈ.
હિન્દુઓ પર હુમલા કરવામાં મોખરે:
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર હુમલા કરવામાં જમાત-એ-ઈસ્લામીનું નામ પણ લેવામાં આવ્યું છે. માનવાધિકાર સંગઠન એમનેસ્ટી ઈન્ટરનેશનલે પોતાના એક રિપોર્ટમાં કહ્યું છે કે જમાત-એ-ઈસ્લામી અને વિદ્યાર્થી શિબિર બાંગ્લાદેશમાં હિન્દુઓને સતત નિશાન બનાવી રહ્યા છે. બાંગ્લાદેશમાં કામ કરતી NGOનો અંદાજ છે કે 2013 થી 2022 સુધીમાં બાંગ્લાદેશમાં હિંદુઓ પર 3600 હુમલા થયા છે. જમાત-એ-ઇસ્લામીએ ઘણી ઘટનાઓમાં ભૂમિકા ભજવી છે.