સ્પોર્ટસ

શહરયાર ખાનને ભારત સાથે ફરી ક્રિકેટ-સંબંધો ન બાંધી શક્યાનો અફસોસ હતો

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પટૌડીના કઝિનનું 89મા વર્ષે નિધન, વર્ષો પહેલાં ઇન્ઝમામથી ખૂબ નારાજ હતા

કરાચી: પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદ્વારી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના ભૂતપૂર્વ અધ્યક્ષ શહરયાર ખાનનું 89 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા.

શહરયાર ખાને 2003 પછીના સમયગાળામાં ભારત સાથેના પાકિસ્તાનના ક્રિકેટ-સંબંધો મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જોકે 2008માં મુંબઈ પરના આતંકવાદીઓના આક્રમણ બાદ આ સંબંધો વણસી ગયા છે અને છેલ્લા 16 વર્ષથી ભારત પોતાના ક્રિકેટરોને પાકિસ્તાનમાં રમવા નથી મોકલતું.

શહરયાર ખાને ગયા વર્ષે એમ મુલાકાતમાં કહ્યું હતું કે પીસીબીના અધ્યક્ષસ્થાન તરીકેની 2014થી 2017 દરમ્યાનની બીજી મુદત દરમ્યાન હું ભારત-પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ સંબંધોને પુન:સ્થાપિત ન કરાવી શક્યો એનો મને સતત અફસોસ છે.’
શહરયાર ખાનનો જ્ન્મ ભોપાલમાં થયો હતો. તેઓ ભારતના ક્રિકેટ-લેજન્ડ મન્સૂર અલી ખાન પટૌડીના કઝિન હતા. શહરયાર ખાને ભારત સાથેના ક્રિકેટ સંબંધો પર કેટલાક પુસ્તકો લખ્યા હતા.

આપણ વાંચો: ચૂંટણી પરિણામ 2023ઃ ‘પનોતી કોણ છે?’ પાકિસ્તાની ક્રિકેટર દાનિશે કૉંગ્રેસની કાઢી ઝાટકણી

શહરયાર ખાન 1990થી 1994 દરમ્યાન પાકિસ્તાનના વિદેશ સચિવ હતા તેમ જ ભારત તથા બ્રિટન ખાતેના પાકિસ્તાનના હાઈ કમિશનરપદે રહી ચૂક્યા હતા. તેઓ 2014-2017ની બીજી મુદત પહેલાં 2003-2006 દરમ્યાન પીસીબીના ચૅરમૅન હતા. તેમના અધ્યક્ષસ્થાન હેઠળ પાકિસ્તાને બે વખત ભારતીય ટીમને પોતાને ત્યાં બોલાવીને સફળ સિરીઝનું આયોજન કર્યું હતું. એ પહેલાં તેઓ 1999માં ભારત ખાતેના પ્રવાસ દરમ્યાન તેમ જ 2003ના વન-ડે વર્લ્ડ કપ વખતે પાકિસ્તાનની ક્રિકેટ ટીમના મૅનેજરપદે હતા.

2006માં શહરયાર ખાનની અધ્યક્ષસ્થાનની મુદત દરમ્યાન ઇંગ્લૅન્ડમાં પાકિસ્તાની ટીમે ઓવલમાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ મૅચ જતી કરી એ વિવાદ ચગ્યો હતો. ત્યારે શહરયાર ખાને એ સમયના સુકાની ઇન્ઝમામ-ઉલ-હકને જવાબદાર ગણાવ્યો હતો. એટલું જ નહીં, પાકિસ્તાનની ટીમમાં ધાર્મિક પરિબળો લાવવાના ઇન્ઝમામના પ્રયાસો બદલ શહરયાર ખાને ત્યારે ચિંતા પણ વ્યક્ત કરી હતી. એ રીતે તેઓ ઇન્ઝમામના અભિગમથી નારાજ હતા.

આપણ વાંચો: આ ગુજરાતી વહીવટકાર સતત ત્રીજી વાર એશિયન ક્રિકેટના કિંગ બની ગયા

શહરયાર ખાનના અધ્યક્ષસ્થાન દરમ્યાન પાકિસ્તાનની ટીમને કોચ તરીકે બૉબ વૂલ્મર મળ્યા હતા. જોકે 2007ના વર્લ્ડ કપ દરમ્યાન વેસ્ટ ઇન્ડિઝના કિંગસ્ટનમાં આયરલૅન્ડ સામેની હારને પગલે પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપની બહાર થઈ ગયા બાદ વૂલ્મરનું ટીમ-હોટેલમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું.

પીસીબીના વર્તમાન ચૅરમૅન મોહસીન નકવીએ પાકિસ્તાન ક્રિકેટને બહુમૂલ્ય યોગદાન આપનાર શહરયાર ખાનને સોશિયલ મીડિયામાં અંજલિ આપી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…