શેર બજાર

ડેરિવેટિવ એક્સપાયરી પહેલા નિફ્ટીએ ૨૨,૦૦૦ પોઇન્ટની સપાટી ગુમાવી, સેન્સેક્સ ૭૨,૩૦૦ની નીચે સરક્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિશ્ર્વબજારના એકંદર મિશ્ર સંકેત અને તેજી માટેના ટ્રીગરના અભાવ વચ્ચે માસિક ડેરિવેટિવ એક્સપાયરી પહેલા, નિફ્ટીએ ૨૨,૦૦૦ પોઇન્ટની સપાટી તોડી નાંખી હતી જ્યારે બુધવારે સેન્સેક્સ લગભગ ૮૦૦ પોઈન્ટ અથવા એક ટકાના કડાકા સાથે ૭૨,૩૦૦ની નીચી સપાટીએ ગબડી ગયો છે. આ સત્રમાં ખાસ કરીને સ્મોલકેપ્સ શેરોમાં ઘણાં સમય બાદ નોંધપાત્ર ધોવાણ જોવા મળ્યું હતું. આ કાડાકમાં બીએસઇના માર્કેટ કેપમાં એક અંદાજે રૂ. ૬ લાખ કરોડનું ધોવાણ થયું છે.

શેરબજારમં ભારે અફડાતફડીમાંથી પસાર થતો બીએસઇનો બેન્ચમાર્ક સેન્સેક્સ ૭૩,૦૯૫.૨૨ પોઇન્ટના પાછલા બંધ સામે મોચા ગેપ સાથે ૭૩,૧૬૨.૮૨ પોઇન્ટની ઊંચી સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૧૦૦૦ પોઇન્ટની ઊથલપાથલ સાથે ૭૩,૨૨૩.૧૧ પોઇન્ટની ઊંચી અને ૭૨,૨૨૨.૨૯ની નીચી સપાટી વચ્ચે અથડાઇને અંતે ૭૯૦.૩૪ પોઇન્ટ અથવા તો ૧.૦૮ ટકાના કડાકા સાથે ૭૨,૩૦૪.૮૮ પોઇન્ટની નીચી સપાટીએ સ્થિર થયો હતો.

એ જ રીતે, એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી ૨૨,૨૧૪.૧૦ પોઇન્ટની સપાટીએ ખૂલીને સત્ર દરમિયાન ૨૨,૨૨૯.૧૫ પોઇન્ટની ઊંચી અને ૨૧,૯૧૫.૮૫ પોઇન્ટની નીચી સપાટીએ અથડાઇને અંતે ૨૪૭.૨૦ પોઇન્ટ અથવા તો ૧.૧૧ ટકાના કડાકા સાથે ૨૧,૯૫૧.૧૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.

પેટીએમનો શેર પાંચ ટકાની નીચલી સર્કિટમાં અને નોડાફોનનો શેર ૧૦ ટકાની નીચલી સર્કિટમાં ભેરવાયો હતો. મૂડીબજારમાં જબરી હલચલ છે. આ સપ્તાહે પાંચ ઇશ્યૂ ઓપન થઇ રહ્યાં ચે અને છનું લિસ્ટિંગ છે. જુનીપર હોટલનો શેર તેના રૂ. ૩૬૦ના ભાવ સામે રૂ. ૩૬૧.૨૦ની સપાટીએ ખૂલ્યો હતો પરંતુ સત્ર દરમિયાન ૧૦.૩૬ ટકાના ઉછાળા સાથે રૂ. ૩૯૭.૩૦ સુધી ઊછળ્યો હતો.

આર કે સ્વામી લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ચોથી માર્ચે ખુલશે અને છઠી માર્ચે બંધ થશે. પ્રાઈસ બેન્ડ રૂ. ૨૭૦થી રૂ. ૨૮૮ પ્રતિ ઈક્વિટી શેર નક્કી થઇ છે. બિડ ઓછામાં ઓછા ૫૦ ઇક્વિટી શેર માટે અને ત્યાર બાદ ૫૦ ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ પહેલી માર્ચ છે. એક એનએસઇ અને બીએસઇ પર લિસ્ટિંગ થશે.

એમવીકે એગ્રો ફૂડ પ્રોડક્ટ લિમિટેડનું ભરણું ૨૯ ફેબ્રુઆરીએ ખુલશે અને ચોથી માર્ચે બંધ થશે. કંપની આ ભરણાં મારફત રૂ. ૬૫.૮૮ કરોડ એકત્ર કરશે અને શેર એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. ઇશ્યુ પ્રાઇઝ રૂ. ૧૨૦ અને લોટ સાઈઝ ૧,૨૦૦ ઈક્વિટી શેરની છે. ભંડોળનો ઉપયોગ મહારાષ્ટ્રના નાંદેડમાં ગ્રીનફિલ્ડ યુનિટની સ્થાપના, ઇથેનોલ, બાયો-સીએનજી અને ખાતરના ઉત્પાદન અને બોટલિંગ તેમજ સામાન્ય કોર્પોરેટ ખર્ચ માટે થશે.

વ્યાપક બજારમાં વેચવાલી વધુ ઊંડી હતી જ્યાં મિડકેપ્સ, સ્મોલકેપ અને માઇક્રોકેપ શેરઆંકોમાં લગભગ બે ટકા જેટલો કડાકો જોવા મળ્યો હતો. આ ઊથલપાથલમાં દલાલ સ્ટ્રીટના રોકાણકારોની સંપત્તિમાંથી લગભગ રૂ. ૬ લાખ કરોડથી વધુ ધોવાણ નોંધાયું હતું. તમામ બીએસઇ લિસ્ટેડ શેરોની માર્કેટ મૂડી ઘટીને રૂ. ૩૮૬ લાખ કરોડના સ્તરે પહોંચી છે, જે પછલા સત્રમાં રૂ. ૩૯૧.૯૯ લાખ કરોડના સ્તરે હતી. બુધવારના સત્રમાં સાર્વત્રિક વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો. બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ શેરોમાંથી લગભગ ૬૬૪ શેર વધ્યા હતા અને ૨૬૨૭ શેર નીચી સપાટીએ ગબડ્યા હતા, જ્યારે ૬૫ શેર મૂળ સપાટીએ પાછા ફર્યા હતા.

નિફ્ટીમાં સૌથી વધુ ઘટનારા શેરોમાં પાવર ગ્રીડ કોર્પોરેશન, એપોલો હોસ્પિટલ્સ, આઈશર મોટર્સ, મારુતિ સુઝુકીનો સમાવેશ હતો, જ્યારે સૌથી વધુ વધનારા શેરોમાં હિંદુસ્તાન યુનિલીવર, ઈન્ફોસિસ, ટીસીએસ અને ભારતી એરટેલનો સમાવેશ હતો. ઓટો, ઓઇલ એન્ડ ગેસ, પાવર અને રિયલ્ટી પ્રત્યેક બે ટકા જેટલા ઘટાડા સાથે તમામ ક્ષેત્રીય ઇન્ડાઇસિસ રેડ ઝોનમાં ગબડ્યા હતા. બીએસઇ મિડકેપ અને સ્મોલકેપ શેરઆંકોમાં પણ બે ટકા જેવા કડાકા જોવા મળ્યા હતા.

નોંધવું રહ્યું કે, શેરબજાર ખુલતા સત્રમાં નેગેટિવ ઝોનમાં ગબડ્યા બાદ ફરી સુધારાના પંથે આગળ વધ્યું અને સેન્સેકસ ૫૦૦ પોઇન્ટ નીચે ગબડી, ત્યાંથી લગભગ ૭૫૦ પોઇન્ટ ઊછળ્યો અને ફરી ઊંચી સપાટી સામે ૧૨૫૦ પોઇન્ટ જેટલો ગબડ્યો હતો. એ જ રીતે, નિફ્ટી ૨૨,૦૦૦ સુધી નીચે ગબડી, ૨૨,૨૦૦ની નજીક પહોંચી ફરી ૨૨,૦૦૦ સુધી નીચે ખેંચાયો અને અંતે એ સપાટી પણ તોડી નાંખી!
નિષ્ણાતો માને છે કે ટૂંક સમયગાળા સુધી આ ખેલ ચાલુ રહી શકે છે!

એશિયાના બજારોના મિશ્ર સંકેત વચ્ચે સેન્ટિમેન્ટ ઢીલું પડતા ભારતીય શેરબજારના સેન્ટિમેન્ટ પર તેની નકારાત્મક અસર જોવા મળી હતી. પ્રારંભિક સત્રમાં રિયલ્ટી અને મીડિયા શેરોમાં ધોવાણ જોવા મળ્યું હતું. સેન્સેક્સ નેગેટિવ અને પોઝિટિવ ઝોનમાં અથડાતો રહ્યો હતો, પરંતુ ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં નવેસરની લેવાલીનો ટેકો મળતાં સેન્સેકસ ફરી પોઝિટિવ ઝોનમાં આગળ વધ્યો પરંતુ ટકી ના શક્યો અને રેડ ઝોનમાં સરકી ગયો હતો. ખુલતા સત્રમાં લાર્સન એન્ડ ટુબ્રો અને એશિયન પેઇન્ટ્સમાં સૌથી વધુ ધોવાણ જોવા મળ્યું હતું. જોકે રિયલ્ટી અને હેલ્થકેર સિવાયના મોટા ભાગના સેક્ટર ગ્રીનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. અંતે આખું ચિત્ર બદલાઇ ગયું હતું.

બજારના નિષ્ણાતો જણાવે છે કે, નજીકના ગાળામાં બજાર રેન્જ-બાઉન્ડ ઝોનમાં રહેવાની શક્યતા છે. એફઆઇઆઇએ આ મહિને, ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં તેમના વેચાણમાં તીવ્ર ઘટાડો કર્યો છે અને કેશ માર્કેટમાં રૂ. ૮૭૨ કરોડનું નેટ બાઈંગ નોંધાવ્યું છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત