વીક એન્ડ

પુતીનનું ઘર: સત્ય કે મિથ્યા

સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા

રાજકીય અને આર્થિક ક્ષેત્રની જેમ હવે સ્થાપત્યમાં પણ ખોટી કહી શકાય તેવી માહિતી ફરતી થઈ ગઈ હોય તેમ લાગે છે. તાજેતરમાં રશિયાના સોચી ક્ષેત્રમાં પુનિતના ઘરની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. કેટલાક ફેક્ટ ચેક કરતી વ્યક્તિઓએ આ ઘરની જાચ-પડતાલ કરી. તેમની દ્રષ્ટિએ આ એક ફેક હકીકત છે. મારી પાસે એવી ક્ષમતા નથી અને મારી એવી ઈચ્છા પણ નથી કે આ ઘર હકીકતમાં છે કે નહીં તે માટે જાચ-પડતાલ કરું. સ્થાપત્યની દ્રષ્ટિએ, મને આ (કાલ્પનિક ?) રચનામાં ઘણી સંભાવના દેખાઈ. જો આ આવાસ વાસ્તવમાં હોય તો, આ એક એવી રચના છે કે જે કુદરત સાથે નવા જ પ્રકારના સમીકરણની વાત કરે છે. અને જો આ આવાસ વાસ્તવમાં ન હોય તો પણ તે સ્થાપત્યમાં નવી સંભાવના તો ખોલી જ દે છે.

હોવા ન-હોવાની અવઢવ વચ્ચે આ લેખમાં આ મકાન માટે સૂચિત શબ્દ વાપરીશું. પુતીનના આ સૂચિત મકાનની કલ્પના વર્ષ ૨૦૨૧માં રોમા વ્લોસોવ નામના રશિયન સ્થપતિ એ કરી હતી. જ્યારે આ મકાન અસ્તિત્વમાં આવશે ત્યારે જમીનથી આશરે ૩૦ મીટરથી વધારે ઊંચા બનાવેલ મંચ ઉપર આ એક માળનું મકાન હશે. આ સૂચિત આવાસના ક્ષેત્રફળ વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી, પણ જો પ્રમાણમાપથી સમજવામાં આવે તો તેનો વિસ્તાર ૧૨૦૦ ચોમી જેટલો જણાય છે. બે પ્રમાણમાં પાતળી કહી શકાય તેવી પ્લેટ – તકતીની વચ્ચે આ મકાનના વિવિધ સ્થાનો ગોઠવાયા છે. અહીં ચારે બાજુ લગભગ કાચની દીવાલો સૂચિત કરાયેલ હોવાથી આજુબાજુની પરિસ્થિતિ સાથેનો દ્રશ્ય સંબંધ ઘણી સારી રીતે જળવાઈ રહી શકશે. બે તકતી વચ્ચે ગોઠવાયેલું આ આવાસ આમ તો સ્લીક લાગે છે પણ તેને ઊંચાઈ ઉપર ટકવી રાખતું સૂચિત આ એકમાળખું આક્રમક, દ્રઢ તથા દળદાર જણાય છે. આ એક પ્રકારનો વિરોધાભાસ સર્જે છે.

આ મકાનની કલ્પનામાં વિરોધાભાસી વિચારોને સારું મહત્વ અપાયું લાગે છે. અહીં કાચની દીવાલોથી જે ખુલ્લાપણું જણાય તેની સામે નીચેનું માળખું એકદમ બંધિયાર તેમજ ઘટ્ટતાપૂર્ણ લાગે તે પ્રમાણે સૂચિત કરાયું છે. આવાસની રચનામાં હળવાશ જણાય છે તો બાકીની રચનામાં ઉગ્રતા વણાઈ જાય છે. આવાસવાળા ભાગમાં જે સાદગી તથા સરળતા સૂચિત કરાઈ છે તેની સામે નીચેના ભાગમાં સુષુપ્ત બળની પ્રતીતિ થાય છે. ઉપરના ભાગનું ભૌમિતિક આકલન પ્રાથમિક કહી શકાય તે પ્રકારનું છે જ્યારે નીચેના ભાગના ભૌમિતિક આકારો આક્રમિત જણાય છે.

આજુબાજુનાં ગાઢ જંગલોના વિસ્તારમાં આ, એક રીતે જોઈએ તો, આક્રમણ કરતી રચના થશે. સૂચિત મકાન ને સમગ્રતામાં જોતાં એમ જણાય છે કે જંગલોના અસ્તિત્વ સામે માનવીની રચના જાણે હાવી થવા પ્રયત્ન કરે છે. ઘરની ઉપયોગીતાની દ્રષ્ટિએ આ કંઈક અંશે યોગ્ય ગણાય, પણ જંગલના નિયમોની દ્રષ્ટિએ આ સંપૂર્ણ વિરોધાભાસી રચના બની રહેશે. જંગલ આપમેળે કુદરતી રીતે વિકસે અને અહીં બધું એકબીજા સાથે યથાર્થ રીતે સંકળાયેલું હોય. આ રચના આ પ્રકારના સંકલનની વાત નથી કરતી. અહીં પોતાનું વિધાન કહેવા માટેનો કૃત નિશ્ચયતા જણાય છે. ક્યારેક એવું પણ લાગે કે આ સૂચિત આવાસમાં કુદરત સાથે વિરોધ ઉભો કરીને પણ સ્વીકૃત રચના સૂચિત કરાઈ છે.

આજુબાજુનાં વૃક્ષો કરતાં ઊંચી, જાણે પહાડની તળેટીને આંબવા પ્રયત્ન કરતી, વૃક્ષોની ગાઢ લીલાશ સામે પોતાના અસ્તિત્વને દ્રઢતાથી સ્થાપિત કરતી, ક્યાંયથી છટકવા ન દે તેવી, વિશાળતાને કારણે હાવી થઈ જતી, પોતાના અસ્તિત્વની અપાર છાપ છોડતી તથા કૌટુંબિક જીવનને નવી ઊંચાઈ પર લઈ જતી આ કલ્પના રસપ્રદ તો છે જ.
આ મકાનના સંભવિત સ્થાન વિશે એટલી સ્પષ્ટ માહિતી પ્રાપ્ય ન હોવાથી, અહીં રહેનાર વ્યક્તિને કેવા કેવા પ્રકારની દ્રશ્ય-અનુભૂતિ મળશે તે સમજવું કંઈક મુશ્કેલ છે. પણ એ વાત નક્કી છે કે કુદરતને માણી લેવાનો આ ભરપૂર પ્રયાસ હશે.

આ એક એવી આવાસ-રચના છે જેમાં એવું પણ લાગી શકે કે વ્યક્તિઓ ચોક્કસ ક્ષેત્રફળમાં બંધાઈ જશે. એક રીતે જોતાં એમ કહી શકાય કે આવી રચનાથી કુટુંબના સભ્યો પરસ્પર નજીક આવે, પણ સાથે સાથે દુનિયાથી જાણે તે લોકોનો સંપર્ક લગભગ વિસ્થાપિત થઈ જાય. જંગલની વચ્ચે પોતાની દુનિયા બનાવવા જેવો આ પ્રયાસ છે. સાથે સાથે જંગલની વચ્ચે હોવા છતાં પણ જંગલ સાથે માત્ર દ્રશ્ય સંબંધ જ સ્થપાશે. સાથે રહીને અલગ રહેવા જેવી આ વાત છે. બધાની વચ્ચે રહીને બધાથી અલગ સ્થાન નિર્ધારણ કરવાની આ વાત છે. સમાજની વચ્ચે રહીને પણ સમાજથી અલિપ્ત રહેવા જેવો આભાર છે. આવા વિચારની સ્વીકૃતિ મર્યાદિત હોઈ શકે.

એમ પણ બની શકે કે સ્થપતિએ પોતાનો વિચાર માત્ર રજૂ કરવા માટે આ મકાન માટેની કલ્પના તેણે સોશિયલ મીડિયામાં મૂકી હોય. આ મકાન બની ચૂક્યું છે એ પ્રમાણેનો દાવો કરવાની કદાચ તેની ઈચ્છા પણ ન હોય. આ તો પુતીનનું સૂચિત આવાસ છે, એટલા માટે કેટલાક લોકોએ પ્રાયોજિત રીતે તેને ફેક બતાવવાનું ચાલુ કરી દીધું હોય.અત્યાર સુધીની માહિતી અનુસાર તો એમ જણાય છે કે, આજની તારીખ સુધીમાં ન તો સ્થપતિએ ન તો સ્વય પુનિતે, આ મકાન માટે કોઈ દાવો કર્યો હોય. રાજકારણની કરામતમાં પડવાની જરૂર નથી. સ્થાપત્યની વાત કરીએ તો આ એક આક્રમક વિધાન છે અને સ્થાપત્યમાં ક્યારેય આવી આક્રમકતા જરૂરી પણ હોય છે. સ્થાપત્યને પ્રશંસાવા ક્યારેક રાજકારણને દૂર રાખવું પડે. આ મકાન કેટલી ઊર્જાની ખપત કરશે કે પર્યાવરણ માટે આવી રચના ઇચ્છનીય છે કે નહીં – તેવા પ્રશ્ર્નોની ચોક્કસ ચર્ચા કરવી જોઈએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…