આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

મતદાન માટે શહેરમાં પોલીસની જડબેસલાક સુરક્ષાવ્યવસ્થા

8,088 જણ સામે પ્રતિબંધાત્મક કાર્યવાહી: મતદાન કેન્દ્ર નજીક અને અંદર મોબાઈલના ઉપયોગ પર મનાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કાના મતદાનને ધ્યાનમાં રાખી મુંબઈ પોલીસે શહેરમાં જડબેસલાક સુરક્ષાવ્યવસ્થા ગોઠવી દીધી છે. મતદાન દરમિયાન કોઈ વિઘ્ન ન આવે તે માટે પોલીસ દ્વારા 8,088 જણ સામે પ્રતિબંધાત્મક કાર્યવાહી કરવામાં આવી છે તો મતદાન કેન્દ્ર નજીક અને અંદર મોબાઈલ ફોનના ઉપયોગ પર મનાઈ ફરમાવવામાં આવી છે.
મુંબઈમાં લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કામાં સોમવારે મતદાન થવાનું છે.

મતદાને વિના વિઘ્ન પાર પડે તે માટે પોલીસે શનિવારથી જ શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસ કમિશનર અને સ્પેશિયલ પોલીસ કમિશનરના માર્ગદર્શન અને જૉઈન્ટ પોલીસ કમિશનર (લૉ ઍન્ડ ઑર્ડર)ની દેખરેખ હેઠળ સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.

મુંબઈ પોલીસ દળમાંથી પાંચ એડિશનલ પોલીસ કમિશનર, પચીસ ડેપ્યુટી પોલીસ કમિશનર અને 77 આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સુરક્ષા માટે ખડેપગે રહેશે. મહત્ત્વનાં મતદાન કેન્દ્રોની સુરક્ષા માટે વધારાના પોલીસ દળ અને હોમગાર્ડ તેમ જ કેન્દ્ર સુરક્ષા દળોની મદદ લેવામાં આવી છે.

આ પણ વાંચો: મતદાનના ડેટામાં વિલંબ અંગેની ADRની અરજી પર સુપ્રીમે EC પાસે માગ્યો જવાબ

શહેરમાં 2,752 પોલીસ અધિકારી, 27,460 પોલીસ કર્મચારી, 6,200 હોમગાર્ડ, રાયટ ક્ધટ્રોલ પોલીસ (આરસીપી)ની ત્રણ ટુકડી, કેન્દ્રીય સુરક્ષા દળની 36 ટુકડી ઠેકઠેકાણે તહેનાત કરી દેવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
ચૂંટણી આચારસંહિતા લાગુ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં પોલીસે વિવિધ કાયદા હેઠળ 8,088 જણ સામે પ્રતિબંધાત્મક કાર્યવાહી કરી છે. ચૂંટણી મુક્ત અને નિષ્પક્ષ થાય તે માટે આ પગલાં લેવામાં આવ્યાં હોવાનું કહેવાય છે.

પોલીસે મતદારોને અપીલ કરી છે કે પોલીસ દ્વારા જારી કરાયેલા આદેશનું પાલન કરી સહકાર આપવો. એક આદેશ મુજબ મતદાન કેન્દ્રના 100 મીટરના પરિઘમાં અને મતદાન કેન્દ્રની અંદર મોબાઈલ ફોન કે અન્ય ગેઝેટ્સનો ઉપયોગ કરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button