તરોતાઝા

સરનામા વગરની સ્ત્રી

ટૂંકી વાર્તા – યોગેશ પંડ્યા

નવેમ્બરનો સૂરજ બરાબર માથા ઉપર આવ્યો હતો. હવા અહીંયા પાતળી પડી ગઈ હતી.
ગૌતમેશ્વર હજી ઘણું ઊંચું હતું. મહાદેવજીના દર્શન એમ ઈઝી નહોતા. થાક લાગ્યો હતો અને શરીર પાણી પાણી થઈ ગયું હતું. અજય પગથિયાં ચડતાં ચડતાં પાળી પર બેસી ગયો કે ઓચિંતા જ બાજુમાંથી કોઈ કોયલ ટહુકી ઊઠી “સર,પાણી આપું?”

અજયે ચમકીને જોયું. તો, રૂપનું એક લીલુંછમ્મ ઝાડ બાજુમાં જ ખીલ્યું હતું.
અજય એકધારી નજરથી તાકી રહ્યો એ અજનબી યુવતીના રૂપ- લાવણ્યને! અલબત્ત, યુવતીના ચહેરા ઉપર શરમ તરવરી ઊઠી. શરમાઈ જવા જેવી નજર તો અજયની હતી જ. હસી પડી.. આ એક અજયની હસ્તરેખાની અંદર ઉપસેલા શુક્રના પર્વતની ક્રેડિટ હતી. એટલે તો મોટે ભાગે છોકરીઓ પતંગિયા જેમ તેની આસપાસ ઘૂમતી હતી. અહીં છોકરીની કાયાના કામણની વાત કરવી કે અજયના શરીર સૌષ્ઠવની? મુંઝાઈ જવાય.

પણ બન્ને પરફેક્ટ હતાં.
ઓહ...!' તો અજયે કહ્યું:હા, તરસ ખરેખર લાગી જ છે.’
કોયલે બોતલ લંબાવી. પાણી પીને બોતલ પાછી આવતા અજય મુશ્કુરાયો: “થેન્ક યૂ નહીં કહું મેડમ! `થેન્ક યૂ’ થી બિનઅપેક્ષિત છો. બટ આઈ વોન્ટ યોર ઈન્ટ્રો. આર યુ ફ્રોમ?…’

પ્રશ્ન પડતો મૂકીને પોતે કહી જ દીધું: આઈ સેલ્ફ અજયસિંહ. નેટિવ દિલ્હી. બટ નાઉ બરોડા ગુજરાત.' આય’મ આરતી’ એ રણઝણી જાણે ગૌતમેશ્વર મંદિર ઉપરની ઝાલર રણઝણી ઊઠી.

અજયે કહ્યું: આઈએમઅલોન. બટ યુ આર?' આય’મ ટુ અલોન.’ આરતી એ જવાબ વાળ્યો. અજય પાળી ઉપરથી ઊભો થયો. અંગડાઈ લીધી. બોલ્યો: `વેરી ગુડ. વી આર મીટ ઈચ અધર. સાચ્ચુંને?’ જવાબમાં આરતી શરમાઈ ગઈ. અજય બોલ્યો: “આરતી, મને ફરવાનો શોખ છે. ફરી લઉં છું. મિલિટ્રીમાં અફસર છું પણ જીવ તો મારો પ્રવાસીનો. જીપ્સી બનીને પતંગિયાની જેમ ઊડવું, નિર્બંધ આકાશમાં, બગીચામાં, ધરતી પર, વન-વગડામાં જંગલમાં, ખીણમાં, પરબતોમાં…”

કવિ થયા હોત તો પાંચમાં પુછાતા હોત.' આરતી ખણખણી. થેન્ક યુ. પણ પ્રોફેસર થવા માટેનો શોખ ખૂબ હતો. પણ ન તો પીએચડી પૂરું કરી શકાયું કે ન તો યુજીસીની એકઝામ પાસ કરી શક્યો.’
... હેન્ડસમ તો છો જ; નિખાલસ પણ છો...' આરતી હસી પડી. કારતકની હવા આરતીની ઓઢણી સાથે અડપલું કરી જતી હતી. ગૌતમેશ્વરના દર્શન કરી બન્ને પાછા વળી રહ્યાં હતાં. અજયે આરતીનો હાથ હાથમાં લીધો. આરતીને કદાચ ગમ્યું. અજયે કહ્યું:ક્ષણો પહેલા સાવ અજાણ્યા, પલમાં થઈ ગયા ચિરપરિચિત. આપ મળ્યા જન્નત મળ્યું, મારી જિંદગીનું કેવું સુંદર નિમિત્ત? સાચ્ચે જ આરતી, મારું દિલ તૃપ્ત થઈ ગયું. ખૂબ મજા આવી. થાય છે કે, બસ… આમ જ ચાલ્યા કરીએ… તારો સ્પર્શ મારી રક્તવાહિનીઓને શાતા આપે છે. ઝંકૃત કરે છે.’
ગોખેલા શબ્દો ધારી અસર ઉપજાવી શકતા નથી અજય...' આરતી… અજયનો સ્વર લથડી ગયો: “આર્મી મેન કદી કોઈનો વિશ્વાસઘાત કરતો નથી કોઈની રૂહ સાથે રમત રમતો નથી. એને કદી ગોખેલા શબ્દ બોલતા નથી આવડતું કારણ કે એ યુદ્ધનું નાટક નથી કરતો, પણ ફેફસાફાડ યુદ્ધ જ કરી જાણે છે. એની જીભાનમાં સચ્ચાઈ અને તાકાત હોય છે. જાનફેસાની ઈમોશન્સ છલકતી હોય છે…”

અરે... અરે... અરે...' આરતીએ તેનો હાથ સામેથી હાથમાં લઈ લીધો:બસ બસ આર્મી મેન. પારખું થઈ ગયું બસ, શાંત થાવ.’
સામે રૂપમતી નદી વહી રહી હતી સૂરજ ડૂબી ચૂક્યો હતો. સાંજ ખીલી ઊઠી હતી. માત્ર એક જ દિવસના સહવાસમાં અજય આરતીમય થઈ ગયો હતો.
નદી કાંઠે દુર્ગામાતાના મંદિરમાં આરતી શરૂ થઈ. અન્ય પ્રવાસીઓ મંદિર તરફ ચાલતા થયા “આરતી…” નદીના પ્રવાહ તરફ આંગળી ચીંધીને અજય બોલ્યો: “આરતી, આપણી જિંદગી નદીના પ્રવાહ જેવી છે. એ ક્યાંથી નીકળે છે? ક્યાં જાય છે? કશી ખબર પડતી નથી બસ, એમ જ સ્ત્રી પણ આ નદીના પ્રવાહ જેવી હોય છે.” પરંતુ તું કોઈ અલગ જ છે. તું ક્યાંની છે. કેટલું ભણી છે. તારા જીવનને ઉદૃેશ શું છે? તારી હોબી, તારા આનંદ, અવસાદ, દુ:ખ અને સુખ… આ બધી હકીકત તેં કહી. તું બહુ નિખાલસ સ્ત્રી છે. સ્ત્રી આટલી બધી બ્રોડ બની શકતી નથી. પણ તું અલગ છો. અલગ માટીની! મેં તો પહેલા તને કહી દીધું હતું. મારી કિતાબના પાનાં મેં તો પહેલા જ ખોલી નાખ્યાં હતાં, તો ચાલને, આપણે આ ડૂબતી સાંજે એકમેકના સાથી બનવાના સોગંદ લઈ લઈએ. હવે હું તારા વગરની જિંદગી કલ્પી શકતો નથી.”

પણ આરતી કશું બોલી નહીં. અજય તેની ઊડતી કાળી ભમ્મર ઝૂલ્ફોમાં ખોવાતો ગયો…
હોટલ એપોલોના રૂમ નંબર 307માં અજય ઊતર્યો હતો. ચારસો આઠમા જ આરતી હતી. અજયે કહ્યું: `પ્લીઝ આરતી, હવે સાથે જીવવા મરવાના સોગંદ લઈ લીધા છે તો પછી આજની રાત આ તારી કાળા ભમ્મર વાળની ગેસૂઓમાં સૂઈ જવા દે ને! પ્લીઝ, ટ્રસ્ટ મી આઈ વીલ નોટ ઈ વન ટચ યૂ…’
આરતી કશું બોલી નહીં.

રાતનું રોમન્ટિક વેધર એપોલો ઉપર ઊતરી ચૂક્યું હતું. ઠંડી સારી એવી હતી. અજય સ્વેટર રૂમની બહાર પોર્ચમાં ઊભો હતો એકલો! પણ આરતી હજી એના કમરામાં હતી. અજય ઘડીભર તેના બારણે ઊભો રહ્યો. અંદર ખળભળતી લાગણી અને આંગળીઓ વાટે છલકાઈ ઊઠી: દરવાજો ખટખટાવ્યો. આરતીએ બ્લેન્કેટ ઓઢીનો બારણું ખોલ્યું.
બહાર નહીં આવો?' અજયે આછાં સ્મિત અને થોડા ડરની લાગણી સાથે કહ્યું:આઈ મીન, આટલી સરસ ઠંડી છે. એને લૂંટવાની પણ લ્હેજત છે. અલબત્ત જોકે, તમને ડિસ્ટર્બ કર્યા પણ’
ડોન્ટ માઈન્ડ, બી પ્લેઝર.' આરતી હસીને બહાર આવી. બન્નેે ઊભા રહ્યાં. અજયે સિગારેટ કાઢી: ઈફ યુ ડોન્ટ માઈન્ડ મે આઈ સ્મોકિંગ?’
ગમે છે, અજય ગમે છે. કોઈ પુરુષને સિગારેટ પીતો જોવો ગમે છે. આ લાઈક મચ' તો તો તમે પણ પીતા હશો શાયદ, ઈફ યુ વોન્ટ?’
`નો, નાઉ સ્ટોપ. પહેલા પીતી હતી.’

રાત ગુજરતી રહી. બન્ને ઊભાં રહ્યાં હતાં. પછી જુદાં પડ્યાં.
માંડવગઢનું મ્યુઝિમય એક ઐતિહાસિક પર્યટન પ્લેસ હતું. તે બન્ને મ્યુઝિયમના ઈતિહાસને આંખો ભરીને માણી રહ્યાં: વર્ષો જૂની પ્રતિમાઓ, મૂર્તિઓ ગાઈડ બન્નેને બતાવતો હતો. આ મૂર્તિ છે લગભગ તેરમી સદીની. પણ હજી એવી જ છે અને પેલી મૂર્તિ છે એક દેવલોકની અપ્સરા મંદાકિનીની. ઈન્દ્રએ શાપ આપેલો: કારણ કે, દેવલોક ઈન્દ્રના દરબારમાં નૃત્યોત્સવ પ્રસંગે તે એક દેવ સામે હસી પડેલી અને પછી ધરતી પર પટકાયેલી. એક મનોરમ્ય કલ્પના એ શિલ્પીના ટેરવાં. કેવી કલાકૃતિ નીપજાવી શકે છે?

અજયે આરતીને કહ્યું: એક્સક્યુઝ મી, તમે જરા તેની પાસે ઊભા રહો તો, એક ...ફોટોગ્રાફ પ્લીઝ. એક યાદગીરી બની રહેશે.' આરતી સ્મિત કરીને ઊભી રહી ગઈ. અજયે ઝૂમલેન્સ બહાર કાઢ્યો અને તસવીર ખેંચી. લેન્સ આડેનું કચકડું સરખું કરતા અજય કહે:ખબર નહોતી પડતી કે, સુંદરતાની તુલનામાં પેલું શિલ્પ ચડી ગયું કે તમે?…’

આરતી હસી પણ પછી ગંભીર બની ગઈ! એક મૂર્તિ આગળ ગાઈડ અટકી ગયો. અજય આરતીની પાછળ પાછળ ચાલતો હતો. આરતી અટકી ગઈ: “આ મૂર્તી…” ગાઈડે કહ્યું: ” આ પ્રતિમા પિંગલાની છે. ભરથરીની પિંગલા.” ગાઈડ હસ્યો: “અને સામે જે સંન્યાસી છે તે રાજા ભર્તહરિ છે. એ રાજા નથી પણ સાધુ છે. વખત વખતની વાત છે સર…” ગાઈડે આરતી અને અજયને વારાફરતી જોઈ લીધા અને કહ્યું: `જિંદગીમાં કોણ ક્યારે પ્રવેશી જાય છે અને કોણ ક્યારે છૂટી જાય છે તેતો ફક્ત સમયની જ બલિહારી છે. વૃક્ષો ઉપર ફૂટેલાં અંકુર પાનખરમાં ખરી જાય છે પ્રવેશવું અને છૂટવું એ કુદરતનો ક્રમ છે. ઘણીવાર તો કોઈ માત્ર પાંપણના પલકારો જેટલા સમયમાં આવે છે અને પછી ક્યાંય ગુમ થઈ જાય છે.વિશ્વાસ પ્રેમનો શ્વાસ છે, ભરથરીનો પિંગલા ઉપર ગાંડો પ્રેમ હતો. એટલે હદ સુધી કે એને મળેલું અમરફળ એણે પિંગલાને આપી દીધું હતું. એ એમ માનતો હતો પિંગલા જેવી સ્વરૂપવાન સ્ત્રી અમર થઈ જાય, પણ પિંગલાએ તો અમર ફળ અશ્વપાલને આપી દીધું હતું. અંતે ં ફરતું ફરતું એ જ ફળ અશ્વપાલ પાસેથી એક ગણિકા પાસે અને ગણિકા પાસેથી પાછું રાજા ભરથરી પાસે પાછું ફર્યું ત્યારે ભરથરીને થયું કે હું જેને પ્રેમ માનતો હતો એ તો એક ફરેબ હતું અને ભરથરીના દિલના અંદરના મ્યુઝિમમાં રાખેલી પિંગલાની મૂર્તિ તે ક્ષણે ખંડિત બની ચૂરચૂર થઈ ગઈ અને તેણે સંન્યાસ લઈ લીધો. આ સમયનો તકાજો છે.’

આરતીએ નિ:શ્વાસ નાખ્યો: તેનો ઊષ્ણ ઉષ્ણ ઉચ્છ્વાસ અજયને સ્પશર્યા. ગાઈડ આગળ ચાલ્યો: ” આ મૂર્તિ ખંડિત છે તે યક્ષિણી છે ખંડિત થયા પછી અહીં મ્યુઝિયમમાં રાખવામાં આવતી નથી. પણ તેના યક્ષ પ્રત્યેના પ્રેમને ખાતર આ મૂર્તિ રાખવામાં આવી છે. પ્રેમ કદી મરતો નથી. પ્રેમ શાશ્વત છે. એ અહીં હશે તો પ્રેમની કવિતા જીવંત રહેશે. તમારી બન્નેની વચ્ચે પણ…” ગાઈડે આરતીને કહ્યું: “બહનજી, આપકે ઔર સાહબ કે બીચ ઐસા હી મહકતા પ્યાર જિંદગી કે અંત તક બરકરાર રહે. આજ પહેલી બાર ઈક ઐસા પતિ- પત્ની કા જોડા દેખ રહા હું, વો મુઝે દિલ સે ભા ગયા..”

` અરે પણ…’ અજય કંઈક બોલવો જતો હતો. પણ આરતીએ તેનો હાથ પકડી રાખ્યો…
રાત પડી ચૂકી હતી. આવતી કાલે સવારમાં અનારબાગ અને લાયનપાર્ક જોઈને છુટ્ટા પડવાનું હતું , પણ અજયને જરૂર એમ કહેવાનું મન થઈ આવ્યું કે “ચાલને આરતી, હવે ક્યાં આપણે અજાણ્યાં છીએ? આજે મારા રૂમમાં આવી જાને હવે તો આપણો જનમજનમનો નાતો છે.” પરંતુ કહી ન શક્યો. યોગ્ય ન લાગ્યું. પણ આખી રાત આરતીના વિચારમાં જ ડૂબેલો રહ્યો. છેક મોડી રાત્રે ઊંઘ આવી હશે… તે સવારે ઊઠ્યો ત્યારે આઠ વાગી ચૂક્યા હતા.

ઓહ ... આરતી મારી રાહ જોતી હશે!' ઝટપટ તૈયાર થઈને બહાર આવ્યો. તો આરતીની રૂમે તાળું હતું તેને થયું: આરતી ક્યાં ગઈ હશે? કલાક, બે કલાક, ત્રણ કલાક...તે વ્યાકુળ થઈ ગયો રાહ જોવામાં જ, પણ આરતી આવી નહીં. એ નીચે ગયો, તો મેનેજર તેને બોલાવ્યો:સર, રૂમ નં 408વાળા મેડમ આપને માટે આ પરબીડિયું આપી ગયાં છે.’
અજયે પરબીડિયું ફોડ્યું. પણ એમાં એક ચિઠ્ઠી હતી. અજયે વાંચવા માંડ્યું. એમાં લખ્યું હતું:
માય ડીયર અજય,
“આ ચિઠ્ઠી મળશે ત્યારે હું તારાથી ઘણી દૂર નીકળી ગઈ હોઈશ. મારી જિંદગીના પથ ઉપર તું એક લીલુછમ્મ ઝાડવું બનીને ઊભો રહ્યો, તો, તારા છાંયડે બે દિવસ ગાળવાથી હું તૃપ્ત તૃપ્ત થઈ ગઈ. પણ એ ઝાડ પર માળો બાંધી શકવા જેટલી સમર્થ નહોતી. આજે મ્યુઝિયમમાં ગાઈડે આપણને ખંડિત મૂર્તિ બતાવી હતી યાદ છે?

-તો હું પણ એક એવી ખંડિત મૂર્તિ જ છું એટલે હું તારા દિલના પવિત્ર મ્યુઝિયમમાં રહેવા માટે લાયક રહી નથી. એની પાછળ પણ પુુરુષ જાત જ છે. પણ તું એ જમાતનો નથી.
તું તો અસીમ પ્યારથી છલકતો પુુરુષ છો.
તું મને ચાહે છે, પણ હું તને ચાહતી હોવા છતાં, દગો દેવા માગતી નહોતી.

આરતી મારું સાચું નામ નથી અને મારું સરનામું? ઉફ્ફ! હું તો સરનામાં વગરની સ્ત્રી છું જેની પાછળ તું હવે ભટક્તો નહીં. પણ હું ઈચ્છું કે તું સારું પાત્ર શોધીને પરણી જઈશ. તને ખૂબ સુંદર અને સમજણી છોકરી મળશે એવી મારી દુઆ છે કારણ કે તું તનથી ભલે આર્મીમેન હો, પણ મનથી ફૂલ કરતાંય કોમળ છે અને એ કોમળતાને ઝીલવા અને જીતવા માટે કોઈ સંવેદનશીલ સ્ત્રી જ તારે માટે યોગ્ય છે. જે દિવસે હું જાણીશ, તે દિવસે મને ખુશી થશે કે તારી સાથે કોઈ તનમનથી જોડાયું છે. બેસ્ટ લાઈફ ફોર એવર યોર,…પણ લિખિતંગ એક સરનામા વગરની સ્ત્રી ઉર્ફે તારી આરતી!”

  • ચિઠ્ઠી વાંચીને અજયના દિલની દૌલત લૂંટાઈ ગઈ. પહેલો જ પ્રેમમાં તે જાણે ફનાહ થઈ ગયો. એ બેસી પડતાં બબડી ઊઠ્યો: અરે પગલી, હું બીજા પુરુષ જેવો નથી, તું ખંડિત હોય તો શું થયું? ગમે તેવી હો પણ તું જ હો. મને તું ગમે તે સ્વરૂપે સ્વીકાર્ય જ છે. કમસે કમ એક ઔર પુરુષને તેં અજમાવી જોયો હોત તો?' અને તેની આંખો છલકાઈ વળી. મેનેજર તેની પીઠ પસવારી અને પછી કાનમાં કહ્યું: "લૂંટાઈ ગયા ને સર? મને ખબર હતી જ કે તમે લૂંટાઈ જવાના. અરે, આવી સ્ત્રીઓનો જરાય વિશ્વાસ જ ન કરવો જોઈએ. હું તમને કાલે સાંજે જ કહેવાનો હતો પણ કદાચ તમને ખોટું લાગી જાય એનો ડર હતો. બાકી, આવી આવારા સ્ત્રીઓ પહેલા મીઠું મીઠું બોલે અને પછી લપેટમાં લઈ લે. હળવે'કથી પચીસ પચાસનો કડદો કરીને છનન... થઈ જાય.બોલો, કેટલામાં આવી ગયા? કેટલા રૂપિયા લૂંટી ગઈ?”
  • જવાબમાં અજયે ક્ષીણ સ્વરે કહ્યું: `મેનેજર, તમે કદી કોઈને પ્રેમ કર્યો છે! જો પ્રેમ કર્યો હોત તો દિલની કિંમત જાણી શકત. પણ ના, તમે કદી કોઈને પ્રેમ નહીં કર્યો હોય.’

`પણ છતાં… કહો તો ખરા. કેટલામાં આવી ગયા સર? મેનેજર હજી પણ પૂછતો હતો ત્યારે થોડા ગુસ્સે થઈને અજયે કહ્યું:’

એ આંકડો બહુ મોટો છે મેનેજર. તમારી હોટલની કિંમત કરતાં પણ મોટો....' અને પછી પોતાની રૂમના પગથિયાં ચડતાં આંખો બંધ કરીને બબડતો રહ્યો: આરતી, આરતી, પ્લીઝ, એક વાર તું મને મળી જા. નહિતર એક બીજો ભરથરી થઈ જશે એ ચોક્કસ!!’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…