Top Newsનેશનલ

અરવલ્લીમાં નવા ખનન પર સંપૂર્ણ પ્રતિબંધ: કેન્દ્રએ રાજ્યોને આપ્યા કડક આદેશ

દેશની સૌથી પ્રાચીન પર્વતમાળા એવી અરવલ્લીને આડેધડ ખનન અને વિનાશમાંથી બચાવવા માટે કેન્દ્ર સરકારે કમર કસી છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે એક મહત્વપૂર્ણ એડવાઈઝરી જારી કરીને ગુજરાતથી લઈને દિલ્હી સુધી ફેલાયેલી આ આખી પર્વતમાળામાં નવા ખનન (Mining) પર રોક લગાવી દીધી છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય કુદરતી સંસાધનોનું જતન કરવાનો અને રણના વિસ્તારને આગળ વધતો અટકાવવાનો છે. દિલ્હી-એનસીઆરની હવાને શુદ્ધ રાખવા અને ભૂગર્ભ જળના સ્તરને ટકાવી રાખવા માટે આ પર્વતમાળાનું અસ્તિત્વ અનિવાર્ય છે.

કેન્દ્ર સરકારના નવા નિર્દેશો અનુસાર, હવે અરવલ્લીના કોઈપણ વિસ્તારમાં નવી માઈનિંગ લીઝ આપવામાં આવશે નહીં. છેલ્લા ઘણા સમયથી વધી રહેલા ગેરકાયદે ખનનને કારણે પહાડોનું અસ્તિત્વ જોખમમાં હતું, જેને જોતા આ કડક નિર્ણય લેવાયો છે. સરકાર ઈચ્છે છે કે અરવલ્લી તેની મૂળભૂત સંરચનામાં જળવાઈ રહે. આ પ્રતિબંધ માત્ર રાજસ્થાન કે હરિયાણા પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમગ્ર અરવલ્લી શ્રૃંખલા પર એકસમાન રીતે લાગુ કરવામાં આવ્યો છે, જેથી પર્યાવરણને થતું નુકસાન અટકાવી શકાય.

પર્યાવરણ મંત્રાલયે ‘ઈન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન’ (ICFRE) ને ખાસ જવાબદારી સોંપી છે. આ સંસ્થા હવે અરવલ્લીમાં એવા વધારાના વિસ્તારોની ઓળખ કરશે જ્યાં ખનન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની જરૂર છે. આ કામગીરી ઇકોલોજી અને ભૂસ્તરશાસ્ત્રના આધારે કરવામાં આવશે. વધુમાં, ICFRE દ્વારા એક વ્યાપક ‘સસ્ટેનેબલ માઈનિંગ મેનેજમેન્ટ પ્લાન’ (MPSM) પણ તૈયાર કરવામાં આવશે, જેમાં પર્યાવરણ પર પડતી અસરોનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવામાં આવશે.

જે વિસ્તારોમાં અત્યારે ખનન કાર્ય ચાલુ છે, ત્યાં પણ હવે નિયમો વધુ કડક બનશે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને સૂચના આપી છે કે સુપ્રીમ કોર્ટના આદેશોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવે. ચાલુ ખાણોમાં પર્યાવરણીય નિયમોના કોઈપણ ઉલ્લંઘન બદલ કડક પગલા લેવામાં આવશે. સસ્ટેનેબલ માઈનિંગના સિદ્ધાંતોનું પાલન કરવું હવે દરેક ખનન સંચાલક માટે ફરજિયાત રહેશે, જેથી ચાલી રહેલી પ્રવૃત્તિઓથી આસપાસની જૈવવિવિધતાને કોઈ આંચ ન આવે.

આપણ વાંચો:  મહાગઠબંધનની બેઠકોની વહેંચણીનો ફોર્મ્યુલા નક્કી થયો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button