વાદ પ્રતિવાદ

ઈલ્મોજ્ઞાન સાથેનું મૌત જિંદગી: મૃત્યુ મારફત નવા જીવન તરફ પ્રયાણ

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

અમિરૂલ મુઅમિનીન હઝરત અલી સાહેબ એક ખુત્બા (ધાર્મિક પ્રવચન)માં ફરમાવે છે કે, ‘તમારામાંથી જે મરણ પામ્યા છે, તેમણે જે નજરે જોયું છે તે તમે પણ જોતે તો ગભરાઈ ઉઠત તથા ભયભિત અને વિહવળ બની જાત, તેમજ હક (અધિકાશ; સત્ય)ની વાત સાંભળત અને પાલન પણ કરત, પણ તેમણે જે નજરોનજર જોયું છે એ હજુ તમારી નિગાહો (દૃષ્ટિ)થી છાનું છે-છૂપું છે.

‘-પણ એ વખત દૂર નથી કે તેના પરથી ચિલમન (પરદો) ઉઠાવી લેવામાં આવે.

‘-અગર તમે સત્ય જોનારી આંખો અને સત્ય સાંભળનાર કાનો ધરાવો છો તો તમને દેખાડી અને સંભળાવી દેવામાં આવ્યું છે.

‘-અને અગર હિદાયત (ધર્મની સાચી સમજ)ની તલન (ઈચ્છા) ધરાવો છો તો તમને હિદાયત (માર્ગદર્શન, આદેશ) અપાઈ ચૂકી છે.

‘હું સાચેસાચું કહું છું કે ઈબ્રત (સમજ) તમને બુલંદ સાદે (મોટા અવાજે) પડકારી ચૂકી છે તથા ધમકાવનારી ચીજોથી તમને ધમકી અપાઈ ચૂકી છે. આસમાની રસૂલો (ફરિસ્તાઓ) બાદ બશર (ઈન્સાની રૂપમાં પયગંબરો) જ એવી હસ્તિઓ છે, જે તમને અલ્લાહનો સંદેશ પહોંચાડે છે…!’ (હવાલો: નહેજુલ લલગાહ).

ઈસ્લામી કાયદા-કાનૂન-નિયમોને જાણનાર એક મુફતી સાહેબને કોઈએ પ્રશ્ર્ન પૂછ્યો કે- ‘આ દુનિયામાં સૌથી નિશ્ર્ચિંત કે જે કદી મિથ્યા થયું નથી તે તત્ત્વ કયું છે?’

શરીઅતના તલસ્પર્શી અભ્યાસી એવા મુફતી સાહેબે ઠંડે કલેજે ઉત્તર આપ્યો કે- ‘મૃત્યુ?’

એ શખસે ફરી પ્રશ્ર્ન કર્યો કે- ‘સૌથી અનિશ્ર્ચિત તત્ત્વ કયું છે?’

‘-મૃત્યુ; કારણ કે તે ક્યારે આવી પહોંચશે તેની ખબર કોઈને પણ નથી અને એટલે જ મૌત સંપૂર્ણપણે નિશ્ર્ચિંત છે’ મુફતી સાહેબે જવાબ આપ્યો.

આ કટારને નિયમિત વાચતા કોમ-ભાઈબંધ કોમના જિજ્ઞાસુ, શ્રદ્ધાળુ વાચક મિત્રો! મનુષ્ય જ્યારથી સમજતો થાય છે ત્યારથી તે એટલું સત્ય તો સ્વીકારતો થાય છે કે મૌત સચ્ચાઈ છે અને મૌતથી જીવમાત્ર અળગો રહી શકશે નહીં: જે આવ્યો તેને એકને એક દિવસ પાછા ફરવાનું નિશ્ર્ચિંત જ છે. આમ છતાં નામે મનુષ્યજાત તેનાથી ભાગતો ફરે છે. તેના ગાત્રો થિજી જતા હોય છે. માણસે મૌતનો એટલો તો ડર કેળવ્યો છે કે ખુદ મૃત્યુ કરતા તેની સંભાવના (પોસિબ્લિટી)થી થરથરી ઊઠે છે, કાંપે છે, બેબાકળો બની જાય છે.

ત્વારિખ ગવાહ છે કે હઝરત આદમ અલયહિ સલ્લામ અગાઉ પણ આ દુનિયા મૌજૂદ હતી, તેનું અસતિત્ત્વ હતું. તે સમયે એમ કહેવાય છે કે, મૃત્યુનું નામ કોઈએ સાંભળ્યું પણ નહોતું બલકે મૌત હતું જ નહીં. તે સમયની મખ્લુક (પ્રજા) જેમાં જીન તથા મનુષ્યજાત મુખ્ય હતા તેઓ સતત એકધારા જીવીજીવીને એટલા બધા કંટાળી ગયેલા કે થાક તથા કંટાળાને જીરવી નહીં શકવાથી તેમના ખાલિક (સર્જક; સર્જનહાર) પાસે નવું જીવન માગ્યું. આ નવા જીવનનો અર્થ વર્તમાન એટલે કે ચાલી રહેલા જીવનથી છુટકારો. સર્જનહાર (બનાવવાવાળાએ) દુઆ કબૂલ કરી અને જૂના જીવનથી મખ્લુક (સૃષ્ટિ)ને મુક્ત કરવાની જવાબદારી તેણે મલેકુલ મૌત નામના ફરિશ્તાને સોંપી હોય તો જરા પણ નવાઈ પામવા જેવું નથી. કારણ અલ્લાહપાક તો હઝરત આદમ અલયહિ સલ્લામ (અર્થ: આપના પર અલ્લાહ તરફથી સલામતી, શાંતિ રહે) આલમે વજુદ (સૃષ્ટિ પર અસ્તિત્વ)માં આવ્યા તેના અગાઉ પણ હતો, આજે પણ છે અને કયામત પછી પણ ખુદાતઆલાનું અસ્તિત્ત્વ બાકી રહેવાનો છે અને તેની સાથે તેની ઈતાઅત (આજ્ઞાપાલન) કરનાર ફરિશ્તાઓ પણ હતા, છે અને બાકી રહેવાના.

જીવનનો અંત એટલે અલ્લાતઆલાએ નીમેલા ફરિશ્તાની આંગળી પકડી નવા જીવન તરફ આગેકૂચ. બાળક જે રીતે માતાની આંગળી પકડીને બેધડક આગળ વધે છે તેમ નવા જીવન તરફ જવા માટે મૌત એક આંગળી છે, પરંતુ આ આંગળી પકડવાની ક્ષણે માણસ ગભરાટ, બેચેની કેમ અનુભવે છે? જ્યારે કે મૌતના ફરિશ્તાએ આંગળી આગળ ધરી જ દીધી છે એ સત્ય જાણી ગયા પછી પણ ઈન્સાન તેની આંગળી હિંમતથી પકડીને નવા જીવન તરફ પ્રયાણ કરવાને બદલે તે આંગળીને હડસેલવા તરફડિયાં કેમ મારે છે? આનું કારણ અજ્ઞાનતા તથા હકીકી ઈલ્મ (વાસ્તવિક જ્ઞાન)નો અભાવ જ છે.

ઈસ્લામની તાલીમ અનુસાર મૌતમાં તો એક પ્રકારની મજા, ઝાએકા (લિઝઝત) છે. આ સ્વાદ હોઠથી ગળા સુધીનો જ નથી પણ રૂહની પાકિઝગી સાથે સીધો સંકળાયેલો છે. હદીસ શરીફ (આચરણ, કથનો, વાક્યો)માં છે કે, ‘જિંદગી દરમિયાનની બેખબરી મૌત જ છે જ્યારે ઈલ્મ (જ્ઞાન) સાથેનું મૌત જિંદગી છે.’ આ હદીસ શરીફના બોધને સાવ સરળ રીતે સમજવો હોય તો જીવનને કશા પણ અર્થ વગર વેડફી નાખવાને બદલે ઈન્સાનને આ દુનિયામાં ખલ્ક (પેદા) કરવાનો પરવરદિગારે આલમનો મકસદ (હેતુ) અર્થાત્ મકસદે ખિલ્કત (પરપસ ઑફ ક્રિએશન) શું છે તેનું ચિંતન કરતા રહી બેખબરી દૂર કરી ઈલ્મો યકીનો (વિશ્ર્વાસપૂર્વકના જ્ઞાન) અને અમલ સાથે જીવન વિતાવે તો મૃત્યુ મારફત નવા જીવન તરફ પ્રયાણ કરતા સમયે તરફડિયાં મારવાનો કે બેબાકળા થઈ જવાનો સમય નહીં આવે. કુરાન પાકમાં આ વિશે જે બોધ આપવામાં આવ્યો છે તેને હજુ ઊંડાણપૂર્વક સમજવા આત્મજ્ઞાન હાંસલ કરવા દુનિયાની દરેક ભાષામાં મળતા આ પવિત્ર કિતાબનું વાંચન કરો.


પ્રલયનું કારણ
ઘણા વખત પહેલાની આ વાત છે. ઈસ્લામી હુકુમત (સત્તા)નો એ શાનદાર યુગ હતો. એવા એક રાજ્યના કસ્બામાં મૌલવી અબ્બાસ બગદાદી પોતાના કેટલાક શિષ્યોને અભ્યાસ કરાવી રહ્યા હતા.
શિષ્યોનું શિક્ષણ ક્યાં સુધી આગળ વધ્યું છે એ જાણવાની ઈચ્છાથી એક વખત મૌલવી અબ્બાસે શિષ્યોને પૂછ્યું કે, “પુત્રો, શું તમે પ્રલયનું કારણ કહી શકશો?’

બધા શિષ્યો એક બીજાની સામે જોવા લાગ્યા ને ખૂબ વિચારીને એક શિષ્યે કહ્યું, ‘મૌલવી સાહેબ, મને તો લાગે છે કે, જ્યારે અલ્લાહની નજરમાં માનવીના અસંખ્ય અપરાધ જણાઈ આવે છે ત્યારે આ પૃથ્વીનો પ્રલય છે.

‘હવે તું કહે…’ મૌલવી અબ્બાસે બીજા એક શિષ્યને ઉદ્દેશીને કહ્યું.

‘મૌલવી સાહેબ, જ્યારે માનવીના જુલ્મો વધી જાય છે ને ધરતી તેનો ભાર ઝીલી શકતી નથી ત્યારે અલ્લાહ પ્રલય દ્વારા એ પાપ ધોઈ નાખે છે.’

ત્રીજા શિષ્યે કહ્યું, ના એમ નથી. અને તો લાગે છે કે, ગરીબ માણસની લાચારીનું એકાદ આંસુ જ આ પ્રલયનું મોટું કારણ છે.’

-મૌલવી અબ્બાસ બગદાદી શિષ્યનો આ જવાબ સાંભળી સહમત થયા.

બોધ:
યુક્રેન-રશિયા, ઈઝરાયલ-પેલેસ્ટાઈન યુદ્ધ. જાપાનમાં ભૂકંપ, દુનિયા આખીમાં અરાજકતા શું સૂચેવે છે? આ સનાતન સત્યના બોધને ગ્રહણ કરવાનો સમયનો તકાજો.

સાપ્તાહિક સંદેશ:
જે કુટુંબમાં દરેક જણ ઘરનો વડીલ થવાની ઈચ્છા રાખે છે, તે કુટુંબ દુ:ખી થાય છે અને જે રાષ્ટ્રમાં બધા લોકો નેતા બની બેસે છે તે રાષ્ટ્રનો પણ નાશ થાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
…તો 160થી શરૂ થશે Mobile Number! ડેટ નાઈટ પર જોવા મળ્યા વિરાટ અને અનુષ્કા, તસવીરો સામે આવી આ છે IPL-Final’sમાં Lowest Score બનાવનાર ટીમો… Anant-Radhika પ્રિ-વેડિંગ ફંક્શન માટે ઉપડ્યા આ Celebs…