બાંગ્લાદેશની વણસેલી પરિસ્થિતિને લઈને BSF એક્ટિવ મોડમાં : વિદેશ પ્રધાન કરી રહ્યા છે બેઠકો
ઢાકા: બાંગ્લાદેશ અત્યારે એક મોટી રાજનીતિક હિંસાનો સામનો કરી રહ્યો છે. હિંસા અને પ્રદર્શનો વચ્ચે શેખ હસીનાએ બાંગ્લાદેશના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે અને દેશ પણ છોડી દીધો છે. આ દરમિયાન પણ બાંગ્લાદેશમાં દેખાવો અને હિંસા યથાવત છે. સેનાએ સર્વદળિય બેઠક બોલાવીને વચગાળાની સરકાર બનાવવાની જાહેરાત કરી છે. હિંસામાં અત્યાર સુધીમાં 300થી વધુ લોકોના મોત થયા છે. આ સંકટ વચ્ચે ભારત સરકાર પણ સરહદ પર કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. હાલ BSFને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં ભારે હિંસા અને હિંદુઓના ઘરોને આગચંપી વચ્ચે દેશની કમાન આર્મીના હાથમાં, કરી પ્રેસ કોન્ફરન્સ
બાંગ્લાદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ, દેખાવો અને હિંસા પર ભારત સરકાર સતત નજર રાખી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ, ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તમામ અપડેટ લઈ રહ્યા છે. બાંગ્લાદેશની સ્થિતિને લઈને ભારત સરકારમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે.
BSF સંપૂર્ણ સજ્જ:
બાંગ્લાદેશમાં ભારે રાજકીય હિંસા અને કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને, સીમા સુરક્ષા દળ (BSF) એ ભારત-બાંગ્લાદેશ સરહદ વિસ્તારો પર હાઇ એલર્ટ જાહેર કર્યું છે. બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી છે કે બીએસએફના મહાનિર્દેશક પણ કોલકાતા પહોંચી ગયા છે. પ્રાપ્ત વિગતો મુજબ BSFએ તેના તમામ ‘ફીલ્ડ કમાન્ડર’ને તાત્કાલિક તમામ જવાનોને બોર્ડર ડ્યૂટી પર તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે.
ભારતને સૌથી લાંબી સરહદ બાંગ્લાદેશ સાથે:
ભારત સૌથી લાંબી સરહદ બાંગ્લાદેશ સાથે ધરાવે છે. બંને દેશો વચ્ચે કુલ 4,096 કિલોમીટર લાંબી સરહદ છે. પશ્ચિમ બંગાળ ત્રિપુરા (856 કિમી), મેઘાલય (443 કિમી), આસામ (262 કિમી) અને મિઝોરમ (318 કિમી) ઉપરાંત બાંગ્લાદેશ સાથે કુલ 2,217 કિમીની સરહદ ધરાવે છે. મીડિયા અહેવાલો અનુસાર બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ તેમની સરકાર વિરુદ્ધ ભારે વિરોધ વચ્ચે સોમવારે રાજીનામું આપી દીધું છે અને દેશ છોડી દીધો હતો.