PM નરેન્દ્ર મોદી 10 વર્ષ પછી ફરી એક વાર આવશે કલ્યાણ, જાણો કેમ?
મુંબઈ: મહારાષ્ટ્રમાં મહાયુતિનું નિર્માણ કરીને સત્તાધારી પાર્ટી વધુ બેઠકો અંકે કરવા પ્રયાસ કરી રહી છે ત્યારે આગામી મે મહિનાની દસમી તારીખના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દસ વર્ષ પછી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના લાડલા દીકરા શ્રીકાંત શિંદેના પ્રચાર અર્થે કલ્યાણ આવશે.
મહાયુતિના કલ્યાણ અને ભિવંડી મતદાસ સંઘના ઉમેદવારોના પ્રચાર માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10મી મેના શુક્રવારે કલ્યાણમાં પ્રચાર સભા ગજાવશે. કલ્યાણ બેઠકના ઉમેદવાર તેમ જ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે તેમ જ ભિવંડીના ઉમેદવાર તેમ જ કેન્દ્રીય પ્રધાન કપિલ પાટીલ માટે વડા પ્રધાન મોદી પ્રચાર કરશે. આ પૂર્વે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કલ્યાણમાં પ્રચાર માટે આવી ચૂક્યા છે અને કલ્યાણમાં આવનારા તે દેશના પહેલા જ વડા પ્રધાન બન્યા હતા.
ઉલ્લેખનીય છે કે ભિવંડી લોકસભા બેઠક પરથી મહાવિકાસ આઘાડી દ્વારા સુરેશ ઉર્ફે બાળ્યા મામા મ્હાત્રેને ઉમેદવારી આપવામાં આવી છે જેની સામે મહાયુતિ તરફથી કપીલ પાટીલ ચૂંટણી લડશે. જ્યારે કલ્યાણમાં શ્રીકાંત શિંદેની સામે મહાવિકાસ આઘાડીએ મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)માંથી ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં જોડાયેલા વૈશાલી દરેકરને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. બે વખતથી કલ્યાણ બેઠક પરથી સાંસદ બનેલા શ્રીકાંત શિંદે વિરુદ્ધ વૈશાલી દરેકર વચ્ચેનો સામનો એકતરફી રહેશે, તેવું રાજકીય વિશ્વેલષકોનું માનવું છે.
2014ની ચૂંટણી દરમિયાન પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કલ્યાણમાં આવ્યા હતા. આ ઉપરાંત 18 ડિસેમ્બર, 2018ના રોજ એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપેમન્ટ ઑથોરિટી) દ્વારા શરૂ કરવામાં આવનારા મેટ્રો પ્રોજેક્ટ અને સિડકો (સિટી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન)ના હાઉસિંગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા માટે પણ વાસુદેવ ફડકે મેદાનમાં આવ્યા હતા. એ વખતે તેમણે 21 મિનિટ ભાષણ આપ્યું હતું. હવે ત્રીજી વખત તે ચૂંટણી પ્રચાર માટે કલ્યાણ આવશે.