સેન્સેક્સ ૧૭૩ના સુધારા સાથે ૬૬,૧૦૦ની ઉપર આવ્યો, જોકે, નિફ્ટી ૧૯,૫૦૦ સુધી પણ પહોંચી ના શક્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: એશિયન અને યુરોપિયન બજરોના સુધારા સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટૂબ્રો, મારુતિ તથા આઇટીસી જેવી ઇન્ડેક્સ હેવીવેઇટ સ્ક્રીપ્સમાં લેવાલીનો ટેકો મળવાથી શેરબજાર પ્રારંભિક ઘટાડો ખંખેરીને પોઝિટીવ ઝોનમાં આગળ વધ્યું હતું. સેન્સેક્સ ૧૭૩ના સુધારા સાથે ૬૬,૧૦૦ની ઉપર આવી ગયો હતો, જોકે, નિફ્ટી સત્ર દરમિયાન ૧૯,૫૦૦ સુધી પણ પહોંચી ના શક્યો.
સેન્સેક્સ પ્રારંભિક સત્રમાં ૬૫,૫૪૯.૯૬ પોઇન્ટ સુધી નીચે ગયો હતો જોકે, હેવીવેઇટ શેરોની લેવાલીનો ટેકો મળતાં અંતે ૧૭૩.૨૨ પોઇન્ટ અથવા તો ૦.૨૬ ટકાના સુધારા સાથે ૬૬,૧૧૮.૬૯ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. સત્ર દરમિયાન બેન્ચમાર્ક ૨૨૬.૮૦ પોઇન્ટ અથવા તો ૦.૩૪ ટકાના સુધારા સાથે ૬૬,૧૭૨.૨૭ પોઇન્ટની સપાટીને અથડાયો હતો. નિફટી સત્ર દરમિયાન ૧૯,૫૫૪ પોઇન્ટની નીચી અને ૧૯,૭૩૦.૭૦ પોઇન્ટની નીચી સપાટીને અથડાઇને અંતે ૫૧.૭૫ પોઇન્ટ અથવા તો ૦.૨૬ ટકાના સુધારા સાથે ૧૯,૭૧૬.૪૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
બજારના સાધનોએ જણાવ્યું હતું કે યુરોપના બજારો ઊંચા મથાળે ખૂલ્યા હોવાના અહેવાલો વચ્ચે બજાર બપોરના સત્રમાં સુધારો જોવા મળ્યો હતો. ઊંચા વ્યાજદર અને ક્રૂડ ઓઇલના ધતા ભાવની વૈશ્ર્વિક ચિંતાને બાજુએ મૂકીને રોકાણકારોએ સ્થાનિક અર્થતંત્રની વિકાસ સંભાવના તથા કોર્પોરેટ પરિણામ સારા આવવાના આશાવાદ તરફ ધ્યાન આપ્યું હતું. રોકાણકારો વૈશ્ર્વિક બજાર પર ફોકસ ધરાવતી કંપનીઓમાંથી લેમ ઓછું કરીને ડોમેસ્ટિક ફોકસ્ડ કંપનીઓમાં લેણ વધારી રહ્યં હોવાનું જોવા મળ્યું હતું.
લાર્સન એન્ડ ટૂબ્રો, આઇટીસી, સન ફાર્મા, મારુતિ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રઈઝ, એક્સિસ બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક અને હિંદુસ્તાન યુનિલીવર ટોપ ગેઇનર બન્યાં હતા. જ્યારે ટાઈટન, સ્ટેટ બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, એચડીએફસી બેન્ક, ટાટા સ્ટીલ અને નેસ્લે ટોપ લૂઝર્સ બન્યાં હતાં.
અપડેટર સર્વિસિસ લિમિટેડેનો આઇપીઓ અંતિમ દિવસે બપોર સુધીમાં ૧.૮૧ ગણો ભરાયો હતો, જેમાં ક્વ્બિસ પોર્શન ત્રણ ગણો ભરાયો હતો અને રિટેલ પોર્શન સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ થઇ ગયો હતો. બુધવવારે બે શેરનું લિસ્ટિંગ થયું હતું. એથનિક એપેરલ રિટેલર સાઇ સિલ્ક (કલામંદિર) લિમિટેડનો શેર તેના રૂ. ૨૨૨ના ઇશ્યુ ભાવ સામે ચાર ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયો હતો.
બીએસઇ પર રૂ. ૨૩૦.૧૦ના ભાવે લિસ્ટેડ થઇને ૧૦.૨૯ ટકા સુધી વધી રૂ. ૨૪૪.૮૫ની સપાટીએ સ્થિર થયો હતો. સિગ્નેચર ગ્લોબલ લિમિટેડનો શેર તેના રૂ. ૩૮૫ના ઇશ્યુ ભાવ સામે રૂ. ૪૪૫ની ૧૫.૫૮ ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયો હતો. સત્રને અંતે તે ૧૯.૦૬ ટકાના ઉછાળા સાથે રૂ. ૪૫૮.૪૦ની સપાટીએ સ્થિર થયો હતો.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની ભાગીદ્વારા સાથે એમેઝોન પે દ્વારા ૩૦ કરોડ ભારતીયો માટે રૂપે કાર્ડધારકો સહિત ડેબિટ અને ક્રેડિટ કાર્ડ મારફત તહેવારોને અનુલક્ષીને વિવિધ ઓફરો જાહેર કરી છે, જેમાં આઇસીઆઇસીઆઇ બેન્ક ક્રેડિટનો પણ સમાવેશ છે. એમેઝોન પેના આ પ્રાંતના ગ્રાહકોમાં મહારાષ્ટ્રના ૭૭ ટકા અને મુંબઇના ૭૨ ટકા લોકો યુપીઆઇ દ્વારા પેમેન્ટની પસંદગી કરે છે. વિવિધ રાજ્યોના પર્યટન વિભાગ પણ તહેવારોને ધ્યાનમાં રાખીને પ્રવાસન ઉદ્યોગ અને રોકાણ આકર્ષવા વિવિધ આયોજન કરી રહ્યાં છે, જેમાં મહારાષ્ટ્ર પર્યટન વિભાગે યોજેલા ઇન્ટરનેશનલ ગણેશ ફેસ્ટિવલ અંતર્ગત આર્ટ એન્ડ કલ્ચર સેન્ટરની સ્થાપના કરી છે, જેની વિવિધ દેશના રાજદૂતોએ મુલાકાત લીધી હતી.
બજારના સાધનો અનુસાર એફઆઇઆઇની એકધારી વેચવાલી અને યુએસ બોન્ડની યિલ્ડનો એકધારો સુધારો ચિંતાનો વિષય છે અને તેને કારણે બ્રોડર ઇન્ડેક્સ અથડાયેલા રહેશે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોે સોમવારે રૂ. ૨૩૩૩ કરોડ, મંગળવારે રૂ. ૬૯૩ કરોડની વેચવાલી કર્યા બાદ બુધવારે રૂ. ૩૫૪ કરોડની વેચવાલી નોંધાવી હતી. બુધવારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)એ રૂ. ૩૮૬ કરોડની લેવાલી નોંધાવી હતી. એશિયાઇ બજારોમાં સિઓલ, ટોકિયો, શાંઘાઇ અને હોંગકોંગમાં સુધારો હતો. મોટાભાગના યુરોપના બજારોમાં સુધારો હતો. મંગળવારે અમેરિકન બજારો નીચી સપાટીએ ગબડ્યા હતા. ગ્લોબલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૯૮ ટકા ઉછળીને ૯૪.૮૮ ડોલર પ્રતિ બેરલ બોલાયું હતું.
સેન્સેક્સમાં લાર્સન એન્ડ ટૂબ્રો ૧.૭૦ ટકા, આઈટીસી ૧.૫૧ ટકા, સન ફાર્માસ્યુટીકલ ઈન્ડસ્ટ્રીઝ ૧.૪૪ ટકા, મારૂતિ સુઝુકી ઈન્ડિયા ૧.૪૨ ટકા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૧.૧૮ ટકા વધ્યા હતા, જ્યારે ટાઈટન કંપની ૧.૨૪ ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૦.૮૧ ટકા, એચડીએફસી બેન્ક ૦.૬૮ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૫૭ ટકા અને ટાટા સ્ટિલ ૦.૫૪ ટકા ઘટ્યા હતા. બી ગ્રુપની એક કંપનીને ઉપલી સર્કીટ સહિત બધા ગ્રુપની કુલ ૧૭ કંપનીઓમાંથી આઠ કંપનીઓને ઉપલી અને નવ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.