નેશનલ

મણિપુરમાંથી રાષ્ટ્રપતિ શાસન હટ્યું, એનડીએએ સરકાર બનાવવાનો કર્યો દાવો…

નવી દિલ્હીઃ પુર્વોતરના રાજ્ય મણિપુરમાં લગભગ એક વર્ષ બાદ રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવામાં આવ્યું છે. રાજ્યપાલ અજય કુમાર ભલ્લાની ભલામણ બાદ રાષ્ટ્રપતિએ આ અંગેનો આદેશ જારી કર્યો છે. આ સાથે જ રાજ્યમાં નવી સરકારની રચનાનો માર્ગ મોકળો થયો છે. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA) એ રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે.

NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયેલા વાય. ખેમચંદ સિંહ આજે એટલે કે 4 ફેબ્રુઆરી 2026, બુધવારના રોજ સાંજે 6 વાગ્યે મણિપુરના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે. આ શપથ ગ્રહણ સમારોહ ઇમ્ફાલ સ્થિત ‘લોક ભવન’ ખાતે યોજાશે. ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા આ હિંસાથી ભડકે બળતા રાજ્યમાં ફેબ્રુઆરી 2025થી રાષ્ટ્રપતિ શાસન અમલમાં હતું.

મંગળવારે નવી દિલ્હીમાં મળેલી બેઠકમાં ખેમચંદ સિંહને ભાજપ અને ત્યારબાદ NDA ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમની સાથે નાગા અને કુકી સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા નેમચા કિપગેન અને લોસી દિખો ડેપ્યુટી સીએમ તરીકે શપથ લે તેવી શક્યતા છે. મુખ્ય પ્રધાન સહિત કુલ પાંચ ધારાસભ્યો પ્રધાન પદના શપથ લેશે તેવી માહિતી પક્ષના સૂત્રો દ્વારા આપવામાં આવી છે.

નવી સરકારની રચનામાં વિવિધ સમુદાયોને સ્થાન આપીને રાજ્યમાં શાંતિ અને સ્થિરતા સ્થાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રાજ્યપાલને મળેલા પ્રતિનિધિમંડળમાં કુકી-જો બહુલ ધરાવતા ચુરાચાંદપુર અને ફેરઝોલ જિલ્લાના ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે, જે રાજ્યના બદલાતા રાજકીય સમીકરણો સૂચવે છે.

આપણ વાંચો:  જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને મળી મોટી સફળતા, ઉધમપુરમાં બે આતંકી ઠાર

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button