નેપાળ (Nepal)નો ક્રિકેટર બળાત્કાર (Rape)ના આક્ષેપોમાંથી મુક્ત, ચાહકોનું અદાલતની બહાર સેલિબ્રેશન

કાઠમંડુ: આઇપીએલમાં કોચી ટસ્કર્સ કેરલા તેમ જ દિલ્હી કૅપિટલ્સની ટીમ વતી રમી ચૂકેલા તેમ જ ઑસ્ટ્રેલિયાની બિગ બૅશ ટૂર્નામેન્ટમાં પણ પોતાના લેગબ્રેક ગૂગલીના કરતબ બતાવનાર નેપાળના 23 વર્ષના ક્રિકેટર સંદીપ લમીછાને (Sandeep Lamichhane)ને નેપાળની હાઈ કોર્ટે બળાત્કારના આક્ષેપોમાંથી નિર્દોષ જાહેર કર્યો છે.
દેશના આ સ્ટાર-ક્રિકેટર અને રાષ્ટ્રીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટનને બળાત્કારના આક્ષેપ બદલ આઠ વર્ષની સજા કરવામાં આવી હતી. એ ઉપરાંત તેને પાંચ લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો હતો.
ઑગસ્ટ, 2022માં આક્ષેપ થયા બાદ સંદીપની ધરપકડ કરવામાં આવી હતી અને થોડા દિવસ તેણે જેલમાં વીતાવ્યા હતા. જોકે અદાલતમાં કેસ ચાલી રહ્યો હતો અને તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.
સંદીપ પાસેથી દંડની રકમ કથિત ભોગ બનેલી મહિલાને વળતરરૂપે આપવા માટે લેવામાં આવશે એવી જાહેરાત અદાલતે કરી હતી.
આ પણ વાંચો: ભારતના વર્લ્ડ કપમાં રમી ચૂકેલા કૅરિબિયન ક્રિકેટરના રમવા પર પાંચ વર્ષનો પ્રતિબંધ
સંદીપની કથિત કરતૂતનો ભોગ બનેલી મહિલાએ આક્ષેપ કર્યો હતો કે 2022ની 21મી ઑગસ્ટે સંદીપે તેના પર બળાત્કાર કર્યો હતો.
જોકે બુધવારે પાટણ હાઈ કોર્ટના બે ન્યાયાધીશોની પૅનલે ઠરાવ્યું છે કે સંદીપ લમીછાનેને કાઠમંડુ જિલ્લા અદાલતે જે સજા ફરમાવી છે એ ફગાવી દેવી.
વડી અદાલતે સંદીપ સામેનો બળાત્કારનો કેસ કાઢી નાખ્યો હોવાની જાહેરાત થતાં જ સંદીપના અસંખ્ય ચાહકો અદાલતની બહાર ભેગા થયા હતા અને સંદીપના છૂટકારા બદલ સેલિબ્રેશન કર્યું હતું. એ સમયે પોલીસે કડક બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.