કૉંગ્રેસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ વિરુદ્ધ ચૂંટણી પંચને કરી ફરિયાદ

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પર આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી પંચને કરેલી ફરિયાદમાં કહ્યું છે કે શંકર ચૌધરીએ લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારની તરફેણમાં બેઠક યોજીને એક રાજકીય પક્ષ માટે પ્રચાર કર્યો હતો.
આ આચારસંહિતાનું ઉલ્લંઘન છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે તેમણે વાવ-થરાદ વિસ્તારમાં પ્રચાર કર્યો હતો. કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી પંચ પાસે કાર્યવાહીની માંગ કરી છે. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે વિધાનસભાના અધ્યક્ષ કોઈપણ રાજકીય પક્ષ માટે પ્રચાર કરી શકે નહીં. કોંગ્રેસે કેન્દ્રીય ચૂંટણી પંચને આ ફરિયાદ કરી છે.
આપણ વાંચો: કૉંગ્રેસે બનાવી પાંચ સ્ક્રિનિંગ કમિટીઃ ગુજરાતના જીજ્ઞેશ મેવાણીને મળ્યું સ્થાન
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC)ના મીડિયા કન્વીનર અને મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી છે. દોશીએ પુરાવા તરીકે ચૂંટણી પંચને ક્લિપ પણ સુપરત કરી હોવાનું જણાવ્યું હતું. જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી લોકસભા ચૂંટણીને સંબોધિત કરી રહ્યા છે.
શંકર ચૌધરી 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં થરાદ વિધાનસભામાંથી ચૂંટાયા હતા. આ પછી જ્યારે તેમને વિધાનસભાના સ્પીકર બનાવવામાં આવ્યા ત્યારે તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસે કહ્યું છે કે ચૌધરીની પ્રચારમાં ભાગીદારી સંસદીય પ્રક્રિયાઓનું ઉલ્લંઘન છે. કોંગ્રેસની દલીલ છે કે કોઈ પણ વ્યક્તિ બંધારણીય પદ સંભાળતાની સાથે જ રાજકીય ગતિવિધિઓથી અલગ થઈ જાય છે.
આ મામલે ચૌધરીની પ્રતિક્રિયા આવી નથી.