ટોપ ન્યૂઝસ્પોર્ટસ

કંઈ પણ થાય, ચેતેશ્વર પૂજારાને કેમેય કરીને ટીમમાં નથી જ લેવો, બસ!

અજય મોતીવાલા

મુંબઈઃ ટેસ્ટ-સ્પેશિયાલિસ્ટ, ધ વૉલ, સૌરાષ્ટ્રનો સાવજ, ટૉપ-ઑર્ડરનો ભરોસાપાત્ર બૅટર….
આ બધી ઓળખ વાંચીને તમે સમજી જ ગયા હશો કે આપણે કોની વાત કરી રહ્યા છીએ. હા, ચેતેશ્ર્વર પૂજારાની. આ એવો ગુજરાતી બંદો છે જેને ટીમ ઇન્ડિયામાં રમવાની તક ઘણી મળી છે અને તેણે ભારતને ઘણી મૅચો જિતાડી આપી છે, પરંતુ તેને અન્યાય પણ ખૂબ થયો છે અને ખૂબ અવગણવામાં પણ આવ્યો છે. સિલેક્ટરોને અને ટીમ મૅનેજમેન્ટને શુભમન ગિલ પર એવો તે કેવો પ્રેમ ઉભરાઈ આવ્યો છે કે તે ઉપરાઉપરી મૅચમાં નબળું રમી રહ્યો હોવા છતાં રમાડવામાં આવી રહ્યો છે અને પૂજારા સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવી રહ્યું છે.

એક તો ટેસ્ટ ટીમમાં પીઢ અને અનુભવી ખેલાડીઓની તંગી છે એમાં પૂજારાને સતત ટીમની બહાર રાખીને કોણ શું સાબિત કરવા માગે છે એ જ નથી સમજાતું. પૂજારાની બાબતમાં શું નીતિ ચાલી રહી છે એ બહુ મોટું રહસ્ય લાગી રહ્યું છે. જે બૅટર કાઉન્ટી ક્રિકેટમાં કૅપ્ટન્સી સંભાળીને બૅટિંગમાં ઉત્કૃષ્ટ પર્ફોર્મ કરીને ભારત પાછો આવ્યો હોય અને રણજી ટ્રોફીમાં પણ (સૌરાષ્ટ્ર વતી) સારું રમી રહ્યો હોય તેને કેવી રીતે ઇન્ટરનૅશનલ ટીમથી દૂર રાખી શકાય એ જ નથી સમજાતું. સારી બૅટિંગના અભાવે ભારત આજે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)ના પૉઇન્ટ્સ-ટેબલમાં પાંચમા નંબરે ધકેલાઈ ગયું છે એ મોટી ચિંતાનો વિષય છે.

હમણાંની જ વાત કરીએ. હૈદરાબાદમાં ઇંગ્લૅન્ડ સામે પચીસમી જાન્યુઆરીએ સિરીઝની પ્રથમ ટેસ્ટ શરૂ થઈ ત્યારે પ્રારંભમાં લાગતું હતું કે આપણા સ્પિનરોએ આખી બ્રિટિશ ટીમને વશમાં કરી લીધી છે. કારણ એ હતું કે આપણે તેમને 246 રનમાં પૅવિલિયન ભેગા કરી દીધા હતા. આપણી ટીમે 436 રન બનાવીને 190 રનની લીડ લીધી એટલે વિજય જાણે હાથમાં જ આવી ગયો હોય એવું લાગતું હતું. જોકે આપણા ટૉપ-ઑર્ડરમાં તો મોટી કચાશ હતી જ. યશસ્વી જયસ્વાલે 80 રન અને કેએલ રાહુલે 86 રન બનાવ્યા, પરંતુ ખુદ કૅપ્ટન રોહિત શર્મા 24 રન અને શુભમન ગિલ 23 રન બનાવીને ડ્રેસિંગ-રૂમમાં પાછો જતો રહ્યો હતો. પછીથી ‘બાપુ’ રવીન્દ્ર જાડેજાએ 290 મિનિટ સુધી ક્રીઝ પર ટકીને લાજ રાખી અને 87 રન બનાવ્યા અને બીજા ગુજરાતી ઑલરાઉન્ડર અક્ષર પટેલે 134 મિનિટ સુધી બ્રિટિશ બોલરોનો સામનો કરીને 44 રન બનાવ્યા એટલે ટીમનો સ્કોર સાડાચારસોની નજીક પહોંચી શક્યો. જોકે પેલા ટૉપ-ઑર્ડરમાં તો મોટું ગાબડું હતું જ.

ગિલની નિષ્ફળતા કેમ કોઈને દેખાતી નથી? છેલ્લી 15 ટેસ્ટ ઇનિંગ્સમાં તેની માત્ર એક સેન્ચુરી છે, બસ. એમાં તેની હાફ સેન્ચુરી એક પણ નથી: 0, 23, 10, 36, 26, 2, 29, 10, 6, 18, 13, 128, 5, 21 અને 7. પૂજારા કેમ સિલેક્ટરોને યાદ નથી આવતો? તેને ટેસ્ટ ટીમમાં સ્થાન નથી અપાતું અને બીજી બાજુ ગિલને ત્રણેય ફૉર્મેટમાં મોકો આપવા છતાં તે ફૉર્મમાં નથી આવતો. ટેસ્ટ, વન-ડે અને ટી-20 સહિત ત્રણેય ફૉર્મેટવાળી છેલ્લી 10 મૅચના તેના (ગિલના) સ્કોર્સ જાણીશું તો તેની નબળાઈ છતી થઈ જશે. એમાં તે ફક્ત બે હાફ સેન્ચુરી ફટકારી શક્યો છે. જુઓ, ટીમમાં તેનું મોટું યોગદાન છે જ નહીં: 23, 0, 23, 36, 10, 2, 26, 8, 0, 4, 80, 51 અને 23. આપણે ઘરઆંગણે રમીએ ત્યારે આપણા સ્પિનરોની સફળતાનો ચીપિયો પછાડતા રહીએ છીએ, પણ ટૉપ-ઑર્ડરની બૅટિંગ લાઇન-અપમાં મોટી કચાશ કેમ નથી દેખાતી? વિરાટ કોહલી વારંવાર અંગત કારણસર (કદાચ પત્ની અનુષ્કાની હેલ્થના કારણસર જ) લાંબી રજા લઈ રહ્યો છે. તેની ગેરહાજરીમાં ટીમમાં અનુભવીઓ તો હોવા જોઈએને! એકલો રોહિત શર્મા શું કરી શકવાનો? કેએલ રાહુલને ઈજા નડી રહી છે એટલે તે ટીમમાં સતતપણે નથી રહી શકતો અને શ્રેયસ ઐયર કંઈ એટલો બધો જૂનો નથી. અજિંક્ય રહાણે જેવા અનુભવીને ફરી ટીમમાં જગ્યા નથી મળતી એ સમજી શકાય, કારણકે રણજી ટ્રોફીમાં મુંબઈની ટીમ તેના સુકાનમાં જીતી રહી છે, પરંતુ ખુદ રહાણે બૅટિંગમાં સદંતર ફ્લૉપ જઈ રહ્યો છે. એ બધુ તો ઠીક, પણ પૂજારાને ટેસ્ટમાં ફરી રમાડવાનો નિર્ણય કેમ આકરો લાગી રહ્યો છે? પૂજારાને વન-ડે ટીમમાંથી તો સાવ આઉટ કરાયો છે. 10 વર્ષ પહેલાં (જૂન 2014માં) ભારત વતી વન-ડે રમ્યો હતો. ટેસ્ટ ટીમથી પણ તેને દૂર કરવામાં આવ્યો છે. તે છેલ્લે જૂન 2023માં ટેસ્ટ રમ્યો હતો. કાઉન્ટીમાં સસેક્સ ટીમની કૅપ્ટન્સી સફળતાપૂર્વક સંભાળનાર પૂજારાની રણજી ટ્રોફીમાંની છેલ્લી છ મૅચના બૅટિંગ પર્ફોર્મન્સ જ તેની ક્ષમતા અને કાબેલિયત પુરવાર કરવા તેમ જ ટેસ્ટ ટીમમાં વાપસી કરાવવા માટે પૂરતા છે: 91, 43, 66, 49, 43, 243* 27* અને 55* રન.


કેએલ રાહુલ હૈદરાબાદની ટેસ્ટમાં ઈજા પામ્યો એટલે બીજી ટેસ્ટમાં નથી રમવાનો એ વાત અલગ છે, પણ ટેસ્ટમાં વિકેટકીપર તરીકે કેએસ ભરતને કેમ લેવામાં આવી રહ્યો છે? રાહુલ પાસે કેમ વિકેટકીપિંગ નથી કરાવાતી? જો ભરતને બદલે રાહુલને સ્ટમ્પ્સ પાછળ ઊભો રાખવામાં આવે તો ઇલેવનમાં પૂજારાનો સમાવેશ આસાનીથી થઈ શકે. જોકે પૂજારાને તો જાણે લેવો જ નથી એવી જીદ કરવામાં આવી રહી છે.

આઇપીએલ નજીક આવે એટલે બધા ખેલાડીઓ ફિટનેસ જાળવવા વધારાનું ધ્યાન આપે અને બને તો કોઈ મૅચ કે સિરીઝમાં ન રમવાનું પણ પસંદ કરે, પરંતુ પૂજારાને તો આઇપીએલમાં પણ કોઈ નથી લેતું તો તેને કમસે કમ ટેસ્ટ ટીમમાં તો લેવો જ જોઈએને! ટેસ્ટ-સ્પેશિયાલિસ્ટને ટેસ્ટમાં જ અવગણવામાં આવી રહ્યો છે. રણજી ટ્રોફીમાં અઢળક રન બનાવતા મુંબઈના સરફરાઝ ખાનને કે આક્રમક બૅટર રજત પાટીદારને ટીમ ઇન્ડિયામાં સમાવો એ ખોટું નથી, પણ પૂજારાને શું કામ અવગણ્યા કરો છો? તેણે શું બગાડ્યું છે? યંગ ટીમ બનાવવાની લાલચમાં પીઢ ખેલાડીની અગત્યતા કેમ નથી સમજાતી? કોહલી જેવા અનુભવીની ગેરહાજરીમાં ઘરઆંગણે જ આપણી ટેસ્ટ ટીમની નામોશી થઈ રહી છે એ આઘાતજનક કહેવાય. યંગ ટીમમાં ધબડકો થવાની સંભાવના વધી જાય, પરંતુ ઇન્ફૉર્મ ટૉપ-ઑર્ડર બૅટરને સમાવવાથી ધબડકો અટકાવી શકાય છે.

આશા રાખીએ, પચીસમી જાન્યુઆરીએ જિંદગીના 36 વર્ષ પૂરા કરી ચૂકેલા રાજકોટના ચેતેશ્ર્વર પૂજારાને 15મી ફેબ્રુઆરીથી રાજકોટમાં જ ઇંગ્લૅન્ડ સામે રમાનારી સિરીઝની ત્રીજી ટેસ્ટથી ફરી રમવા મળશે.

ઑલ ધ બેસ્ટ, ચેતેશ્ર્વર પૂજારા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…