તરોતાઝા

એક જટિલ વ્યાધિ -ગ્રહણી

આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી `મન’

જે રોગો મટાડવામાં સૌથી અસરકારક ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ હોય તેવા રોગોમાં ગ્રહણી રોગનું આગળ પડતું સ્થાન કહી શકાય. ગ્રહણી રોગને લોક ભાષામાં સંઘરણી
કે સંગ્રહણી બોલાવવામાં આવે છે.
હોજરીનો ભાગ પૂરો થતાં જ નાના આંતરડાનો ભાગ શરૂ થાય છે. તે પહોળા એક વેંતનાં ભાગને આયુર્વેદમાં ગ્રહણી કહેવામાં આવે છે અને અંગ્રેજીમાં તેને ડીઓડીનલ પાર્ટ કહેવામાં આવે છે. તેનું કાર્ય હોજરીમાંથી આવતાં કાચા આહારને ગ્રહણ કરી તેને પકાવવાનું છે. તેને કારણે આયુર્વેદમાં તેનાં પચ્યમાનાશય અથવા પિત્તધરાકલા એવાં પણ નામો આપ્યાં છે.
ઝાડા મટ્યા પછી મંદાગ્નિ હોવા છતાં પણ જે દર્દી અપથ્ય આહારનું સેવન કરે છે તેને આ રોગ શરૂ થાય છે. એટલે જ તો આ રોગને ઝાડા અને મરડાનાં સમૂહનો રોગ માનવામાં આવે છે. આયુર્વેદનાં ગ્રંથોમાં અતિસાર અને અર્શ રોગનાં પ્રકરણની વચ્ચે ગ્રહણી પ્રકરણ સહેતુક મૂકવામાં આવ્યું છે.
પાચનતંત્રનાં મહત્ત્વનાં અવયવ એવાં આંતરડામાં થતાં આ વ્યાધિને મહારોગ પણ માનવામાં આવે છે. કારણકે,તેની યોગ્ય અને સમયસર સારવાર ન મળતાં તે મૃત્યુનું પણ કારણ બને છે. ગ્રહણી એ બંધારણીય રોગ હોવાથી આંતરડાને પુન: કાર્યશીલ બનાવવા,જઠરાગ્નિ પ્રદીપ્ત કરવા ને આમનું પાચન કરવા લાંબી અને વ્યવસ્થિત સારવાર આપવી
પડે છે.
આયુર્વેદમાં વર્ણવેલ ગ્રહણીરોગમાં આધુનિક વિજ્ઞાનમાં વર્ણવેલ આઈ. બી. એસ. (ઇરિટેબલ બોવલ સિન્ડ્રોમ), ડિસેન્ટ્રી, એમીબીયાસીસ, અલ્સરેટીવ કોલાઈટીસ વગેરે અનેક રોગોનો સમાવેશ થઈ જાય છે.
મળ કાચો કે પાકો, પીડાયુક્ત, દુર્ગંધિત, ક્યારેક ઘટ્ટ તો ક્યારેક પાતળો આવવો, ક્યારેક કબજિયાત કે ક્યારેક ઝાડા થવાં તે ગ્રહણી રોગનું મુખ્ય લક્ષણ છે.
ગ્રહણીનાં વાતજ,પિત્તજ, કફજ અને ત્રિદોષજ એમ ચાર પ્રકાર છે. તેનાં કારણો, લક્ષણો અને ઉપાય પણ તે અનુસાર અલગ અલગ છે.
તે ઉપરાંત સંગ્રહગ્રહણી, ઘટીકાયંત્ર ગ્રહણી, આમ ગ્રહણી, નિરામ ગ્રહણી, સાધ્ય ગ્રહણી અને અસાધ્ય ગ્રહણી એવા પ્રકાર પણ પાડવામાં આવેલા છે.
સંગ્રહગ્રહણી(સંગ્રહણી)માં રોગ રાત્રે સાવ શાંત રહે છે. ઘટિકાયંત્ર ગ્રહણીમાં રોગ દિવસે સાવ શાંત રહે છે ને રાત્રે દર્દી સૂતેલ હોય ત્યારે તેના પેટમાં પાણીમાં ડૂબતા ઘડામાંથી આવે તેવો ડબ-ડબ જેવો અવાજ દૂર સુધી સંભળાય તે રીતે આવે છે.
આમ ગ્રહણીમાં ઝાડા ચીકણા,આમવાળા (કાચા), દુખાવા સાથે, દુર્ગંધિત કે ખાટી ગંધવાળા થાય છે. ભૂખ લાગતી નથી. શરીરમાં ભાર લાગે છે. નિરામ ગ્રહણીમાં ભૂખ વધુ લાગે છે અને ઝાડો પાણી ઉપર તરે છે.
વાતજ ગ્રહણીમાં વજન ખૂબ ઘટતું જાય છે. અશક્તિ રહે છે સૂતી વખતે પગ પાણી પાણી થઈ જાય છે પેટમાં વીંટ આવે છે.
પિત્તજ ગ્રહણીમાં તરસ વધુ લાગે છે. ઝાડા ખાટી ગંધવાળા,
પાતળા થાય છે. મોં આવી જાય છે. દર્દી ચીડિયો થઈ જાય છે. દાહ થાય છે.
કફજ ગ્રહણીમાં ભૂખ નથી લાગતી. શરીરમાં ભાર લાગે છે. મળમાં ચીકાશ આવે છે કે લચકા જેવા ઝાડાનું પ્રમાણ વધુ હોય છે. જમીને તરત મળત્યાગ માટે જવું પડે છે. ઝાડા કાચા હોય છે.
વૃદ્ધ વ્યક્તિને થયેલો ગ્રહણી રોગ અસાધ્ય માનવામાં આવે છે તો યુવાનને કષ્ટસાધ્ય જ્યારે બાળકને સાધ્ય છે. તાવ,ઉલટી,પુષ્કળ ઝાડા, શ્વાસ, ઉધરસ, તૃષા, અચી લક્ષણો ઉમેરાતાં ગ્રહણી રોગ અસાધ્ય બને છે.
પાચનતંત્રની વિકૃતિથી થયેલા આ રોગમાં જઠરાગ્નિ મંદ પડે છે. આથી, આમ પેદા કરે તેવા ભારે,ચીકણા, કાચા ખોરાકથી હંમેશાં દૂર રહેવું જોઈએ.
ભેંસનાં દૂધ-ઘી, માખણ, મેંદો, મીઠાઈ, ખાંડ, કેળા વગેરેથી હંમેશાં દૂર રહેવું જોઈએ. ગ્રહણીમાં સર્વોત્તમ ખોરાક છાશ છે. તે કારણે જ વૈદ્યો આ રોગમાં તક્રકલ્પ, છાસસેવન કે છાશવટીનો ઉપયોગ
કરાવે છે.
તક્રકલ્પમાં દર્દીએ કેવળ છાશ ઉપર જ રહેવાનું હોય છે. ગાયનાં દૂધનું દહીં બનાવી તેમાં અડધું પાણી નાખી વલોણાથી વલોવી તર કે માખણ કાઢી લઈ જે છાશ બને તે તાજી જેટલી માફક આવે તેટલી લઈ શકાય.
રોગી તેમજ રોગનું બલ, કાલ, વિભાગ, જઠરાગ્નિનું બળ,શરીરબળ, મનોબળ ઉંમર,ઋતુ,સમય વગેરે પરથી જાણકાર વૈદ્ય એક સપ્તાહ, દસ દિવસ, માસ કે અડધો મહિના સુધી તક્રપ્રયોગ યોજે છે.
યોગરત્નાકર ગ્રંથ પ્રમાણે કેવળ એકલી છાસ જ ગ્રહણીનું સર્વોત્તમ ઔષધ છે. કારણકે છાશ જઠરાગ્નિ પ્રદીપ્ત કરે છે, પચવામાં હળવી છે, ગ્રાહી ગુણને કારણે મળને બાંધે છે, પથ્ય છે ને તેનો વિપાક મધુર છે તેથી બધા પ્રકારની ગ્રહણીમાં માફક આવે છે.
ખાટી છાશમાં ચિત્રક ને કાળામરીનું ચૂર્ણ મેળવીને સાત દિવસ પ્રયોગ કરવાનું પણ કહેવામાં આવેલ છે.
ગ્રહણીનો પ્રકાર સમજાતો ન હોય ત્યારે અથવા સર્વપ્રકારની સંગ્રહણીમાં સૂંઠ મોથ, અતિવિષ અને ગળોનો ઉકાળો કરીને આપી શકાય છે.
દવાખાનામાં અને હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને વૈદ્યો તક્રપ્રયોગ સાથે પર્પટી પ્રયોગ કરાવતા હોય છે. તેમાં સુવર્ણ પર્પટી, પંચામૃત પર્પટી, રસપર્પટી વગેરે મુખ્ય છે.
રસઔષધોમાંથી ગ્રહણીકપાટરસ, ગ્રહણી ગજકેસરીરસ, મુર્તિરસ, કનકસુંદર રસ વગેરે આપવામાં આવે છે.બિલ્વાદિ ધૃત, દ્રાક્ષાસવ, વૃદ્ધગંગાધર ચૂર્ણ, તાલીસાદિચૂર્ણ, જાતિફલાદ્યચૂર્ણ, ચિત્રકાદીવટી અને શંખવટી વગેરે પણ ગ્રહણીરોગમાં વપરાતાં ઉત્તમ તૈયાર ઔષધો છે. જે રોગ અને રોગીની જુદી જુદી અવસ્થાઓ માટે નિષ્ણાંત વૈદ્યનાં માર્ગદર્શનમાં વપરાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…