સત્તા મળી તો ઈન્ડી ગઠબંધનના ટોચના નેતાઓ વડા પ્રધાનપદ માટે ખેંચતાણ કરશે: અમિત શાહ | મુંબઈ સમાચાર
નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

સત્તા મળી તો ઈન્ડી ગઠબંધનના ટોચના નેતાઓ વડા પ્રધાનપદ માટે ખેંચતાણ કરશે: અમિત શાહ

ઝંઝારપુર: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે એવી ચેતવણી આપી હતી કે જો ભૂલેચૂકે વિપક્ષી ઈન્ડી ગઠબંધનને લોકસભાની ચૂંટણીમાં વિજય મળ્યો તો ગઠબંધનના ટોચના નેતાઓમાં વડા પ્રધાનપદ મેળવવા માટે ખેંચતાણ ચાલુ થઈ જશે.

બિહારમાં લોકસભાની ઝંઝારપુર બેઠક પર રેલીને સંબોધતાં તેમણે કહ્યું હતું કે એમ. કે. સ્ટાલિન, શરદ પવાર, લાલુ પ્રસાદ યાદવ અને મમતા બેનરજી જેવા નેતાઓ એક એક વર્ષ માટે વારાફરતી વડા પ્રધાનપદ માટે તૈયાર થઈ જશે અને પછી રાહુલ બાબાને વધ્યું ઘટ્યું જે હશે તેનો સ્વીકાર કરવો પડશે.

બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ત્રીજી ટર્મ આવશે તો બિહાર સહિત આખા દેશમાંથી ભ્રષ્ટાચાર નાબુદ થઈ જશે. દેશમાંથી જાતીવાદને ખતમ કરી નાખવામાં આવશે.

આપણ વાંચો: Lok Sabha Election 2024: તમારા પીએમ પદના ઉમેદવાર કોણ છે?’ INDI ગઠબંધનને અમિત શાહનો પડકાર

મોદીનું સત્તામાં પુનરાગમન પાક્કું છે. પરંતુ જરા કલ્પના કરો કે ભૂલે ચુકે જો ઈન્ડી ગઠબંધન સત્તામાં આવશે તો શું થશે? વડા પ્રધાન કોણ બનશે? સ્ટાલિન, શરદ પવાર, મમતા બેનરજી કે પછી રાહુલ ગાંધી કોણ હશે? શું તેઓ એક એક વર્ષ માટે વડા પ્રધાનપદ વહેંચી લેશે? શું આવી રીતે દેશ ચાલવો જોઈએ? એમ શાહે પૂછ્યું હતું.

ભારતને એક મજબૂત વડા પ્રધાનની આવશ્યકતા છે, એક મજબૂર વડા પ્રધાનની નહીં, એમ પણ તેમણે કહ્યું હતું.
ઓબીસી માટેના રાહુલ ગાંધીના નવા જન્મેલા પ્રેમ અંગે ઝાટકણી કાઢતાં તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસ કાયમ માટે ઓબીસીના વિરોધમાં રહી છે. તેમણે મંડલ કમિશનનો વિરોધ કર્યો હતો. મોદી ઓબીસીમાંથી ઉપર આવ્યા છે અને તેમના આગમન બાદ સમાજનું અગાઉ ક્યારેય નહોતું એવું સશક્તિકરણ થયું છે.

કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગના મુદ્દે વિપક્ષની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે શું ભ્રષ્ટાચારીઓ સામે કોઈ કાર્યવાહી ન થવી જોઈએ? દેશના ગરીબ લોકોને માટેના નાણાંની ઉચાપત કરનારાની જગ્યા જેલમાં જ હોવી જોઈએ, એમ શાહે કહ્યું હતું. (પીટીઆઈ)

Back to top button