બાંગ્લાદેશમાં પ્રચંડ વિરોધ વચ્ચે શેખ હસીના લંડન વાયા ભારત જવા રવાના
ભારતના પડોશી મુસ્લિમ દેશ બાંગ્લાદેશમાં જબરદસ્ત હિંસા ચાલુ છે. હિંસાને કારણે અહીં આજે અને ગઈકાલે મળીને લગભગ 300 લોકોના મોત થયા છે. અહીં લોકો અનામતનો વિરોધ કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ હવે પીએમઓ હાઉસમાં ઘૂસી ગયા છે. આ પછી બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. એમ જાણવા મળ્યું છે કે તેઓ બે દિવસના પ્રવાસ પર ભારત આવ્યા છે.
બાંગ્લાદેશના સૈન્યના નજીકના સૂત્રના જણાવ્યા અનુસાર બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના ભારતમાં ટૂંકા ગાળાના રોકાણ બાદ લંડન જવા રવાના થશે. સૂત્રોએ જણાવ્યું હતું કે હસીના ભારતમાં ઉતરશે અને પછી કોમર્શિયલ ફ્લાઈટ લઈને લંડન જશે.
કેટલાક અહેવાલોમાં જોકે, એવો દાવો કરવામાં આવ્યો છે કે બાંગ્લાદેશના શેખ હસીના ભારતના ત્રિપુરાના અગરતલા ગયા છે. તેઓ તેમની બહેન સાથે હેલિકોપ્ટર પર આજે બપોરે ઢાકાથી નીકળ્યા હતા.
આ પણ વાંચો : 1975માં આખા પરિવારની હત્યા બાદ શેખ હસીનાને ભારતે આપ્યું હતું શરણ
ભારત સરકારે શેખ હસીનાને ભારત પ્રવેશ માટે લીલી ઝંડી આપી દીધી છે. સુરક્ષા ચિંતાઓ હોવા છતાં ટોચના ભારતીય સરકારી અધિકારીઓ તેમના આગમનનું સંકલન કરી રહ્યા છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ બાંગ્લાદેશ સાથેની ભારતીય સરહદથી 10 કિમી દૂરથી કોલ સાઈન AJAX1431 સાથે C-130 એરક્રાફ્ટ પર નજર રાખી રહી છે અને તે દિલ્હી તરફ જઈ રહ્યું છે. માનવામાં આવે છે કે આ વિમાનમાં હસીના અને તેના સભ્યોના કેટલાક સભ્યો છે.
નોંધનીય છે કે બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત ખતમ કરવા માટે હિંસક દેખાવો ચાલી રહ્યા છે. હિંસામાં અત્યાર સુધીમાં 14 પોલીસકર્મીઓ અને 300 લોકો માર્યા ગયા છે. બાંગ્લાદેશમાં 1971ના મુક્તિ સંગ્રામના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારો માટે સરકારી નોકરીઓમાં 30 ટકા અનામત છે. દેખાવકારોનો આરોપ છે કે આ આરક્ષણ શેખ હસીનાનું સમર્થન કરનારાઓને આપવામાં આવે છે. વિરોધીઓ તેને ખતમ કરવા માંગે છે.