મહારાષ્ટ્રમાં બીજા તબક્કાની 8 બેઠકો પર કેટલા નોમિનેશન ગેરલાયક ઠર્યા?
352 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકસભાની આઠ બેઠકો માટે બીજા તબક્કામાં 26 એપ્રિલે મતદાન થવાનું છે. અહીં તપાસમાં 299 ઉમેદવારોના નામાંકન માન્ય જણાયા છે. આ માહિતી અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. આ આઠ બેઠકો રાજ્યના વિદર્ભ ક્ષેત્રની બુલઢાણા, અકોલા, અમરાવતી, વર્ધા, યવતમાલ-વાશિમ અને મરાઠવાડાના હિંગોલી, નાંદેડ અને પરભણી છે. નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 8 એપ્રિલ છે.
અધિકારીએ જણાવ્યું હતું કે આઠ બેઠકો પર 352 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા આ માહિતી શેર કરવામાં આવી છે. બુલઢાણામાં 25, અકોલામાં 17, અમરાવતીમાં 56, વર્ધામાં 26, યવતમાલ-વાશિમમાં 20, હિંગોલીમાં 48, નાંદેડમાં 66 અને પરભણીમાં 41 ઉમેદવારોએ નોમિનેશન દાખલ કર્યા હતા.
આપણ વાંચો: લોકસભા ચૂંટણીઃ રામટેકથી પીએમ મોદી મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારના કરશે શ્રીગણેશ
ત્રણ બેઠકો પર શિવસેના અને શિવસેના-યુબીટી આમને-સામને
હિંગોલી, યવતમાળ-વાશિમ અને બુલઢાણામાં મુખ્યપ્રધાન એકનાથ શિંદેની શિવસેના અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટી) વચ્ચે સીધો મુકાબલો છે, જેમાં મુખ્ય લડાઈ બુલઢાણામાં શિવસેનાના વર્તમાન સાંસદ પ્રતાપરાવ જાધવ શિવસેના યુબીટીના નરેન્દ્ર ખેડેકર વચ્ચે જોવા મળશે. યવતમાળ-વાશિમમાં શિવસેનાના રાજશ્રી પાટીલ અને શિવસેનાના યુબીટીના સંજય દેશમુખ વચ્ચે જ્યારે હિંગોલીમાં શિવસેનાના બાબુરાવ કોહલી અને શિવસેના-યુબીટીના નરેશ અષ્ટિકર વચ્ચે જંગ છે.
નવનીત રાણાની સીટ પર ત્રિકોણી મુકાબલો
અમરાવતીમાં સાંસદ નવનીત રાણા, કોંગ્રેસના બળવંત વાનખેડે અને વંચિત બહુજન અઘાડીના આનંદરાજ આંબેડકર વચ્ચે ચૂંટણીનો ત્રિપાંખિયો જંગ થશે. વર્ધામાં એનસીપીના શરદચંદ્ર પવારના અમર કાળેનો મુકાબલો ભાજપના વર્તમાન સાંસદ રામદાસ તડસ સાથે થશે. અકોલામાં ભાજપના અનુપ ધોત્રે, કોંગ્રેસના અભય પાટીલ અને વંચિત બહુજન અઘાડીના અધ્યક્ષ પ્રકાશ આંબેડકર વચ્ચે ત્રિકોણી મુકાબલો છે.
નાંદેડ બેઠક પર કોંગ્રેસના વસંત ચવ્હાણનો સામનો સાંસદ પ્રતાપ ચિખલીકર સાથે થશે. પરભણીમાં રાષ્ટ્રીય સમાજ પક્ષના પ્રમુખ મહાદેવ જાનકર અને શિવસેના-યુબીટીના સંજય જાધવ વચ્ચે મુખ્ય મુકાબલો છે.