ઉત્સવ

નિત નાહવા જાય, પણ મન ચોખ્ખું મળે નહીં, એ ચોખ્ખો તો ન કહેવાય, સાચું સોરઠિયો ભણે

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

સોરઠ પ્રદેશના વૈભવનું વર્ણન અનેક સિદ્ધહસ્ત કલમથી થયું છે. સોરઠો અથવા સોરઠિયા દુહા એ વૈભવનો જ હિસ્સો છે. સાચું સોરઠિયો ભણે શૈલીમાં રજૂ થયેલા દુહામાં જીવન પર એવો સરસ પ્રકાશ ફેંકવામાં આવ્યો છે કે મનનો અંધકાર દૂર થઈ જાય. સારે સગા થાય, ગરીબીમાં કોઈ ગણે નહીં, એને ફાલતુ જાણ. સાચું સોરઠિયો ભણે. આ સમાજનો જ શું કામ, આ દુનિયાનો નિયમ છે કે તમારો સારો સમય હોય, તમારી પાસે સુખ સાહ્યબી હોય ત્યારે તમારી આસપાસ લોકો મધમાખી જેમ મધની ફરતે જોવા મળે એમ તમારી આસપાસ મંડરાતા રહે છે. જો કોઈ કારણસર તમારી સંપત્તિ ચાલી ગઈ તો સતત તમને ઘેરાઈને રહેતા લોકો અચાનક એવા ગાયબ થઈ જાય કે શોધ્યા જડે નહીં. આવા લોકો સાવ નકામા – ફાલતુ હોય છે એ સમજણ આ સુભાષિત દ્વારા અમલ છે. માનવ સ્વભાવનું પ્રતિબિંબ દેખાડતો દુહો છે કે નિત નિત નાહવા જાય, પણ મન ચોખ્ખું મળે નહીં, એ ચોખ્ખો ન કહેવાય, સાચું સોરઠિયો ભણે. ગંદકી બે પ્રકારની હોય: શરીરની અને મનની. દિવસ દરમિયાન વારંવાર નાહવાથી કે પાણી રેડવાથી શરીર પરની ગંદકી તો સહેલાઈથી દૂર કરી શકાય છે, મિટાવી શકાય છે. પણ મનના મેલનું શું? કોઈ વિશે ખરાબ વિચાર કે કપટની ભાવના, અનીતિ આચરવાનો વિચાર જે સંઘરે છે એ માણસ ચોખ્ખો ન કહેવાય. મનના મેલા હોય એનું શરીર ભલે ને ગમે એટલું ચોખ્ખું કેમ ન હોય, એ નિર્મળ તો ન જ કહેવાય. મનુષ્યના આચાર – વિચારનું મહત્ત્વ અહીં ઊંચું આંકવામાં આવ્યું છે. ગયા સપ્તાહમાં આ કોલમમાં માણસના સ્વભાવનું દર્શન કરાવતી કવિ શ્રી દલપતરામની પંક્તિઓનો આસ્વાદ માણ્યો હતો. સ્વભાવનું મહત્ત્વ સમજાવતું સુભાષિત છે: ઔષધ કર્યા અનેક, વિધિએ વિવિધ રોગના, ઓસડ સ્વભાવનું નહીં એક, સાચું સોરઠિયો ભણે. માથું દુખતું હોય એની દવા અલગ. પેટની તકલીફ કે શરદી – ઉધરસની દવા નોખી નોખી, પણ મનુષ્ય સ્વભાવનું કોઈ ઓસડ યાને કે ઔષધ નથી બન્યું. ટૂંકમાં સ્વભાવ પડી ગયો હોય એ દૂર નથી થતો. ધન – સંપત્તિ અને મનુષ્ય મનના સ્વભાવની ચંચળતા કે અવસ્થા સાથે સીધો સંબંધ હોય છે. લોભને થોભ ન હોય એ કહેવત ખૂબ મૂડી મેળવ્યા પછી પણ અસંતોષી જીવનું પ્રતિબિંબ છે. ઘણા ધનથી શ્રીમંત પણ મનથી ગરીબ હોય છે જે ઘરમાં ધન અપાર, ગરીબાઈ ગાતો ફરે, ધૂળ પડી ઈ ધનમાં, સાચું સોરઠિયો ભણે સુભાષિતમાં સુપેરે વ્યક્ત થાય છે. છતી મૂડીએ અછતની રોકકળ કરતાં લોકોના ધનમાં ધૂળ પડી એટલે કે એવું ધન વ્યર્થ છે એમ કહેવાયું છે. સંસારમાં એવા કેટલાક લોકો હોય છે જે મબલક કમાઈ લેવામાં માનતા હોય છે, પણ એમાંથી રતીભાર ખર્ચવાની વાત આવે તો તેમને આકરું લાગે છે. આવું સંઘરેલું નાણું ક્યારેક બીજાના હાથમાં જતું રહે છે, ખબર પણ નથી પડતી. ઢગલે ધન કમાય, સંઘરે પણ ખરચે નહીં, તે પરને હાથ જાય, સાચું સોરઠિયો ભણે. સંગ્રહ અને સંગ્રહખોરી વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે.

ENGLISH – ગુજરાતી

લિપિ અને બારાખડી ભાષાને અલગ પાડે છે. અંગ્રેજી – ગુજરાતીની વાત કરીએ તો letter – word અક્ષર – શબ્દ બને પણ અંગ્રેજીમાં Earth જે ભાવાર્થ ધરાવે છે એ જ અર્થ પૃથ્વી સાથે સંકળાયેલો છે. બંને ભાષાની સામ્ય ધરાવતી કહેવતો જોઈએ. An uninvited guest is like a straw. સ્ટ્રો એટલે સૂકું ઘાસ કે તણખલું યાને કે તુચ્છ પદાર્થ. વણબોલાવ્યા મહેમાનને આવકાર નથી મળતો એ એનો ભાવાર્થ છે. આ કહેવત ગુજરાતીમાં અણબોલાવ્યું બોલે ને તણખલાને તોલે તરીકે જાણીતી છે. ભાવાર્થ બરાબર જળવાયો છે. આ કહેવત શેઠ આવ્યા છે તો નાખો વખારે તરીકે પણ જાણીતી છે. વધારાની વસ્તુ અથવા ખપ ન હોય એ માલ વખારમાં મૂકી દેવામાં કે ભરી દેવામાં આવતી હોય છે. અંગ્રેજીમાં એક રૂઢિપ્રયોગ છે False promises – જૂઠા વચન એવો એનો શબ્દાર્થ છે. આ પ્રયોગ ગુજરાતીમાં સાવ નવું સ્વરૂપ ધારણ કરે છે અગસ્ત્યના વાયદા. આ રૂઢિપ્રયોગ પાછળની કથા મજેદાર છે. અગસ્ત્ય ઋષિ મહાજ્ઞાની હતી. વિંધ્ય પર્વતની પેલે પાર ઉત્તર પ્રદેશમાં આશ્રમ બાંધીને રહેતા હતા  દક્ષિણ ભારતના લોકોમાં સંસ્કૃતિ, શિક્ષણ અને જ્ઞાન પ્રસરે તેવા વિચારે ઋષિએ દક્ષિણમાં યાત્રા કરવાનો નિશ્ચય કર્યો, પણ વચ્ચે વિંધ્ય પર્વત આવતો હતો. પોતે પાછા ન ફરે ત્યાં સુધી પર્વતને ઊંચે નહીં વધવા ઋષિએ વિનંતી કરી. વિંધ્ય પર્વતે ઋષિની વિનંતી માન્ય રાખી અને ઊંચે નહીં વધવાનું વચન આપ્યું. જોકે અગસ્ત્ય મુનિ ફરી વિંધ્ય ઓળંગી ઉત્તર પ્રદેશમાં પાછા ફર્યા નહીં અને તેમના પાછલા જીવનમાં દક્ષિણમાં જ રહ્યાં. ઋષિ પાછા ફર્યા નહીં તેથી હજી સુધી વિંધ્ય પર્વત ઊંચો નથી થઈ શક્યો. તેણે ઋષિની પાછા ફરવાની રાહ જોઈ પણ ઋષિ પાછા ફર્યા જ નહીં. આ ઘટનાને અગસ્ત્યના વાયદા કહેવામાં આવે છે. આપણે કોઈ વાયદો કરીને તેને પાળીએ નહીં, તેને અગસ્ત્યના વાયદા કહેવામાં આવે છે. કેટલીક અંગ્રેજી કહેવતો એવી છે જેના શબ્દ દેહ અલગ અલગ હોય પણ ભાવાર્થ એક જ હોય. જેમ કે 1) As the tree is, so is the fruit. 2) As we think, so we speak. 3) As you sow, so you will reap. 4) Speech is the image of action. ઉદાહરણ પરથી સ્પષ્ટ સમજાય છે કે ચારેય કહેવતનો ભાવ એકસમાન છે. આ ચારેય માટે ગુજરાતીમાં એક જ કહેવત છે કે અન્ન તેવો ઓડકાર. તુલનાત્મક કહેવત જોઈએ. One man’s food is another man’s poison. આ કહેવત ગુજરાતીમાં અફીણનો કીડો સાકરમાં ન જીવે તરીકે પ્રસિદ્ધ છે.

गुजराती कहावत हिंदी में

સફળતા પચાવવી અઘરી હોય છે અને નિષ્ફળતા સ્વીકારવી મુશ્કેલ હોય છે. નિષ્ફળતા માટે બહાના તૈયાર કરવામાં મગજ ગજબનું દોડતું હોય છે. કલ્પનામાં ન હોય એવું કારણ શોધી કાઢવામાં આવે છે. ચાલતા કે દોડતા જો અચાનક લપસી પડ્યા તો કહે દેવને નમસ્કાર. લપસી પડવાની નિષ્ફળતા ઢાંકવા ભગવાનને નમન કરવા વાળ્યો એવું બહાનું કાઢવામાં આવતું હોય છે. કહેવતનો ભાવાર્થ જાળવી એ હિન્દીમાં फिसल पड़े कि हर गंगे સ્વરૂપમાં નજરે પડે છે. મોરના ઈંડાં ચીતરવા ન પડે કહેવત તમે જાણતા જ હશો. જોકે, વિચારશીલ લોકોએ આ કહેવત ઢેલના ઈંડાં ચીતરવા ન પડે એમ હોવી જોઈએ એવો આગ્રહ રાખ્યો છે. મોર – ઢેલનો વિવાદ બાજુએ રાખી એનો ભાવાર્થ સમજીએ – અમુક પિતા કે પરિવારનું સંતાન એક હદ સુધી ઘડાયેલું હોય જ. આ કહેવત હિન્દીમાં मछली के बच्चे को तैरना कौन सिखाता है? તરીકે નજરે પડે છે. માછલીના બચ્ચાને તરતા શીખવવું ન પડે. એનામાં જન્મજાત ગુણ હોય અને કોઈ પણ તાલીમ વિના એ તરવા લાગે. પ્રેમ ના જાણે જાત પાત – બે દિલ જ્ઞાતિ પૂછીને એક નથી થતા. આ ભાવ દર્શાવતી મજાની કહેવત છે કે રાજાને ગમી તે રાણી ને છાણાં વીણતી આણી. સામાન્ય કુળની અને ગમાણમાંથી છાણ એકઠું કરી છાણાં થાપતી સ્ત્રી હોય પણ જો એ રાજાને ગમી ગઈ હોય તો બીજું બધું બાજુ પર રહે અને એ રાજરાણી બની જાય છે. જ્યાં મન મળે છે અથવા મન માને છે ત્યાં નાત, જાત, કુળ કે દરજ્જો જોવાતા નથી. સામાન્ય રીતે આ કહેવત કોઈ મોટી વ્યક્તિ કોઈ સામાન્ય લાગતી ચીજ અથવા વ્યક્તિની પસંદગી કરે ત્યારે વપરાય છે. આ કહેવત હિન્દીમાં इश्क लगा मेढ़की से, पदमणी क्या चीज़ है? બની જાય છે. અહીં દેડકી જે દેખાવે કદરૂપી હોય છે અને પદમણી એટલે નાજુક બાંધો ધરાવતી સ્ત્રી એવા બે છેડાના રૂપકથી બનાવર્થ સ્પષ્ટ કરવામાં આવ્યો છે.

मनी वसे ते स्वप्नी दिसे

શાળામાં ભણતા બાળકોને ક્યારેક એવું શીખવવામાં આવે છે જે કાચી ઉંમરે પલ્લે ન પડે, પણ ઉમર વધતા સમજણના વિસ્તાર સાથે એનો અર્થ સમજાય. मनी वसे ते स्वप्नी दिसे એવી જ એક કહેવત છે. જગતમાં સૌથી વધુ ઝડપી શું? તો એનો જવાબ છે માનવીનું મન. એક ક્ષણે મુંબઈના એક ખૂણામાં ફરતું મન બીજી જ ક્ષણે યુએસ – યુકે કે પછી એન્ટાર્કટિકા પહોંચતા વાર નથી લાગતી. મનની જે લાક્ષણિકતા છે એમાંની એક છે સપનાં. કેટલાક સ્વપ્ન સાકાર થાય, કેટલાક અધૂરા રહી જાય તો કેટલાક અસંભવ પણ હોય. જોકે, સપનાં જોવા દરેકને ગમતા હોય છે. ભારતના માજી રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામે કહ્યું હતું કે ‘ઊંઘી ગયા પછી જે દેખાય એ સપનાં નહીં, પણ જે બાબત તમને ઊંઘવા ન દે એ સપનાં કહેવાય.’ સપનાંને વાસ્તવિક બનાવવાની કોશિશ કરતી વખતે મનનો કબજો એ સપનાં લઈ લે છે. પરિણામે ઉઘાડી આંખે પણ સપનાં નજર સામે તરવરવા લાગે છે. એ સપનું કઈ રીતે સાકાર કરવુંથી લઈને એ સાકાર કઈ રીતે થશે એના સપનાં પણ આવવા લાગે છે. મનોવૈજ્ઞાનિકની ભાષામાં કહીએ તો તમારા ‘સબ કોન્શિયસ માઇન્ડ’ (અર્ધ જાગૃત મન)માં જે ધરબાઈ પડ્યું હોય એ નજર સામે સતત તરવરતું રહે. આટલું વાંચ્યા પછી તમને આને સમાનાર્થી કહેવત ‘હૈયે હોય એ હોઠે આવે’ યાદ જરૂર આવી હશે. ભાષાનું આ સામર્થ્ય છે કે જીવનની સંકુલ (કોમ્લેક્સ) વાત પણ સાદી સરળ વાણીમાં સમજાવી દે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…