Junagadh Loksabha seat: પરિવર્તન કે પુનરાવર્તન, આ બેઠક પર જ્ઞાતિનું ગણિત કામ કરતું નથી
જૂનાગઢ: 15મી ઑગસ્ટ, 1947ના રોજ ભારત દેશ આઝાદ થયો ત્યારે સૌરાષ્ટ્રનો આ ભાગ હજુ આઝાદીનો સૂરજ જોઈ શક્યો ન હતો. આ નવાબોના શહેરએ 9 નવેમ્બર, 1947ના દિવસે આઝાદી મેળવી, જેન આપણે જૂનાગઢના નામથી ઓળખીએ છીએ. સૌરાષ્ટ્રનો આ મહત્વનો જિલ્લો છે. જોકે અહીંની લોકસભા બેઠક બે જિલ્લામાં વેચાયેલી છે, જેમાં જૂનાગઢ ઉપરાંત ગીર-સોમનાથનો પણ સમાવેશ થાય છે.
કસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ ગુજરાતની તમામ 26 બેઠક પર મતદાન છે ત્યારે જૂનાગઢમાં પરિવર્તન થશે કે પછી પુનરાર્વતન તે વિશે ચર્ચાઓ થઈ રહી છે.
જૂનાગઢમાં ભાજપના વર્તમાન સાંસદ રાજેશ ચૂડાસમાને ભાજપે ટિકિટ આપી છે. બે ટર્મથી રાજેશ ચૂડાસમા વિજયી થયા છે. ચૂડાસમા કોળી સમાજમાંથી આવે છે, જેના અહીં 3 લાખ કરતા વધારે મત છે. જોકે ચૂડાસમાનું નામ વેરાવળના ખ્યાતનામ ડોક્ટર અતુલ ચગની આત્મહત્યામાં સંડોવાતા તેમને ટિકિટ આપવી કે નહીં તે અંગે અવઢવ હતી, પરંતુ અંતે ભાજપે તેમને જ ટિકિટ જાહેર કરી.
આપણ વાંચો: લોકસભા ચૂંટણી 2024ની પ્રક્રિયા વચ્ચે ગુજરાતમાં 35 IPSની બઢતી-બદલીના આદેશ
ચૂડાસમા સામે સ્થાનિકોની નારાજગી છે. વિકાસના કામ ન થાય હોવાનો અને સાંસદનો પ્રજા સાથેનો નાતો મજબૂત ન હોવાનું કહેવાય છે. ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા તેમની વ્હારે આવે તો તેમને ફાયદો થાય તેમ છે.
જ્યારે બીજી બાજુ કૉંગ્રેસે આહિર અગ્રણી હીરાભાઈ જોટવાને ટિકિટ આપી છે. હીરાભાઈ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કૉંગ્રેસનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. ખમતીધર મનાતા હીરાભાઈ શિક્ષણ ક્ષેત્રે પણ સક્રિય છે. અહીં આહીર સમાજના લગભગ 1.40 લાખ જેટલા મત છે.
શું છે જ્ઞાતિના સમીકરણો
જૂનાગઢની પ્રજા મુખ્યત્વે ખેતી પર નભેલી છે અને અહીંનો ગ્રામ્ય કે શહેરી વર્ગ જ્ઞાતિના ગણિતમાં બંધાતો નથી. અહીં તમામ વર્ગ કે જ્ઞાતિના પ્રતિનિધિઓ ચૂંટાઈ આવ્યા છે. આંકડાવાર વાત કરીએ તો કોળી 3 લાખ, લેઉઆ પટેલ 2 લાખ, મુસ્લિમ 2 લાખ, દલિત 1.70, આહીર 1.42 લાખ, કારડીયા રાજપૂત 1 લાખ, પ્રજાપતિ, રબારી, બ્રાહ્મણ વગેરે સમાજ 50થી 60,000નો મતદારવર્ગ ધરાવે છે. ચૂડાસમા કોળી સમાજમાંથી આવે છે અને તેનો ફાયદો તેને મળશે, પરંતુ દલિત અને મુસ્લિમો કૉંગ્રેસની વૉટબેંક છે. આ સાથે ક્ષત્રિય સમાજના આંદોલન અને કારડીયાને ભાજપે ટિકિટ ન આપી હોવાથી સમાજ થોડો નારાજ હોવાનું કહેવાય છે. આ જોતા જો સારું મતદાન થાય તો પુનરાર્તનને બદલે પરિવર્તન થઈ શકે છે.
શું છે લોકોનો મિજાજ
જૂનાગઢમાં કુલ 18 લાખ મતદાર છે. હાલમાં આ મતદારવર્ગ શુષ્ક કે નિષ્ક્રિય લાગી રહ્યો છે. અહીંના રાજકીય નિષ્ણાતોની વાત માનીએ તો ખેતી પર નભતા આ વર્ગને સ્થાનિક પ્રશ્ર્નો ઉકેલવામાં આવે તેમાં રસ છે, આથી રાષ્ટ્રીય મુદ્દાઓ અહીં મહત્વના રહેતા નથી. ખાસ કરીને કેરી અને નાળિયેરીનું મબલખ ઉત્પાદન કરતા આ વિસ્તારમાં જોઈએ તેવી સુવિધાઓ નથી. કોકોનેટ બોર્ડ ઊભું કરવામાં આવ્યું છે, પરંતુ તેનો કોઈ ફાયદો ખેડૂતો સુધી પહોંચતો નથી.
ધારીથી લઈને જૂગાઢ વચ્ચે 11 રેલવે ફાટક છે જેને બંધ કરવાની માગણી સંતોષાઈ નથી. આ સાથે જૂનાગઢ નગરપાલિકામાં ભાજપના 54 કોપોર્રેટર છે, પરંતુ સ્થાનિક સમસ્યાઓ તરફ આંખ આડા કાન કરવામાં આવે છે અને શહેરના પાયાના પ્રશ્નો ઉકેલાતા ન હોવાથી શેહરી પ્રજા પણ નારાજ છે. પાણી અને સિંચાઈના પ્રશ્નો છે, દરિયાઈ પટ્ટીમાં રહેતા લોકો અને માછીમારોના પ્રશ્નો છે. આ સાથે છેલ્લા કેટલાય વર્ષોથી અહીં કોઈ મોટો ઉદ્યોગ આવ્યો નથી આથી શિક્ષિત યુવાનોએ ફરજિયાપણે મોટા શહેરો તરફ નજર માંડવી પડે છે.
શું છે હાલની રાજકીય સ્થિતિ
જૂનાગઢ લોકસભામાં આવતી વિધાનસભાની વાત કરીએ સાત વિધાનસભામાં પાંચમાં ભાજપના વિધાનસભ્યો છે, જેમાં ઉના, કોડીનાર, તાલાલા, માંગરોળ અને જૂનાગઢનો સમાવેશ થાય છે. જ્યારે વિસાવદરમાં આમ આદમી પક્ષના ઉમેદવાર ચૂંટાયા હતા, પરંતુ તેમણે રાજીનામું આપતા આ બેઠક ખાલી છે જ્યારે સોમનાથમાં કૉંગ્રેસના વિધાનસભ્ય છે.
આ સાથે વડા પ્રધાન મોદીની લોકપ્રિયતા અને અહીં આવેલી હૉસ્પિટલ વગેરે ભાજપ તરફી મતદાન માટે કારણભૂત બની શકે છે. જો સ્થાનિક પ્રશ્નો રાષ્ટ્રીય મુદ્દાઓ પર હાવી થાય તો પરિણામ ચોંકાવનારા પણ આવી શકે. આ બેઠક પર કૉંગ્રેસ અને ભાજપને પ્રતિનિધિત્વ મળતું રહે છે. એક જ પક્ષને વારંવાર વધાવે તેવી આ બેઠક નથી. જોકે છેલ્લી બે ટર્મથી ગુજરાતની તમામ બેઠક ભાજપને ફાળે જ જાય છે ત્યારે હવે હેટ્રિક મારશે કે નહીં તે જોવાનું રહ્યું.
આ લોકસભા બેઠકના કૉંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ મુંબઈ સમાચાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં જ્ઞાતિ કે અન્ય કોઈ બાબતો મહત્વની નથી. અહીંની પ્રજા વિચારશીલ છે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ શોધે છે. અહીં ખેતીથી માંડી શિક્ષણના પ્રશ્નો છે. નવા રોજગાર-ઉદ્યોગ નથી અને સ્થાનિક સાંસદ લોકો વચ્ચે આવતા નથી, તેમ તેમણે જણાવ્યું હતું. આ મામલે ભાજપના ઉમેદવારનો સંપર્ક થયો ન હતો.