ઈન્ડિયન બેડમિન્ટન સ્ટાર પ્રણય ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાંથી એક્ઝિટ

બર્મિંગહામઃ ભારતીય બેડમિન્ટન ખેલાડી એચએસ પ્રણય આજે અહીંની પુરૂષ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં ફ્રાન્સના ટોમા જુનિયર પોપોવ સામે સીધા ગેમમાં હાર સાથે ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાંથી બહાર થઈ ગયો હતો.
વર્લ્ડ ચેમ્પિયનશિપ 2023 અને એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ વિજેતા 32 વર્ષીય પ્રણયને વિશ્વના 17 નંબરના પોપોવ સામે 53 મિનિટમાં 19-21, 16-21થી હારનો સામનો કરવો પડ્યો હતો.
આપણ વાંચો: 23 વર્ષનો ભારતીય બેડમિન્ટન ખેલાડી બન્યો ચેમ્પિયન
વિશ્વમાં 29માં ક્રમાંકિત ભારતીય ખેલાડીએ સારી શરૂઆત કરી હતી અને 6-1ની સરસાઈ મેળવી હતી. પ્રણય એક સમયે 15-12થી આગળ હતો પરંતુ પોવોવે શાનદાર વાપસી કરી હતી. પોપોવે 16-18 પર સતત ત્રણ પોઈન્ટ મેળવી 19-18ની સરસાઈ મેળવી અને પછી પ્રથમ ગેમ જીતી હતી.
પોપોવ બીજી ગેમમાં વધુ આક્રમક દેખાતો હતો. તેણે 5-3ની લીડ લીધી અને પછી સ્કોર 13-9 કર્યો હતો. પ્રણયે વાપસી કરી હતી અને 13-13ની સરસાઈ મેળવી પરંતુ ફ્રાન્સના ખેલાડીએ પોતાની લય જાળવી રાખી અને મેચ જીતી લીધી હતી.