સ્પોર્ટસ

‘હું Rohit-Virat જેવો બની શક્યો હોત, સેન્ચુરી ફટકારી છતાં ધોનીએ મને કેમ ડ્રૉપ કરેલો?’ આવું કોણે કહ્યું?

કોલકાતા: કોઈ ક્રિકેટ ખેલાડી જ્યાં સુધી રિટાયરમેન્ટ ન લે ત્યાં સુધી તે સામાન્ય રીતે કોઈ દિગ્ગજ ખેલાડી કે કોઈ મોટી હસ્તી વિરુદ્ધ બોલવાનું ટાળે છે, કારણકે જો તેનો મુદ્દો ચર્ચાસ્પદ થઈ જાય કે ચગી જાય તો એ ખેલાડી કોઈક રીતે મુશ્કેલીમાં આવી શકે અથવા તેની બાકી રહેલી કરીઅર સામે પણ પ્રશ્ર્નાર્થ થાય. જોકે પ્લેયર એકવાર નિવૃત્ત થાય એટલે તેને બોલવાનો એક પ્રકારનો છૂટો દોર મળી જાય છે અને તે જો ખરેખર સાચો હોય તો તેણે કંઈ જ ગુમાવવા જેવું હોતું નથી, કારણકે તે ક્રિકેટ કૉન્ટ્રૅક્ટથી બંધાયેલો નથી હોતો અને જે સાચું લાગ્યું એ કહી દેવા માટે કોઈની પાસેથી તેણે પરવાનગી પણ નથી લેવી પડતી.

આવા પ્લેયરે તેની કરીઅરની શરૂઆતમાં કે મધ્યમાં કે છેવટના તબક્કામાં નૅશનલ ટીમમાં આવવા અથાક પ્રયત્નો કર્યા હોય છે, પણ તેને કોઈને કોઈ રીતે નથી જ આવવા મળતું.


પ્રથમ કક્ષાની ક્રિકેટમાં ઢગલો રન બનાવનાર પશ્ર્ચિમ બંગાળના મનોજ તિવારીને 2008થી 2015 દરમ્યાન ભારત વતી કુલ 13 મૅચ રમવા તો મળી હતી, પણ પોતે ટીમ ઇન્ડિયા વતી વધુ મૅચો રમી શકે એમ હતો અને એટલું જ નહીં, પોતે રોહિત શર્મા કે વિરાટ કોહલી જેવો હીરો બની શકતો હતો એવી પોતાનામાં ક્ષમતા હતી એવું તેણે સોમવારે રિટાયરમેન્ટ લીધા પછી કહ્યું છે.


રણજી સીઝનમાં બંગાળને બિહાર સામેની નિર્ણાયક લીગ મૅચમાં રોમાંચક વિજય અપાવનાર બંગાળના 38 વર્ષના કૅપ્ટન મનોજ તિવારીએ એક મુલાકાતમાં કહ્યું, ‘હું મહેન્દ્રસિંહ ધોનીને પૂછવા માગું છું કે 2011માં મેં સેન્ચુરી ફટકારી હતી છતાં મને કેમ પ્લેઇંગ ઇલેવનની બહાર કરી દેવામાં આવ્યો હતો? મારામાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા હીરો બનવાની ક્ષમતા હતી, પણ હું ન બની શક્યો. આજે હું ટીવી પર જોઉં છું કે ઘણા ખેલાડીઓને કંઈ કેટલાયે ચાન્સ મળતા હોય છે. યુવા ખેલાડીઓએ આઇપીએલ પર ફૉકસ રાખવાની માનસિકતાને અપનાવી લીધી છે.


એ બધુ જોઈને મને બહુ દુ:ખ થાય છે.’ મનોજ તિવારીએ 2011માં ચેન્નઈમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડેમાં અણનમ 104 રન બનાવ્યા હતા. 12 વન-ડેમાં તેના નામે 287 રન છે. તેણે ટીમ સિલેક્શનના મુદ્દા પર સવાલ કર્યા છે. તેને ખેદ એ વાતનો છે કે વેસ્ટ ઇન્ડિઝ સામેના આ શાનદાર પ્રદર્શન છતાં તેને 14 મૅચ સુધી ટીમની બહાર રખાયો હતો. તિવારીએ 148 ફર્સ્ટ-ક્લાસ મૅચમાં કુલ 10,195 રન બનાવ્યા હતા, પરંતુ બંગાળની ટીમને ઘણી મૅચો જિતાડવા છતાં તેને ભારત વતી ખાસ કંઈ નહોતું રમવા મળ્યું.

તાજેતરમાં તિવારીએ ટ્વિટર પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે રણજી ટ્રોફીને ‘સમાપ્ત’ કરી દેવી જોઈએ. જોકે તેણે આ મુદ્દે વિસ્તારથી નહોતું જણાવ્યું. તેણે આ પોસ્ટ બદલ પેનલ્ટી તરીકે તેની 20 ટકા ફી કાપી લેવાઈ હતી. અહીં ખાસ જણાવવાનું કે તિવારીએ ગયા વર્ષે ઑગસ્ટમાં નિવૃત્તિનો નિર્ણય જાહેર કર્યા પછી એ ડિસિઝન પાછો ખેંચી લીધો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Kuno National Park Celebrates Mothers Among Magnificent Mammals રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing