હું જીવું છું ત્યાં સુધી મુસ્લિમોને ધર્મ આધારિત આરક્ષણ નહીં મળે: વડા પ્રધાન મોદી

હૈદરાબાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કૉંગ્રેસની ચીરફાડ કરતાં કહ્યું હતું કે જ્યાં સુધી તેઓ જીવતા છે ત્યાં સુધી તેઓ એસસી, એસટી અને ઓબીસીને ભોગે મુસ્લિમોને ધર્મને આધારે આરક્ષણ આપવા દેશે નહીં.
તેલંગણાના મેડક જિલ્લામાં પ્રચાર રેલીને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ત્રીજી મુદતમાં તેઓ બંધારણના 75 વર્ષ પૂરા થવાની ભવ્ય ઉજવણી કરશે.
તેલંગણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે રાજ્યમાં ડબલ આરઆર ટેક્સને દિલ્હીમાં મમોકલવામાં આવે છે. અહીં ઉલ્લેખનીય છે કે તેલુગુમાં બનેલી અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ફિલ્મનું નામ આરઆરઆર (ટ્રિપલ આર) હતું. કૉંગ્રેસ પાર્ટી પર નકલી વીડિયોના કેસને મુદ્દે ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે તેઓ સમાજમાં તણાવ લાવવા માટે અને લોકોને ગેરમાર્ગે દોરવા માટે આવું કરી રહ્યા છે.
કૉંગ્રેસ સત્તામાં આવશે તો પંચાવન (55) ટકા ઈનહેરિટેન્સ (વારસાગત સંપત્તિ) ટેક્સ દાલવામાં આવશે એમ કહેતાં મોદીએ ઉમેર્યું હતું કે યુપીએની સરકારના કાર્યકાળમાં તેમને નીતિગત લકવો લાગી ગયો હતો અને હવે જો કૉંગ્રેસ સત્તામાં આવશે તો તેઓ ઈનહેરિટેન્સ ટેક્સ લાવશે જેમાં પંચાવન ટકા ટેક્સ વસૂલ કરવામાં આવશે.
કૉંગ્રેસની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે જૂની પાર્ટીના પાંચ ચૂંટણી નિશાન છે. પહેલું ખોટા વચનો, બીજું વોટ બેન્ક રાજનીતિ, ત્રીજું માફિયા અને ગુનેગારોને ટેકો, ચોથું વંશવાદની રાજનીતિ અને પાંચમું ભ્રષ્ટાચાર. તેમણે એમ પણ કહ્યું હતું કે પહેલાં બીઆરએસે તેલંગણાને લૂંટ્યૂં હતું અને હવે કૉંગ્રેસ લૂંટી રહી છે. (પીટીઆઈ)