વાદ પ્રતિવાદ

ઈન્સાનની બાહ્ય અને આંતરિક રચના: વાહરે કુદરત, તુને કિયા કમાલ

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

સૃષ્ટિના મહાન સર્જનહાર એવા વણદેખા રબે માણસના શરીરની અદ્ભુત રચના કરી છે. શરીરના આંતરિક અંગ-ઉપાંગો દિવસ-રાત અવિરત વિવિધ કામગીરી બજાવતા રહે છે અને અવયવોની આ કામગીરીને લીધે જ માણસ તંદુરસ્ત રહે છે. આ ૨૪ કલાક ચાલતા શરીરચક્રની તેજ રફતાર પર રબનો બંદો કદી નિરાંત જીવે વિચારે છે ખરો? પવિત્ર કુરાનમાં જગતકર્તાએ વારંવાર ફરમાવ્યું છે કે, તમે મારી નિશાનીઓ પર વિચારતા કેમ નથી? અગર તમે દુનિયાની જંજાળમાં ગળાડૂબ થઈ જઈ, મેં સર્જન કરેલી વસ્તુઓ પર ચિંતન-મનન નહીં કરો તો અંત: કશું પામી શકવાના નથી. માટે દુન્યવી માથાકૂટને એક બાજુ મૂકી માત્ર ૩૦ મિનિટ પણ મારી ખીલ્કતની કમાલ પર મંથન કરી અહેસાસ-અનુભૂતિ કરશો તો મારી કુદરતના કમાલથી પ્રભાવિત થઈ, કદી મારાથી અળગા નહીં રહો અને મને જ વળગીને રહેશો. અરબી શબ્દમાં જેને ‘ઈસ્તેકામત્’ કહેવાય છે, એ મુજબ મારાથી ક્યારેય અળગા રહેવાનું વિચારશો નહીં.

આજના પ્રસ્તુત લેખમાં કુદરતની કમાલને ઉજાગર કરતા ૨૪ કલાક સતત કાર્યરત રહેતા આપણા શરીરના કારખાનાના કેટલાક પૂરજા-અવયવોનું કાર્યક્ષેત્ર જોઈએ:
પ્રથમ આંખ સંબંધી જાણીએ: સવારે ઉઠતાંની સાથે જ આંખ મારફત માનવીને આસપાસના વાતાવરણનું જ્ઞાન થવા લાગે છે. સામાન્ય માણસ એક મિનિટમાં ૧૨ વખત પાંપણ ખોલબંધ કરે છે અને જો માણસ ૧૫ કલાક જાગે તો ૧૧,૫૨૦ વખત આંખ પટપટાવતો રહે છે. આંખો જે કંઈ જુએ છે તેનો સંદેશો મગજને પહોંચાડે છે. માનવીની આંખમાં ‘રોડ’ અને ‘ક્રોન’ નામના બે પ્રકારના કોષો (ઈયહહત) આવેલા છે. ઝળહળતા પ્રકાશમાં વિવિધ રંગો ઓળખવાની કામગીરી ક્રોન સેલ્સ કરે છે. જ્યારે ઝાંખા પ્રકાશમાં કાળા તથા સફેદ રંગના રોડ સેલ્સ ઓળખી કાઢે છે. માણસ સૂઈ જાય છે ત્યારે આંખ પણ આરામ કરે છે, પરંતુ તદ્ન સુસ્ત તો નથી જ રહેતી. બંધ આંખની અંદર ડોળાઓ ગોળગોળ ફરતા જ હોય છે, જેને રેપીડ આઈ મુવમેન્ટ એટલે કે ‘આંખની તેજ રફ્તાર’ કહેવાય છે. જો કે આ કામગીરીનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

હવે કાન સંબંધી કુદરતની કમાલને જાણીએ: સામાન્ય માનવીના કાન ૪૦,૦૦૦ અવાજો ઓળખી શકે છે. કોઈપણ જાતના ડરામણા અવાજને તે તરત જ ઓળખી કાઢે છે. રાત્રિ દરમિયાન પણ કાન સજાગ હોય છે. શરીરનું સમતોલન જાળવવામાં પણ કાન ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. કાનના અંદરના ભાગ વાળથી ઢંકાયેલા હોય છે તથા તેમાં પ્રવાહી ભળેલું હોય છે. અલ્લાહતઆલાએ આંખ તથા કાનને તેની દિવ્ય કિતાબ કુરાન કરીમમાં ઘણું મહત્ત્વ આપેલ છે, જેમ કે- ‘વલ્લાહો અખ્રજકુમ્ મિમ્બોતૂને ઉમ્મહાતેકુમ્ લાતઅલમૂન શય્અ વજઅલ્ લકો મુસ્સમ્અ વલ્ અબ્સાર વલ્ અફએદત લઅલ્લકુમ્ તશ્કોરૂન.’ (૧૬:૧૮).
ઉપરોક્ત આયતમાં ત્રણ શબ્દ નીચે અંડરલાઈન છે, જેનો અર્થ કાન, આંખ તથા ઝમીર એટલે કે દિલ-હૃદય થાય છે. આ ત્રણે અવયવો જ ૨૪ કલાક ચાલતા શરીરચક્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આંખ જોઈને અને કાન અવાજ સાંભળીને ભયને ઓળખી લે છે અને એ રીતે શરીરનું રક્ષણ કરે છે. જ્યારે ઝમીર (દિલ-હૃદય) સાચું શું અને ખોટું શું છે, તેનો ભેદ પારખવાની શક્તિ પ્રદાન કરે છે, જેથી માણસ ખોટાને છોડી સાચા તરફ ધસે અને પોતાની જાતને નુકસાનીથી બચાવી શકે.

એ જ પ્રમાણે મગજની ક્રિયાઓમાં પણ અલ્લાહે અદ્ભુત સર્જી છે તે જોઈએ: જન્મ સમયે છોકરી કરતાં છોકરાના મગજનું વજન ૧૧ થી ૧૨ ટકા જેટલું વધારે હોય છે. સ્ત્રી કરતાં પુરુષનું માથું બે ટકા જેટલું મોટું હોય છે. યુવાની સુધી મગજ વિકસતું જ રહે છે. મગજની અંદર હજારો વાહિનીઓ એકબીજા સાથે જોડાયેલી હોય છે જે આંખ, કાન, નાક તથા ચામડી (સ્કિન) મારફત મળતા સંદેશાના વહનને ઝીલે છે. આ ઉપરાંત માણસના શરીરમાં સીરકેડીયન નામક એક તાલબદ્ધ ઘડિયાળ આવેલું છે જેનું સંચાલન મગજના તળીએ રહેલું હાયપોથેલેમસ કરે છે. આ ઘડિયાળ અર્ધજાગૃત કે આળસ અને જાગૃત અવસ્થાનું સંચાલન કરે છે. મગજની આ કામગીરી ૨૪ કલાક ચાલે જ છે અને શરીરને ઊંઘની જરૂર ક્યારે છે તેની પૂરી માહિતી રાખે છે. સાંજે શરીરનું તાપમાન ઘટે છે અને સાથે જાગૃત રાખતા હોર્મોનનું પ્રમાણ પણ ધીમું પડે છે એટલે સાંજે માણસ થાક અનુભવે છે. માણસ સૂતો હોઈ ત્યારે પણ મગજના પાંચ પ્રકારના કાર્ય ચાલુ જ હોય છે, જેમાં રેપીડ આઈ મુવમેન્ટનો પણ સમાવેશ થાય છે. આ તબક્કામાં સ્વપ્ન તથા દિવસ દરમિયાન બનેલી ઘટનાઓ સ્વપ્નરૂપે આવે છે. તે ઉપરાંત શરીરમાં થયેલ આંતરિક ભાંગફોડનું સમારકામ માનવી ઊંઘતો હોય ત્યારે થાય છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે અલ્લાહની રહીમી (દયાદૃષ્ટિ) તથા કરીમી (ઉદારદિલી) કેટલો તેના બંદાનો ખ્યાલ રાખી રહ્યો છે! પરંતુ અફસોસ! નગુણો બંદો રબનો જોઈએ તેટલો આભાર પ્રદર્શિત કરતો નથી. ઉપરોક્ત અરબી આયતમાં અલ્લાહે બંદા પાસે આભારનો જ આગ્રહ સેવ્યો છે – શુક્રિયાનો જ ડિમાન્ડ કરેલ છે. બીજા કશાનો નહીં.

કુદરતની આવી તો અનેક કમાલો છે, પરંતુ આપણે તેની બીજી બે-ત્રણ કમાલો પૈકી હૃદય, આંગળાના નિશાન જેને ફિંગરપ્રિન્ટ કહે છે તે અને હઝરત ઈમામ જાફરે સાદિક (રદ્યિતઆલા અન્હો) શરીરને નિરોગી રાખતા શાકભાજી તથા ફળોના ગુણ સંબંધી ઉમ્મતિઓને જે જાણકારી આપી છે તે વિશે આવતા અંકમાં માહિતી મેળવી જ્ઞાનમાં વૃદ્ધિ કરીશું.


હિદાયત
સૌથી હલકુ ઇલ્મ (જ્ઞાન) એ છે કે જે માત્ર જીભ ઉપર રહી જાય અને સારું ઇલ્મ એ છે કે જે માનવીના અંગો પરથી પ્રદર્શિત થાય.


માનસિક રીતે શુકુન મેળવવા, શાંતિ અને આનંદી જીવન ગાળવા અને આખેરત સુધારવા ઇસ્લામે ઉમ્મતિઓને જે શીખામણો આપી છે તેની એક ઝલક આ સાત નસીહત પરથી જાણો:-
૧. શીર્કનો ગુનો કદી કરશો નહીં અને અલ્લાહ સિવાય કોઈથી ડરશો નહીં.

૨. દુ:ખ અને અશાંતિ નકારાત્મક વિચારો કરવાથી જ અનુભવાય છે એટલે જે સ્થિતિમાં રબ રાખે તેને હસતા મોઢે કબૂલ રાખો.

૩. ઉડાવ નહીં, પરંતુ ઉદાર બનો. કંજૂસ-લોભી માણસ હંમેશાં દુ:ખી રહે છે.

૪. સુખ માત્ર માલોદૌલત, સત્તા અને નામના મેળવી લેવામાં શોધવાની કોશિશ કરશો નહીં. સાચું અને સનાતન સુખ તંદુરસ્તીમાં સમાયેલું છે. અક્કલમંદીના વિચારો અને કર્મમાં-અમલમાં છે.
૫. એક હાથે આપો તો બીજા હાથે મળે એ નિયમને અનુસરશો તો પણ સફળતા અને શાંતિ હાંસલ કરી શકશો.

૬. માણસનું કામ માત્ર પ્રયત્ન કરવાનું છે. ફળ અને પરિણામ અલ્લાહની મરજી પ્રમાણે પ્રાપ્ત થાય છે. જ્યારે પરિણામ માનવીની મરજી મુજબ મળવાનું ન હોય છતાં ફિકર-ચિંતા કરે તો તે અક્કલમંદીમાં નથી.
૭. એક મોમિન એટલે કે સાચા મુસલમાન બંદાની ખરી ઓળખ એ છે કે તે યોગ્ય દિશામાં પરિશ્રમ કરે, અલ્લાહે આપેલ માલને મધ્યમ માર્ગથી ખર્ચ કરે, કુરાન, શરિયત અને હદીસની આજ્ઞાઓનું પાલન કરી તે ઉપર અમલ કરે.


શું તમે જાણો છો?
પવિત્ર કુરાનમાં ‘અલ્લાહ’ શબ્દ લગભગ ૨૫૮૪ વખત આવે છે.


જન્મદિને કબ્રસ્તાન
એ પોતાના જન્મદિને દરેક વખતે કબ્રસ્તાનના દિદાર (દર્શન) કરી આવતો હતો કારણ કે એ માનતો હતો કે પ્રત્યેક વર્ષનો જન્મદિન અહીંયા જલદી પહોંચાડવા માટે જ નિર્મિત થયો છે.

હસવું કે રડવું?
પોતાના જ ઘરમાં રહેતા માણસને નહીં ઓળખી શકતો માણસ જ્યારે અલ્લાહને ઓળખવા નીકળે છે ત્યારે એની વિચિત્ર મનોવૃત્તિ પર હસવું આવી જાય છે.

સાપ્તાહિક સંદેશ:
એક પિતા માટે પોતાની ઔલાદને આપવા માટે જો કોઈ મહામૂલી-અમૂલ્ય ભેટ હોય તો તે

  • ઈલ્મ (બોધ, જ્ઞાન)
  • તાલીમ (શિક્ષણ)
  • સદ્વર્તન અને
  • તરબીયત (શિક્ષિત કરતા સંસ્કાર) છે.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…