શોકિંગઃ ઉત્તર પ્રદેશમાં ભાજપના સાંસદનું નિધન, આ વખતે ટિકિટ આપી નહોતી

અલીગઢઃ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, જેમાં બીજા તબક્કાનું મતદાન શુક્રવારે હાથ ધરવામાં આવશે, ત્યારે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ), કોંગ્રેસ સહિત તમામ પક્ષો દ્વારા તડામાર ચૂંટણીનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે ભાજપ માટે ચોંકાવનારા સમાચાર જાણવા મળ્યા છે. હાથરસની બેઠકના ભાજપના સાંસદ રાજવીર દિલેરનું હાર્ટ એટેકથી નિધન થયું છે.
રાજવીર દિલેરનું હાર્ટ એટેકથી નિધન થયું છે. અલીગઢની ખાનગી હોસ્પિટલમાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. ભાજપના સાંસદના નિધનથી તેમના પરિવાર અને ટેકેદારોમાં શોકનું મોજું ફેલાયું છે. સૌથી મોટી વાત એ છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ રાજવીર દિલેરની ટિકિટ કાપીને અનુપ વાલ્મિકીને ઉમેદવાર જાહેર કર્યા હતા.
ઉત્તર પ્રદેશની હાથરસ લોકસભા સીટના સાંસદ રાજવીર દિલેરના અચાનક નિધનના સમાચાર પણ સોશિયલ મીડિયા પર પણ વાયુવેગે ફેલાયા હતા. અચાનક ઘરે તબિયત બગડ્યા પછી પરિવારે તેમને હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેમનું નિધન થયું હતું. તેઓ 65 વર્ષના હતા. 2019માં ભાજપની ટિકિટ પરથી ચૂંટણી જીત્યા હતા, પરંતુ આ વખતે ટિકિટ આપી નહોતી.
રાજવીર સિંહ દિલેરના પિતા કિશન લાલ દિલેર હાથરસ સીટ પરથી ચાર વખત સાંસદ રહી ચૂક્યા હતા. વર્ષ 1996થી વર્ષ 2004 સુધી હાથરસની બેઠક પરથી જીત્યા હતા. ત્યાર બાદ 2019માં રાજવીર દિલેરે ભાજપને જીત અપાવી હતી. રાજવીર દિલેર સાંસદ બન્યા પૂર્વે અલીગઢની ઈગલાસ વિધાનસભામાં 2017માં વિધાનસભ્ય બન્યા હતા, ત્યારબાદ 2019ની ચૂંટણીમાં હાથરસની બેઠક પરથી સાંસદ બન્યા હતા.